નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. મુશ્કેલીના સમયમાં વડાપ્રધાન મોદી એકજુટતાનો સંદેશો આપી રહ્યા છે. આ કડીમાં વડાપ્રધાન મોદીએ રવિવારે દેશવાસિઓને એકજુટ થઇને લાઈટો બંધ રાખવાનું આહ્વાન કર્યું હતું. જનતાને અપીલ કરવામાં આવી હતી કે, લોકો રવિવારે રાત્રે દિપક, મીણબત્તી અને મોબાઈલની ફ્લેશ લાઈટ કરીને એકજુટતાનો સંદેશો આપે.
રવિવારે સવારે વડાપ્રધાન મોદીએ એક ટ્વીટ કરીને લાઈટ બંધ કરવા અંગે યાદ અપાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં લખ્યું કે, #9pm9minute.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે વડાપ્રધાન મોદીએ દેશને વીડિયો સંદેશ આપ્યો હતો અને દેશની જનતાને અપીલ કરી હતી કે, કોરોનાના અંધકારને પ્રકાશની શક્તિથી હરાવવાની જરૂર છે. આ માટે વડાપ્રધાન મોદીએ લોકોને રવિવારે રાત્રિના સમયે 9 વાગ્યે 9 મીનિટ સુધી દિપક પ્રગટાવવા અપીલ કરી હતી.
આ દરમિયાન વિવિધ રાજ્યોના ઉર્જા વિભાગે લોકોને અપીલ કરી કે, માત્ર લાઈટ બંધ રાખો. ફ્રિજ, એસી અને પંખો શરૂ રાખજો.
ઉલ્લેખનીય છે કે, PM મોદીએ 9 મીનિટ સુધી માત્ર ઘરોની લાઈટ બંધ કરવાનો અનુરોધ કર્યો છે. સ્ટ્રીટ લાઈટ્સ, ઘરના પંખા, ફ્રિજ, એસી, કોમ્પ્યુટર, ટીવી બંધ કરવા માટે કહ્યું નથી. આ ઉપરાંત હોસ્પિટલ, જરૂરી સેવાઓ સંબંધિત પબ્લિક યૂટિલિટીઝ, પોલીસ સ્ટેશન, કાર્યાલય વગેરેમાં લાઈટ શરૂ રહેશે.