ભોપાલ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર દિલ્હીથી પરત ફર્યા બાદ ચર્ચામાં છે. આ વખતે તેઓ વિમાનની અંદર ધરણા કરવાને લઈને ચર્ચામાં છે. જો કે, ધરણાની બાબતને લઈને તેઓએ નનૈયો ભણી દીધો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સ્પાઈસ જેટની દિલ્હીથી ભોપાલ આવતા સમયે સાધ્વી પ્રજ્ઞાને તેમની પસંદની સીટ નહીં મળવા પર તેઓ વિમાનની અંદર જ ધરણા પર બેસી ગયા હતા. જ્યારબાદ એરપોર્ટના ડાયરેક્ટરની વિનંતીથી વિમાન નીચે ઉતર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પ્રજ્ઞા ઠાકુરે દિલ્હીથી ભોપાલ આવવા દરમિયાન ખાનગી વિમાન સેવામાં સેવાનો અભાવ અને કર્મચારીઓના ગેરવર્તણુંક અંગેની ફરિયાદ એરપોર્ટ પર નોંધાવી છે.
મનપસંદ સીટ ન મળતા ફ્લાઈટની અંદર જ ઘરણા પર બેસી ગયા પ્રજ્ઞા ઠાકુર સમગ્ર ઘટનાનો હોબાળો થયાં બાદ પ્રજ્ઞાએ જણાવ્યું કે, તેઓએ વિમાનમાં કોઈ હડતાળ કરી નથી. મેં ફ્કત અધિકારીઓને જણાવ્યું કે, સ્પાઈસ જેટ વિમાન સેવાનો સ્ટાફ યાત્રિઓ સાથે યોગ્ય વ્યવહાર કરતા નથી. આ પહેલા પણ તેઓએ અયોગ્ય વ્યવહાર કર્યો હતો અને આ વખતે પણ એવું જ કર્યુ છે.
સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, પોતાને યોગ્ય સીટ ન મળવા પર ગુસ્સે ભરાયેલા પ્રજ્ઞા ઠાકુર ભોપાલ એરપોર્ટ પહોંચ્યા બાદ પણ થોડો સમય વિમાનમાં બેઠા રહ્યા હતા. ઘટનાને લઈ પ્રજ્ઞા જણાવે છે કે, 'તેઓએ મને બુક કરેલી સીટ આપી નહોંતી. તેથી મેં તેમને નિયમો બતાવવા કહ્યુ પણ તેઓએ બતાવ્યા નહોંતા અંતે મેં ડિરેક્ટરને ફોન કર્યો અને મારી ફરિયાદ નોંધાવી હતી.