જૈનાચાર્ય વિજય વલ્લભ સૂરિશ્વરજી મહારાજની 151મી જન્મજયંતી
પીએમ મોદીએ રાજસ્થાનના પાલીમાં કર્યું 'સ્ટેચ્યૂ ઑફ પીસ'નું લોકાર્પણ
ભારતે સમગ્ર વિશ્વને શાંતિ, ભાઈચારા અને માનવતાનો માર્ગ દેખાડ્યો છે: પીએમ મોદી
જયપુર: રાજસ્થાનના પાલી જિલ્લામાં નવનિર્મિત જૈન આચાર્ય વિજય વલ્લભ સૂરિશ્વરજી મહારાજની પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અનાવરણ કર્યું હતું.
વડાપ્રધાને કર્યું જનતાને સંબોધન
PM મોદીએ જણાવ્યું હતું કે આ તેમનું સૌભાગ્ય છે કે તેમને સરદાર વલ્લભભાઈ પટેલની દેશની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' નું તેમજ આજે જૈનાચાર્ય વિજય વલ્લભ જી ની પ્રતિમા 'સ્ટેચ્યૂ ઑફ પીસ'નું લોકાર્પણ કરવાની તક મળી છે.
આચાર્ય વિજય વલ્લભ જી એ શિક્ષણક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું. તેમણે પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ જેવા કેટલાય રાજ્યોમાં ભારતીય સંસ્કારો પર આધારિત શિક્ષણ સંસ્થાઓનો પાયો નાખ્યો.
ભારતે હંમેશા સમગ્ર વિશ્વને, માનવતા, શાંતિ, અહિંસા તેમજ બંધુત્વ નો માર્ગ દેખાડ્યો છે. આ એ સંદેશ છે જેની પ્રેરણા વિશ્વને ભારત દ્વારા મળે છે. આ માર્ગદર્શન માટે દુનિયા આજે ફરી એકવાર ભારત સામે જુએ છે.
કોણ હતા આચાર્ય વિજય વલ્લભ જી ?
જૈન ભિક્ષુ આચાર્ય વિજય વલ્લભ સૂરિશ્વર જી નો જન્મ ગુજરાતના વડોદરામાં ઇસવિસન 1870માં થયો હતો. તેમણે ખાદી સ્વદેશી આંદોલનમાં મુખ્ય આગેવાન તરીકે ભૂમિકા ભજવી હતી. તેમને સામાજિક કાર્યો માટે યાદ કરવામાં આવે છે. તેમણે સેવાકીય પ્રવૃત્તિઓ માટે દેશભરમાં 50 જેટલી સંસ્થાઓ સ્થાપી હતી.
મૂર્તિની વિશેષતાઓ
અષ્ટધાતુ થી બનેલી આ મૂર્તિ રાજસ્થાનના પાલી જિલ્લામાં સ્થિત વિજય વલ્લભ સાધના કેન્દ્રમાં સ્થાપવામાં આવી છે. કુલ 151 ઇંચની આ મૂર્તિ જમીનથી 27 ફૂટ ઊંચી છે જેનું વજન લગભગ 1300 કિલો છે.