ગુજરાત

gujarat

ETV Bharat / bharat

74મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો રાષ્ટ્રને નામ સંદેશ - President's message to the nation

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 74મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ પ્રજાજોગ સંદેશ આપ્યો હતો. તેમણે દેશવાસીઓને શુભેચ્છા આપી હતી, અને કોરોના વોરિયર્સનો આભાર માન્યો હતો. કોરોના વાઇરસનો પડકાર છે, તેમ છતાં ડૉકટરો અને નર્સો તેમજ સ્વાસ્થ્ય કર્મીઓ તેની સામે લડત આપી રહ્યા છે.

President Ramnath Kovind
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો 74માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રના નામે સંદેશ

By

Published : Aug 14, 2020, 10:05 PM IST

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 74મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ પ્રજાજોગ સંદેશ આપ્યો હતો. તેમણે દેશવાસીઓને શુભેચ્છા આપી હતી, અને કોરોના વોરિયર્સનો આભાર માન્યો હતો. કોરોના વાયરસનો પડકાર છે, તેમ છતાં ડૉકટરો અને નર્સો અને સ્વાસ્થ્ય કર્મીઓ તેની સામે લડત આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો રાષ્ટ્રજોગ સંદેશ તેમના શબ્દમાં વાંચીએ.

મારા પ્રિય દેશવાસીઓ,

નમસ્કાર!

૧. ૭૪માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ, દેશ-વિદેશમાં રહેતાં, ભારતના તમામ લોકોને ખૂબ-ખૂબ અભિનંદન અને ઘણી બધી શુભેચ્છાઓ! ૧૫ ઓગસ્ટે, આપણે સૌ તિરંગાને લહેરાવતાં, સ્વતંત્રતા દિવસના સમારંભમાં ભાગ લઈને અને દેશભક્તિથી સભર ગીતો સાંભળીને ઉત્સાહમાં આવી જઈએ છીએ. આપણા યુવાનો માટે, આ સ્વતંત્રતાના ગૌરવને અનુભવવાનો દિવસ છે. આ અવસર પર, આપણે આપણા સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને કૃતજ્ઞતાની સાથે યાદ કરીએ છીએ. તેમના બલિદાનને કારણે જ, આપણે સૌ, આજે એક સ્વતંત્ર દેશના નિવાસી છીએ.

૨. આપણા સ્વતંત્રતા સંગ્રામના આદર્શોના પાયા પર જ, આધુનિક ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. આપણા દૂરંદેશી રાષ્ટ્ર-નાયકોએ, પોતાના જુદાં-જુદાં વિચારોને રાષ્ટ્રીયતાના એક સૂત્રમાં પરોવ્યા હતાં. તેમની સંયુક્ત પ્રતિબદ્ધતા હતી – દેશને દમનકારી વિદેશી શાસનમાંથી મુક્ત કરાવવું અને ભારત માતાના સંતાનોનું ભવિષ્ય સુરક્ષિત કરવું. તેમણે પોતાની સક્રિયતાથી આધુનિક રાષ્ટ્ર તરીકે ભારતની ઓળખને મૂર્ત સ્વરૂપ આપ્યું હતું.

૩. આપણે ભાગ્યશાળી છીએ કે, મહાત્મા ગાંધી આપણા સ્વતંત્રતાના આંદોલનના માર્ગદર્શક રહ્યાં. તેમના વ્યક્તિત્વમાં એક સંત અને રાજનેતાનો જે સમન્વય જોવા મળે છે, તે ભારતની માટીમાં જ સંભવ હતો. સામાજિક સંઘર્ષ, આર્થિક સમસ્યાઓ અને જળવાયુ પરિવર્તનથી પરેશાન આજની દુનિયા, ગાંધીજીના ઉપદેશોમાં સમાધાન મેળવે છે. સમાનતા અને ન્યાય માટેની તેમની પ્રતિબદ્ધતા, આપણા ગણતંત્રનો મૂળમંત્ર છે. ગાંધીજી વિશે યુવા પેઢીની જિજ્ઞાસા અને ઉત્સાહને જોઈને મને ખૂબ જ ખુશી થાય છે.

પ્રિય દેશવાસીઓ,

૪. આ વર્ષે સ્વતંત્રતા દિવસના ઉત્સવોમાં હંમેશાની જેમ ધૂમ-ધામ નહીં હોય. તેનું કારણ સ્પષ્ટ છે. આખી દુનિયા એક એવા ઘાતક વાયરસ સામે ઝઝૂમી રહી છે, જેણે જન-જીવનને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં અવરોધ પેદા કર્યો છે. આ વૈશ્વિક મહામારીને કારણે આપણા સૌનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.

૫. એ ખૂબ જ આશ્વાસન આપનારી બાબત છે કે, આ પડકારનો સામનો કરવા માટે, કેન્દ્ર સરકારે પૂર્વાનુમાન લગાવીને, યોગ્ય સમયે, અસરકારક પગલા ભરી લીધાં હતાં. આ અસાધારણ પ્રયાસોને આધારે, ગીચ વસ્તી અને જુદી-જુદી પરિસ્થિતિઓવાળા આપણા વિશાળ દેશમાં, આ પડકારનો સામનો કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારોએ સ્થાનિક પરીસ્થિતિઓ અનુસાર કાર્યવાહી કરી. જનતાએ સંપૂર્ણ સહયોગ આપ્યો. આ પ્રયત્નોથી આપણે વૈશ્વિક મહામારીની વિકરાળતા પર નિયંત્રણ મેળવવામાં અને ઘણી મોટી સંખ્યામાં લોકોના જીવનની રક્ષા કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ સમગ્ર વિશ્વ સામે એક દ્રષ્ટાંતરૂપ ઉદાહરણ છે.

૬. રાષ્ટ્રએ તમામ ડૉકટરો, નર્સો તથા અન્ય સ્વાસ્થ્ય-કર્મીઓનું આભારી છે, જે કોરોના વાઇરસની વિરુદ્ધ આ લડતમાં આગલી હરોળના યોદ્ધા રહ્યાં છે. કમનસીબે, તેમાંથી અનેક યોદ્ધાઓએ, આ મહામારીનો સામનો કરતાં, પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. તેઓ આપણા રાષ્ટ્રના આદર્શ સેવા-યોદ્ધા છે. આ કોરોના-યોદ્ધાઓની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે, તેટલી ઓછી છે. આ તમામ યોદ્ધાઓ પોતાની ફરજની મર્યાદાથી આગળ વધીને, લોકોનો જીવ બચાવે છે અને જરૂરી સેવાઓની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરે છે. આવા ડૉક્ટર, સ્વાસ્થ્ય-કર્મી, આપત્તિ વ્યવસ્થાપન દળોના સભ્ય, પોલીસકર્મી, સફાઈ કર્મચારી, ડિલીવરી સ્ટાફ, પરિવહન, રેલ્વે અને ઉડ્ડયન કર્મી, વિવિધ સેવા-પ્રદાતા, સરકારી કર્મચારી, સામાજિક સંસ્થા અને ઉદાર નાગરિક, પોતાના સાહસ તથા નિઃસ્વાર્થ સેવાના પ્રેરક ઉદાહરણ પૂરા પાડી રહ્યાં છે. જ્યારે ગામ અને શહેરમાં કામકાજ અટકી પડે છે, અને માર્ગો સૂમસામ થઈ જાય છે, ત્યારે પોતાની અથાક મહેનતથી આ કોરોના યોદ્ધા સુનિશ્ચિત કરે છે કે, લોકોને સ્વાસ્થ્ય-સેવાઓ અને રાહત, પાણી અને વીજળી, પરિવહન અને સંદેશાવ્યવહારની સુવિધા, દૂધ અને શાકભાજી, ભોજન અને કરિયાણાનો સામાન, દવા અને અન્ય જરૂરી સુવિધાઓથી વંચિત ન રહેવું પડે. તેઓ પોતાના જીવને ભારે જોખમમાં મૂકે છે, કે જેથી આપણે સૌ આ મહામારીથી સુરક્ષિત રહીએ અને આપણું જીવન તથા આજીવિકા, બંને ચાલતાં રહે.

૭. આ દરમિયાન, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં આવેલા ‘અમ્ફાન’ ચક્રવાતે ભારે નુકસાન પહોંચાડ્યું, જેનાથી આપણા પડકારોમાં વધારો થયો. આ આપત્તિ દરમિયાન, જાન-માલના નુકસાનને ઓછું કરવામાં આપત્તિ વ્યવસ્થાપન દળો, કેન્દ્ર અને રાજ્યોની એજન્સીઓ તથા સજાગ નાગરિકોના એકજૂટ પ્રયત્નોથી ખૂબ જ મદદ મળી. પૂર્વોત્તર અને પૂર્વીય રાજ્યોમાં, દેશવાસીઓને પૂરના પ્રકોપનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રકારની આપત્તિઓની વચ્ચે, સમાજના તમામ વર્ગોના લોકો, એકજૂટ થઈને, સંકટ-ગ્રસ્ત લોકોની મદદ કરવા માટે આગળ આવી રહ્યાં છે.

મારા પ્રિય દેશવાસીઓ,

૮. આ મહામારીનો સૌથી કઠોર પ્રહાર, ગરીબો અને દૈનિક આજીવિકા રળતા લોકો પર થયો છે. સંકટના આ સમયગાળામાં, તેમને સહારો આપવા માટે, વાઇરસને અટકાવવાના પ્રયાસોની સાથે-સાથે, અનેક જન-કલ્યાણકારી પગલાઓ ભરવામાં આવ્યાં છે. ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના’ની શરૂઆત કરીને સરકારે કરોડો લોકોને આજીવિકા આપી છે, કે જેથી મહામારીને કારણે નોકરી ગુમાવવાના, એક સ્થળેથી બીજા સ્થળે જવાના તથા જીવન અસ્ત-વ્યસ્ત થવાના દુઃખને ઓછું કરી શકાય. લોકોની મદદ માટે, સરકાર અનેક પગલાં ભરી રહી છે. આ પ્રયાસોમાં, કોર્પોરેટ સેક્ટર, સિવિલ સોસાયટી અને નાગરિકોનો ભરપૂર સહયોગ મળી રહ્યો છે.

૯. કોઈ પણ પરિવારને ભૂખ્યા ન રહેવું પડે, તેના માટે જરૂરિયાતમંદ લોકોને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે. મફત અનાજ ઉપલબ્ધ કરાવવાના, દુનિયાના સૌથી મોટા આ અભિયાનને, નવેમ્બર ૨૦૨૦ સુધી વધારી દેવામાં આવ્યું છે. આ અભિયાનથી દર મહીને, લગભગ ૮૦ કરોડ લોકોને ખાદ્યપુરવઠો મળે, તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. રેશન કાર્ડ ધારકો આખા દેશમાં ક્યાંય પણ ખાદ્યપુરવઠો લઈ શકે, તેના માટે તમામ રાજ્યોને ‘વન નેશન–વન રેશન કાર્ડ’ યોજના હેઠળ લાવવામાં આવી રહ્યાં છે.

૧૦. દુનિયામાં ક્યાંય પણ મૂશ્કેલીમાં મૂકાયેલા આપણા લોકોની મદદ કરવા માટે પ્રતિબદ્ધ, સરકાર દ્વારા ‘વંદે ભારત મિશન’ હેઠળ, દસ લાખથી વધુ ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવ્યાં છે. ભારતીય રેલ્વે દ્વારા આ પડકારજનક સમયમાં ટ્રેન સેવાઓ ચલાવીને, વસ્તુઓ તથા લોકોની અવરજવરને શક્ય બનાવાઈ છે.

૧૧. આપણા સામર્થ્યમાં વિશ્વાસના જોરે, આપણે કોવિડ-૧૯ વિરુદ્ધની લડતમાં અન્ય દેશો તરફ પણ મદદનો હાથ લંબાવ્યો છે. અન્ય દેશોની વિનંતીને આધારે, દવાઓનો પુરવઠો પૂરો પાડીને, આપણે એકવાર ફરી એ સાબિત કરી દીધું છે કે, ભારત સંકટના સમયે, વિશ્વ સમુદાય સાથે ઊભું રહે છે. પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે મહામારીનો સામનો કરવા માટે અસરકારક વ્યૂહરચનાઓને વિકસિત કરવામાં આપણી અગ્રણી ભૂમિકા રહી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યપદ માટે, તાજેતરમાં જ પૂર્ણ થયેલી ચૂંટણીઓમાં મળેલા ભારે સમર્થન, ભારત પ્રત્યે વ્યાપક આંતરરાષ્ટ્રીય સદભાવનાનો પુરાવો છે.

૧૨. ભારતની એ પરંપરા રહી છે કે, આપણે માત્ર આપણા માટે નથી જીવતા, પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવના સાથે કાર્ય કરીએ છીએ. ભારતની આત્મનિર્ભરતાનો અર્થ સ્વયં સક્ષમ બનવાનો છે, દુનિયાથી અળગાપણું અથવા અંતર જાળવવાનો નહીં. તેનો અર્થ એ પણ છે કે, ભારત વૈશ્વિક બજાર વ્યવસ્થામાં સામેલ પણ રહેશે અને પોતાની વિશેષ ઓળખને પણ જાળવી રાખશે.

પ્રિય દેશવાસીઓ,

૧૩. આજે વિશ્વ સમુદાય, ‘વસુધૈવ કુટુમ્બકમ’, અર્થાત ‘સમગ્ર વિશ્વ એક જ પરિવાર છે’ ની તે માન્યતાનો સ્વીકાર કરી રહ્યું છે, જેની ઉદ્ઘોષણા આપણી પરંપરામાં બહુ પહેલાથી જ કરી દેવામાં આવી હતી. પરંતુ, આજે જ્યારે વિશ્વ સમુદાય સમક્ષ આવેલ મોટા પડકાર સામે એકજૂટ થઈને સંઘર્ષ કરવાની જરૂર છે, ત્યારે આપણા પાડોશીએ પોતાની વિસ્તારવાદી પ્રવૃત્તિઓને ચાલાકીથી અંજામ આપવાનું દુસ્સાહસ કર્યુ. સરહદોની રક્ષા કરતાં, આપણા બહાદુર જવાનોએ પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધાં. ભારત માતાના તે સપૂત, રાષ્ટ્રના ગૌરવ માટે જ જીવ્યા અને તેના જ માટે શહીદ થઈ ગયા. આખો દેશ ગલવાન ઘાટીના બલિદાનીઓને નમન કરે છે. દરેક ભારતવાસીના હૃદયમાં તેમના પરિવારના સભ્યો પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ છે. તેમના શૌર્યએ એ બતાવી દીધું છે કે, આમ તો અમારી આસ્થા શાંતિમાં છે, તેમ છતાં પણ જો કોઈ અશાંતિ પેદા કરવાની કોશિશ કરશે તો તેને યોગ્ય જવાબ આપવામાં આવશે. આપણને આપણા સશસ્ત્ર દળો, પોલીસ તથા અર્ધસૈનિક દળો પર ગર્વ છે, જે સરહદોની રક્ષા કરે છે, અને આપણી આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

૧૪. મારું માનવું છે કે, કોવિડ-૧૯ વિરુદ્ધની લડતમાં, જીવન અને આજીવિકા બંનેની સુરક્ષા પર ધ્યાન આપવું જરૂરી છે. અમે હાલના સંકટને સૌના હિતમાં, ખાસ કરીને ખેડૂતો અને નાના ઉદ્યોગકારોના હિતમાં, યોગ્ય સુધારો લાવીને અર્થતંત્રને પુનઃ વેગ આપવાના અવસર તરીકે જોયું છે. કૃષિ ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારા કરવામાં આવ્યાં છે. હવે ખેડૂત કોઈ પણ અવરોધ વગર, દેશમાં ક્યાંય પણ, પોતાની ઉપજ વેચીને તેનું મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરી શકે છે. ખેડૂતોને નિયમનકારી પ્રતિબંધોથી મુક્ત કરવા માટે ‘આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ’માં સુધારો કરવામાં આવ્યો છે. તેનાથી ખેડૂતોની આવક વધારવામાં મદદ મળશે.

મારા પ્રિય દેશવાસીઓ,

૧૫. વર્ષ ૨૦૨૦માં આપણે સૌએ ઘણાં મહત્વપૂર્ણ બોધપાઠ શીખ્યા છીએ. એક અદ્રશ્ય વાયરસે એ માન્યતાને તોડી નાખી છે કે, પ્રકૃતિ મનુષ્યને આધીન છે. મારું માનવું છે કે, યોગ્ય માર્ગ અપનાવીને, પ્રકૃતિ સાથે સામંજસ્ય પર આધારિત જીવન-શૈલીને અપનાવવાનો અવસર, માનવતા સામે હજુ પણ ઉપસ્થિત છે. જળવાયુ પરિવર્તનની જેમ, આ મહામારીએ પણ એ ચેતના જગાડી છે કે, વિશ્વ-સમુદાયના પ્રત્યેક સભ્યનું ભાગ્ય એકબીજા સાથે જોડાયેલું છે. મારી ધારણા છે કે, વર્તમાન સંદર્ભમાં ‘અર્થ-કેન્દ્રિત સમાવેશ’ કરતાં વધુ મહત્વ ‘માનવ-કેન્દ્રિત સહયોગ’નું છે. આ પરિવર્તન જેટલું વધારે વ્યાપક હશે, માનવતાનું એટલું જ વધારે ભલું થશે. એકવીસમી સદીને એ સદી તરીકે યાદ કરવામાં આવવી જોઈએ, જ્યારે માનવતાના મતભેદોની અવગણના કરીને, ધરતી માની રક્ષા માટે એકજૂટ થવાના પ્રયત્નો કરાયા.

૧૬. બીજો બોધપાઠ એ છે કે, પ્રકૃતિ રૂપી જનનીની દ્રષ્ટિએ આપણે સૌ એક સમાન છીએ તથા પોતાના જીવનની રક્ષા અને વિકાસ માટે મુખ્યત્વે આપણી આસ-પાસના લોકો પર નિર્ભર છીએ. કોરોના વાઇરસ માનવ સમાજ દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ વિભાજનોને માનતો નથી. તેનાથી એ વિશ્વાસની પુષ્ટિ થાય છે કે, મનુષ્યો દ્વારા પેદા કરવામાં આવેલા તમામ પ્રકારના પૂર્વગ્રહ અને મર્યાદાઓથી, આપણે આગળ વધવાની જરૂર છે. ભારતવાસીઓમાં પરસ્પર સહયોગ અને કરુણાની ભાવના જોવા મળે છે. આપણે, આપણા આચરણમાં આ સદગુણને હજુ વધારે સમાવવો જોઈએ. ત્યારે જ આપણે, સૌ માટે શ્રેષ્ઠ ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ.

૧૭. ત્રીજો બોધપાઠ, સ્વાસ્થ્ય-સેવાઓને વધુ મજબૂત કરવા સાથે જોડાયેલો છે. સાર્વજનિક હોસ્પિટલો અને પ્રયોગશાળાઓએ કોવિડ-૧૯નો સામનો કરવામાં અગ્રણી ભૂમિકા ભજવી છે. જાહેર સ્વાસ્થ્ય સેવાઓને કારણે ગરીબો માટે આ મહામારીનો સામનો કરવો શક્ય બન્યો છે. તેથી, આ જાહેર સ્વાસ્થ્ય-સુવિધાઓને હજુ વધારે વિસ્તૃત અને મજબૂત બનાવવી પડશે.

૧૮. ચોથો બોધપાઠ, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંબંધિત છે. આ વૈશ્વિક મહામારીને લીધે વિજ્ઞાન અને ટેકનોલોજીને ઝડપથી વિકસિત કરવાની જરૂરિયાત પર વધારે ધ્યાન અપાયું છે. લોકડાઉન અને ત્યારબાદ ક્રમશઃ અનલોકની પ્રક્રિયા દરમિયાન શાસન, શિક્ષણ, વ્યવસાય, કાર્યાલયના કામ-કાજ અને સામાજિક સંપર્કના અસરકારક માધ્યમ તરીકે સૂચના અને સંદેશાવ્યવહારની ટેકનોલોજીને અપનાવવામાં આવી છે. આ માધ્યમની સહાયતાથી તમામ ભારતીયોનું જીવન બચાવવા અને કામ-કાજને ફરીથી શરૂ કરવાના ઉદ્દેશોને, એકસાથે હાંસિલ કરવામાં મદદ મળી છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોના કાર્યાલય, પોતાના કાર્યોનું સંપાદન કરવા માટે, મોટા પાયે, વર્ચુઅલ ઇન્ટરફેસનો ઉપયોગ કરી રહ્યાં છે. ન્યાય આપવા માટે, ન્યાયતંત્રએ વર્ચુઅલ કોર્ટની કાર્યવાહીને અપનાવી છે. વર્ચુઅલ કોન્ફરન્સનું આયોજન કરવા તથા અન્ય અનેક પ્રવૃત્તિઓને પૂરી કરવા માટે રાષ્ટ્રપતિ ભવનમાં પણ અમે, ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છીએ. આઈટી અને સંદેશાવ્યવહારના ઉપકરણોની મદદથી ડિસ્ટન્સ એજ્યુકેશન તથા ઈ-લર્નિગને પ્રોત્સાહન મળ્યું છે. ઘણાં ક્ષેત્રોમાં હવે, ઘરેથી કામ કરવાનું જ પ્રચલિત થઈ ગયું છે. ટેકનોલોજીની મદદથી, સરકારી અને ખાનગી ક્ષેત્રોની અનેક સંસ્થાઓ દ્વારા, સમાન્ય સ્તરથી પણ ઘણાં વધારે કામ-કાજ કરીને, અર્થતંત્રને વેગ પૂરો પાડવામાં આવ્યો છે. આ રીતે, આપણે એ બોધપાઠ શીખ્યા છીએ કે, પ્રકૃતિ સાથે સામંજસ્ય ધરાવતા વિજ્ઞાન અને ટેકનોલોજીને અપનાવવાથી, આપણા અસ્તિત્વ અને વિકાસની નિરંતરતાને જાળવી રાખવામાં મદદ મળશે.

૧૯. આ તમામ બોધપાઠ, સમગ્ર માનવતા માટે ઉપયોગી સાબિત થશે. આજની યુવા પેઢીએ તેને સારી રીતે આત્મસાત કરી છે, અને મને વિશ્વાસ છે કે, આ યુવાનોના હાથોમાં ભારતનું ભવિષ્ય સુરક્ષિત છે.

૨૦. આ સમયગાળો આપણા સૌ માટે મુશ્કેલ છે. આપણા યુવાનોની મુશ્કેલીઓ તો વધારે ગંભીર જોવા મળી રહી છે. શિક્ષણ સંસ્થાઓ બંધ હોવાથી આપણા દિકરા-દિકરીઓમાં ચિંતા પેદા થઈ હશે, અને હાલ તો, તેઓ પોતાના સ્વપ્ના અને આકાંક્ષાઓ માટે ચિંતિતિ હશે. હું તેમને એ જણાવવા ઈચ્છીશ કે, આ સંકટ પર આપણે વિજય મેળવીશું, અને તેથી, પોતાના સપનાઓને પૂર્ણ કરવાના પ્રયત્નોમાં આપ સૌ યુવાનોએ સતત વ્યસ્ત રહેવું જોઈએ. ઈતિહાસમાં, એવા પ્રેરક ઉદાહરણ ઉપલબ્ધ છે, કે જ્યાં મોટા સંકટો અને પડકારો બાદ સામાજિક, આર્થિક, અને રાષ્ટ્રીય પુનઃનિર્માણનું કાર્ય નવી ઊર્જા સાથે કરવામાં આવ્યું. મને વિશ્વાસ છે કે, આપણા દેશ અને યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ છે.

૨૧. આપણા બાળકો અને યુવાનોને ભવિષ્યની જરૂરિયાતો અનુસાર શિક્ષણ પૂરું પાડવાની દ્રષ્ટિએ, કેન્દ્ર સરકારે તાજેતરમાં જ ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. મને વિશ્વાસ છે કે, આ નીતિથી, ગુણવત્તાસભર એક નવી શિક્ષણ વ્યવસ્થા વિકસિત થશે, જે ભવિષ્યમાં આવનારા પડકારોને અવસરમાં બદલીને નવા ભારતનો માર્ગ મોકળો કરશે. આપણા યુવાનોને પોતાના રસ અને પ્રતિભા અનુસાર પોતાના વિષયો પસંદ કરવાની આઝાદી હશે. તેમને પોતાની ક્ષમતાઓને વિકસિત કરવાનો અવસર મળશે. આપણી ભાવિ પેઢી, આ યોગ્યતાઓને આધારે માત્ર રોજગાર મેળવવામાં જ સમર્થ નહીં હોય, પરંતુ અન્યો માટે પણ રોજગારની તકો પેદા કરશે.

૨૨. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એક દૂરંદેશી અને દૂરગામી નીતિ છે. તેનાથી શિક્ષણમાં ‘ઇન્ક્લુઝન’, ‘ઇન્નોવેશન’ અને ‘ઇન્સ્ટિટ્યુશન’ની સંસ્કૃતિને મજબૂતાઈ મળશે. નવી શિક્ષણ નીતિ હેઠળ માતૃભાષામાં અભ્યાસને મહત્વ આપવામાં આવ્યું છે, જેનાથી બાળમન સહજતાથી ખીલી-વિકાસિત થઈ શકશે. સાથે જ તેનાથી ભારતની તમામ ભાષાઓને અને ભારતની એકતાને જરૂરી બળ મળશે. કોઈ પણ રાષ્ટ્રને સશકત બનાવવા માટે તેના યુવાનોનું સશક્તિકરણ જરૂરી હોય. અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આ દિશામાં એક મોટું પગલું છે.

પ્રિય દેશવાસીઓ,

૨૩. માત્ર દસ દિવસ પહેલા અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર મંદિર નિર્માણનો શુભારંભ થયો છે અને દેશવાસીઓને ગૌરવની અનુભૂતિ થઈ છે. દેશવાસીઓએ લાંબા સમય સુધી ધીરજ અને સંયમનો પરિચય આપ્યો અને દેશની ન્યાયિક પ્રણાલીમાં હંમેશા વિશ્વાસ જાળવી રાખ્યો. શ્રીરામ જન્મભૂમિ સાથે સંબંધિત ન્યાયિક પ્રકરણને પણ યોગ્ય ન્યાય-પ્રક્રિયા હેઠળ ઉકેલવામાં આવ્યું. તમામ પક્ષો અને દેશવાસીઓએ સર્વોચ્ચ અદાલતના નિર્ણયનો સંપૂર્ણ સન્માન સાથે સ્વીકાર કર્યો અને શાંતિ, અહિંસા, પ્રેમ તેમજ સૌહાર્દના પોતાના જીવન મૂલ્યોને વિશ્વની સમક્ષ પુનઃ પ્રસ્તુત કર્યા. તેના માટે હું તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવું છું.

મારા પ્રિય દેશવાસીઓ,

૨૪. જ્યારે ભારતે સ્વતંત્રતા મેળવી, ત્યારે કેટલાક લોકોએ એવી આશંકા વ્યક્ત કરી હતી કે, લોકશાહીનો આપણો પ્રયોગ સફળ નહીં થાય. તેઓ આપણી પ્રાચીન પરંપરાઓ અને બહુકાર્યાત્મક વિવિધતાઓને આપણી રાજ્ય-વ્યવસ્થાના લોકશાહીકરણના માર્ગમાં અવરોધ સમજતાં હતાં. પરંતુ, આપણે આપણી પરંપરાઓ અને વિવિધતાને હંમેશા પોતાની શક્તિ સમજીને તેનું સંવર્ધન કર્યુ છે, અને તેથી દુનિયાની આ સૌથી મોટી લોકશાહી આટલી જીવંત છે. માનવતાની ભલાઈ માટે, ભારતે અગ્રણી ભૂમિકા ભજવતા રહેવાનું છે.

૨૫. આપ સૌ દેશવાસીઓ, આ વૈશ્વિક મહામારીનો સામનો કરવામાં, જે સમજદારી અને ધીરજનો પરિચય આપી રહ્યાં છો, તેની પ્રશંસા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. મને વિશ્વાસ છે કે, આપ સૌ આ જ રીતે, સજાગતા અને જવાબદારી જાળવી રાખશો.

૨૬. આપણી પાસે વિશ્વ-સમુદાયને આપવા માટે ઘણું બધું છે, ખાસ કરીને બૌદ્ધિક, આધ્યાત્મિક અને વિશ્વ-શાંતિના ક્ષેત્રમાં. આ જ લોક-મંગલની ભાવના સાથે, હું પ્રાર્થના કરું છું કે, સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય :

સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયાઃ

સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત

અર્થાત

સૌ સુખી રહે, સૌ રોગ-મુક્ત રહે, તમામ લોકો સારી બાબતો પર ધ્યાન આપે, અને કોઈને પણ દુઃખ ન ભોગવવું પડે.

સમગ્ર વિશ્વના કલ્યાણનો આ સંદેશ, માનવતા માટે, ભારતની એક અનોખી ભેટ છે.

૨૭. ફરી એકવાર, આપ સૌને, ૭૪માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવતાં આપ સૌના સારા સ્વાસ્થ્ય અને સુંદર ભવિષ્યની કામના કરું છું.
આભાર,
જય હિંદ!

ABOUT THE AUTHOR

...view details