લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે કોંગ્રેસ પર પરપ્રાંતીય મજૂરો અને કામદારોની મજાક કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, મહામારીના આ સમયમાં કોંગ્રેસના નેતાઓ એ 'સસ્તું રાજકારણ' ન કરવું જોઈએ. તો બીજી તરફ યુપી સરકારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની એક ઓફર સ્વીકારી છે, જેમાં પ્રિયંકાએ એક હજાર બસો ચલાવવાની મંજૂરી માંગી હતી.
યોગીએ એક ખાનગી ન્યૂઝ ચેનલને કહ્યું કે, 'ઉત્તરપ્રદેશના ઔરૈયામાં જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે, કોંગ્રેસના નેતૃત્વને સમજવું જોઈએ કે, એક ટ્રક રાજસ્થાનથી આવી રહી હતી અને બીજી પંજાબથી. સ્થળાંતર કામદારો બિહાર અને ઝારખંડ લઈ જવામાં આવી રહ્યાં હતાં. જેની પાસેથી વધુ પૈસા લેવામાં આવ્યાં હતાં.
કોંગ્રેસના નેતૃત્વ પર નિશાન સાધતા યોગીએ કહ્યું કે, આ બધુ નજરો સામે થયું ત્યારે શું કરી રહ્યાં હતાં આ લોકો, કોંગ્રેસે લોકોનું શોષણ પણ કરવું અને પછી પ્રામાણિકતાનો ચહેરો પણ બતાવવો. આમ, સો ઉંદર ખાઈને બિલાડીબેન હજ પર ચાલ્યાં છે. આ કહેવત કોંગ્રેસના નેતૃત્વની થઈ ગઈ છે. કોંગ્રેસના નેતાઓ પર સ્થળાંતર કામદારોની મજાક ઉડાડવાનો આરોપ લગાવતા યોગીએ કહ્યું કે, "મને લાગે છે કે કોંગ્રેસનો આ ખૂબ જ શરમજનક ચહેરો છે".
યોગીએ કહ્યું કે, જો રાજ્ય સરકારો અમને પરપ્રાંતીય મજૂરોની સૂચિ આપે છે, તો ચોક્કસ અમે મંજૂરી આપીશું. અમને બસો અને મજૂરોની સૂચિની જરૂર છે, જેથી અમને ખાતરી મળી શકે કે બધા પરપ્રાંતીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને અમે સુરક્ષિત રીતે વતન વાપસી કરાવી શકીએ, પરંતુ કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસથી કોઈ સૂચિ આપવામાં આવી નથી.
નોંધનીય છે કે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક વીડિયો સંદેશ જાહેર કરતાં કહ્યું કે, આ રાજકારણનો સમય નથી. યોગી સરકારે પરપ્રાંતીય મજૂરો માટે બસ ચલાવવાની છૂટ આપવી જોઈએ. કોંગ્રેસ પાર્ટીએ પરપ્રાંતીય મજૂરો માટે બસોની વ્યવસ્થા કરી છે. અમે મુખ્યપ્રધાન યોગીને પત્ર લખીને બસ ચલાવવાની મંજૂરી માંગી છે.