ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ત્રિનેત્ર ગણેશ મંદિર: જ્યાં ભક્તો પત્ર લખી પ્રભુને જણાવે છે પોતાની વ્યથા... - Ganesh chaturthi

સવાઇ માધોપુર સ્થિત રણથંભોર વન્ય અભયારણ્યની બરાબર વચ્ચે આવેલું ત્રિનેત્ર ગણેશ મંદિર હંમેશાથી ભક્તોની આસ્થાનું પ્રતીક રહ્યું છે. આ મંદિરને લઇને અનેક માન્યતાઓ છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે, પરંતુ સૌથી પ્રચલિત માન્યતા છે ભગવાન સાથેના પત્રવ્યવહારની, જેમાં ભક્તો ભગવાનને પત્ર લખી પોતાની સમસ્યાઓની રજૂઆત કરે છે.

Ganesh
Ganesh

By

Published : Aug 26, 2020, 7:56 AM IST

જયપુરઃ જયપુરથી 150 કિમી દૂર આવેલા સવાઇ માધોપુર જિલ્લામાં રણથંભોરના કિલ્લાની અંદર આ ચમત્કારિક ગણેશ મંદિર આવેલું છે. વિંધ્યાચલ અને અરવલ્લીની પર્વતમાળાઓથી ઘેરાયેલું આ મંદિર 1580 ફૂટની ઉંચાઇ પર સ્થિત છે અને 7 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું છે. આ મંદિર ભારતના અનેક પ્રાચીન મંદિરોમાંનું એક છે જેનો રામાયણ અને દ્વાપરકાળથી ઉલ્લેખ થતો આવ્યો છે.

આ મંદિરમાં સ્થિત ભગવાન ગણેશની મૂર્તિને 3 આંખો હોવાથી તેને ત્રિનેત્ર ગણપતિ કહેવામાં આવે છે. સમગ્ર દેશમાં આ એક જ મંદિર એવું છે કે જ્યાં ગણેશજી સપરિવાર બિરાજમાન છે. આ મંદિરમાં ભક્તો તેમની ઇચ્છાપૂર્તિ માટે ગણપતિ બાપ્પાને પત્ર લખી તેમની મનોકામના પૂર્ણ થાય તે માટે અરજી કરે છે. આ માટે શ્રદ્ધાળુઓને સરનામું પણ આપવામાં આવે છે અને આજે પણ પોસ્ટમેન ટપાલ લાવે છે. શ્રદ્ધાળુઓ સંપૂર્ણ સન્માન સાથે ભગવાનના ચરણોમાં પત્રો મૂકી પોતાની સમસ્યાના સમાધાન માટે પ્રાર્થના કરે છે. આ પત્રોમાં જોબથી લઇને પ્રમોશન સુધીની અનેક ફરિયાદો હોય છે જેનું નિરાકરણ ખુદ ભગવાન ગણેશ કરે છે. તદુપરાંત, અનેક ભક્તો પોતાના ઘરમાં યોજાનારા શુભ પ્રસંગોનું સૌથી પહેલુ આમંત્રણ અહીં મોકલાવી પ્રભુને આમંત્રિત કરે છે જે ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસનું અનેરૂ ઉદાહરણ છે.

રણથંભોર વન્ય અભયારણ્યની બરાબર વચ્ચે આવેલું ત્રિનેત્ર ગણેશ મંદિર

વાંચોઃ આંધ્રના 'કાનિપાકમ વારાસિદ્ધિ વિનાયક' : જેમની સમક્ષ અસત્ય બોલવાથી મળે છે સજા

આ મંદિર રાજા હમીરદેવ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. કહેવામાં આવે છે કે રાજા હમીરદેવે અલાઉદ્દીન ખીલજી સામે વીરતાપૂર્વક યુદ્ધ લડી વિજય મેળવ્યો હતો. યુદ્ધ દરમિયાન ભગવાન ગણેશ રાજા હમીરદેવના સપનામાં આવ્યા હતા અને તેમને વિજયના આશીર્વાદ આપ્યા હતા. યુદ્ધ જીત્યા બાદ રાજા હમીરદેવે રણથંભોરના કિલ્લામાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરી હતી.

ત્રિનેત્ર ગણપતિ મંદિર સાથે અનેક પ્રકારની લોકવાયકાઓ જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે જ્યારે દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણના રૂકમણી સાથે લગ્ન થયા ત્યારે તેઓ ભગવાન ગણેશને આમંત્રણ આપવાનું ચૂકી ગયા હતા. જેથી તેમને પણ તેનું પરિણામ ભોગવવું પડ્યું હતું. ત્યારબાદ તેમણે અહીં ભગવાન શ્રીગણેશના રિદ્ધિ-સિદ્ધિ સાથે લગ્ન કરાવ્યા હતા. ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામે લંકા પર ચડાઇ કરતા પહેલા ગણપતિ બાપાની ઉપાસના કરી હતી. ત્રેતાયુગમાં ભગવાન શ્રીગણેશની આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઇ હતી.

પાંડવોના સમયથી પણ પહેલા આ મૂર્તિ મંદિરમાં સ્થાપિત છે.

દરવર્ષે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે રણથંભોરમાં મેળો યોજાય છે જ્યાં લાખો દર્શનાર્થીઓ ઉમટી પડે છે, પરંતુ આ વખતે કોરોના વાઇરસના આ સમયને લઇને મંદિર તરફ જતો 3 કીમી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ વખતે તો શ્રદ્ધાળુઓ મંદિર સુધી નહી પહોંચી શકે, પરંતુ તેઓ હજુપણ કોરોના મહામારીથી રક્ષણની આશામાં ભગવાનને પત્ર લખી મદદની ગુહાર લગાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details