નવી દિલ્હી: ચૂંટણી પંચે મંગળવારે જાહેરાત કરી કે, રાજ્યસભામાં ખાલી થનારી 55 બેઠકો માટે 26 માર્ચના રોજ ચૂંટણી યોજાનારી છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને ઓડિસાના કુલ 22 રાજ્યસભા સાંસદનો કાર્યકાળ આવનારી 2 એપ્રિલના રોજ પૂર્ણ થવાનો છે, જ્યારે 14 રાજ્યોના 32 સાંસદોનો કાર્યકાળ 9 એપ્રિલ અને મેઘાલયના 1 સાંસદનો કાર્યકાળ 12 એપ્રિલે પૂર્ણ થઇ રહ્યો છે.
જે બેઠકો પર ચૂંટણી કરવામાં આવશે, તેમાં મહારાષ્ટ્રની 7, તમિલનાડુની 6, બિહાર અને પશ્ચિમ બંગાળની 5-5, ઓડિસા, આંધ્ર પ્રદેશ અને ગુજરાતની 4-4, આસામ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની 3-3, છતીસગઢ, તેલંગણા, હરિયાણા અને ઝારખંડની 2-2 તથા હિમાચલ પ્રદેશ, મણિપુર અને મેઘાયલની 1-1 બેઠક સામેલ છે.
ચૂંટણી કાર્યક્રમ મુજબ, 6 માર્ચના સૂચના જાહેર કરવામાં આવશે. નોમિનેશનની છેલ્લી તારીખ 13 માર્ચ નક્કી કરવામાં આવી છે, જ્યારે ફોર્મ ચકાસણીની 16 માર્ચ અને નોમિનેશન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 18 માર્ચ નક્કી કરવામાં આવી છે. ચૂંટણી 26 માર્ચના રોજ સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી સાંજે 5 વાગ્યે મતગણતરી કરવામાં આવશે.
રાજ્યસભાના જે સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થવાનો છે, તેમાં ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ નેતા અરૂણ જેટલીની બેઠક પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા સાંસદ બન્યા બાદ અમિત શાહે રાજ્યસભા સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ ઉપરાંત જે સાંસદનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે, તેમાં ભાજપ નેતા આર.કે સિન્હા, રાજ્યસભાના સભાપતિ હરિવંશ, JDU નેતા કહકશા પરવીન, રામાનાથ ઠાકુર, ભાજપ સાંસદ પ્રભાત ઝા વગેરે સામેલ છે.
આ ઉપરાંત જે મુખ્ય નેતાઓનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે, તેમાં કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી, રામદાસ અઠાવલે, દિલ્હી ભાજપ નેતા વિજય ગોયલ, કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ અને NCP પ્રમુખ શરદ પવાર સામેલ છે.