શ્રીનગર : ઉત્તર કાશ્મીરમાં હંદવાડા વિસ્તારના ગામમાં આતંકીઓ સાથેની અથડામણમાં એક કર્નલ, એક મેજર સહિત 5 જવાન શહીદ થયા હતા. આ અથડામણમાં બે આતંકીઓને ઠાર પણ કર્યા હતા. આ તકે શહીદને નમન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યુ કે શહીદ જવાનોના બલિદાનને ભુલાવી શકાશે નહીં.
વડાપ્રધાન મોદી, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, જનરલ બિપિન રાવતે અથડામણમાં થયેલા શહીદ જવાન અને સુરક્ષાદળ પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, હંદવાડામાં શહીદ થયેલા સૈનિકો અને સુરક્ષા દળોને નમન કરું છુ. તેની વીરતા અને બલિદાનને ક્યારેય ભુલવામાં નહીં આવે. તેઓએ આપણા લોકોની રક્ષા માટે સમર્પિત થઇને રાષ્ટ્રની સેવા કરી છે. તેના પરિવાર અને મિત્રોને મારા તરફથી સંવેદના.
રક્ષા પ્રધાન રાજનાથ સિંહે પણ ટ્વીટ કરી અને શોક વ્યક્ત કર્યો હતો. રક્ષા પ્રધાને ટ્વીટ કરી કહ્યું કે હંદવાડામાં જવાન અને સુરક્ષાદળોને ગુમાવવું દર્દનાક છે. તેઓએ આતંકી સામે લડાઇ કરી અને દેશ માટે શહીદ થયા. અમે તેની બહાદુરી અને બલિદાનને ક્યારેય નહીં ભુલીએ.