નવી દિલ્હીઃ બીજેપી અને જદયૂએ આરોપ લગાવ્યો છે કે, ચૂંટણીની રણનીતિકાર પ્રશાંત કિશોર કોરોના લૉકડાઉન દરમિયાન મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને કોલકાત્તા મળવા ગયા હતા. તે માટે તેમણે દિલ્હીથી કાર્ગો જહાજનો ઉપયોગ કર્યો હતો. આ આરોપને પ્રશાંત કિશોરે બરતરફ કર્યા છે.
આ સમગ્ર મામલે પ્રશાંત કિશોરે ઇટીવી ભારતને પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, તે દિલ્હીથી કોલકાત્તા કાર્ગો જહાજથી ગયા નથી અને તેમણે લૉકડાઉનનું ઉલ્લંઘન કર્યું નથી.
તેમણે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે પણ સમગ્ર મામલે પોતાના સ્તરે તપાસ કરાવી છે અને કેન્દ્ર સરકારને અત્યાર સુધી કોઇ સાબિતી મળી નથી.
મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સમગ્ર મામલે તપાસ ચલાવી હતી, જે બાદ નાગરિક ઉડ્ડયન નિયામક ડીજીસીએ તેમજ વિમાન સુરક્ષા એજન્સી બીસીએએસે મામલાની તપાસ શરુ કરી હતી. દિલ્હી તેમજ કોલકાત્તા એરપોર્ટની અમુક કલાકોના CCTV ફુટેજ પરથી પણ તપાસ હાથ ધરી હતી.
BJP અને જદયુ બંને પાર્ટીઓએ આરોપ લગાવ્યો છે કે, બંગાળ સરકાર કોરોના વાઇરસ સામે લડવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે અને મમતા બેનર્જીએ પ્રશાંત કિશોરને દિલ્હીથી કાર્ગો જહાજ મારફતે કોલકાતા બોલાવ્યા હતા, જેથી કેન્દ્ર સરકારને કેવી પ્રતિક્રિયાઓ આપવી તેની ચર્ચા કરી શકાય.
તમને જણાવીએ તો બંગાળમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી પણ છે. પ્રશાંત કિશોર જ તૃણમુલ કોંગ્રેસ માટે ચૂંટણીની રણનીતિ તૈયાર કરશે.