નવી દિલ્હીઃ કોરોનાના કહેર વચ્ચે એવા ઘણા કેસ સામે આવી રહ્યા છે, જેમાં સ્પષ્ટ રીતે હોસ્પિટલ પ્રશાસનની લાપરવાહી દેખાઇ છે. ઉત્તર પ્રદેશમાં પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સારવારના અભાવે એક ગર્ભવતી મહિલાનું મોત થયું છે. આ ઘટનાએ હવે રાજકીય રંગ પકડ્યો છે અને ઘટના અંગે અખિલેશ યાદવ અને પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે.
કોરોનાના કહેર વચ્ચે સારવારના અભાવે ગર્ભવતી મહિલાના મોતની ઘટનાએ રાજકીય રુપ લીધું છે. આ ક્રમમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર નિશાન સાધ્યું છે.
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા એક ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, ઉપ્રમાં પ્રસવ માટે હોસ્પિટલની શોધ કરતા કરતા એક ગર્ભવતી મહિલાનું મોત ખૂબ જ દુઃખની વાત છે.
અખિલેશે આગળ લખ્યું કે, સરકાર એ જણાવે કે, જો તે કોરોના માટે 1 લાખ બેડની વ્યવસ્થાનો દાવો કરે છે તો આવનારી પેઢીઓ માટે અમુક બેડ આરક્ષિત શા માટે રાખ્યા નહીં. ભાજપા સરકારે એ પણ જણાવ્યું કે, તેમણે અત્યાર સુધી કેટલી હોસ્પિટલ બનાવી છે.