- વડાપ્રધાન શું બોલશે તેના પર સૌની રહેશે નજર
- વડાપ્રધાને ટ્વિટ કરી સંબોધનની આપી જાણકારી
- કોવિડ-19 અને તહેવારો પર વાત કરે તેવી શક્યતા
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે તેઓ સાંજે 6 વાગ્યે દેશને સંબોધન કરશે. વડાપ્રધાને કહ્યું, આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રના નામે સંદેશ આપીશ. કોરોના વાઈરસ મહામારી વચ્ચે વડાપ્રધાન મોદી પહેલા પણ ઘણી વખત દેશને સંબોધિત કરી ચૂક્યા છે. રાષ્ટ્રના નામે આ તેમનું સાતમું સંબોધન હશે. માનવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન કોવિડ-19 અને આવનારા તહેવારોની સિઝન અંગે વાત કરી શકે છે.
તહેવારોને કારણે બજારમાં થતી ભીડથી સાવધાન રહેવા અપીલ
તમને જણાવી દઈએ કે, દેશમાં કોરોના વાઈરસનું સંકટ હજી ટળ્યું નથી. વડાપ્રધાન પોતાના દરેક સંબોધનમાં લોકોને નિયમોનું પાલન કરવા, સામાજિક અંતર જાળવવા અને માસ્ક પહેરવાની અપીલ કરતા હોય છે. વડાપ્રધાને જ્યાં સુધી દવા ન મળે ત્યાં સુધી ઢીલ ન આપવી તેવો મંત્ર પણ દેશને આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલમાં તહેવારોનો સમય ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં તહેવારો પર તહેવાર આવી રહ્યા છે, જેને લઈને સરકાર તરફથી એક વાર ફરી કડકાઈ કરવામાં આવી રહી છે. તહેવારના કારણે બજારોમાં ભીડ થઈ શકે છે, જેને ધ્યાનમાં રાખી સરકાર સતત લોકોને સાવધાની રાખવા માટે અપીલ કરી રહી છે.