હૈદરાબાદઃ અધિર રંજન ચૌધરીએ ઈટીવી ભારતના દીપાંકર બોઝ સાથે જુદા જુદા મુદ્દા અંગે વાતચીત કરી તેના અંશો.
લદાખ, લૉકડાઉન અને રોજમદારોના મુદ્દે
લદાખમાં ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષના મુદ્દે ચૌધરીએ માગણી કરી કે વડા પ્રધાને આ વિશે રાષ્ટ્રને સંબોધન કરવું જોઈએ. ચૌધરીએ જણાવ્યું કે, “છેલ્લા એક મહિનાથી આ બાબતમાં કેન્દ્ર સરકાર મૌન છે. સરહદે હલચલ થઈ છે અને મિલિટ્રી નિષ્ણાતો સરકારને ચેતવણી આપતા રહ્યા છે. સરકારે સમજવું જોઈએ કે લોકો ચિંતામાં છે અને તેઓ આ વિસ્તારમાં શું થઈ રહ્યું છે તે જાણવા માગે છે. વડા પ્રધાન દેશ સામેના દરેક મુદ્દે રાષ્ટ્રને સંબોધન કરતાં હોય છે, તો મને લાગે છે કે આ મુદ્દો પણ અગત્યનો છે.”
લૉકડાઉન વખતે રોજમદારોને વતન મોકલવા માટે શ્રમિક ટ્રેનો ચલાવવામાં આવી તે વિશે ચૌધરી આકરી ટીકા કરતા રહ્યા છે. તેમણે આ ટ્રેનોને મોતની મુસાફરી સુધીની આકરી ટીકાઓ કરી છે. આ વિશેના પ્રશ્નના જવાબમાં ચૌધરીએ કહ્યું કે “રેલવેએ આ બાબતમાં તદ્દન ગેરવ્યવસ્થા આચરી હતી અને કોઈ જ આયોજન નહોતું. ભારતીય રેલવેની ક્ષમતા રોજના 2.5 કરોડ મુસાફરોનું વહન કરવાની છે. આખા વર્ષમાં આખી દુનિયાની વસતિ જેટલા મુસાફરોની હેરફેર થાય છે. આ સરકાર ભારે ભીંસમાં આવી ત્યારે ગરીબો અને ફસાયેલા પ્રવાસી શ્રમિકોને ટ્રેનોમાં મોકલવાનું શરૂ કર્યું, પરંતુ તેમાં મુસાફરી કરનારા લોકોની મુશ્કેલીઓનો કોઈ વિચાર ના કર્યો. દિવસો અને કલાકો સુધી ટ્રેનો મોડી ચાલતી રહી અને તેના કારણે આકરી ગરમીમાં અંદર બેઠેલા મુસાફરોએ ત્રાસ ભોગવવો પડ્યો. તેના કારણે 90થી વધુ લોકોના મોત થઈ ગયા. આ ટ્રેનો માટે ડેથ પાર્લર સિવાય બીજો કોઈ શબ્દ અમારી પાસે નથી.”
પ્રવાસી શ્રમિકો વિશે
લૉકડાઉનનું જરા પણ આયોજન ના કરવાનો આરોપ મોદી સરકાર મૂકીને ચૌધરીએ જણાવ્યું કે તેના કારણે રોજમદારો ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. ચૌધરીએ કહ્યું કે “સરકારને પ્રવાસી શ્રમિકોની ક્યારેય કશી પડી નહોતી. આ નિરાધાર લોકો વતન જવા માટે ચાલીને નીકળી પડ્યા હતા. તેમને લાગ્યું કે પોતે અહીં જ પડ્યા રહેશે તો હાલાકીમાં આવી જશે. સરકારમાંથી કોઈ તેમને સધિયારો આપવા માટે નહોતું. ચિંતાને કારણે તે લોકોએ પગપાળા વતન જવાનું શરૂ કર્યું હતું. લોકો ચાલતા નીકળી પડ્યા, સાયકલ લઈને નીકળી પડ્યા. શા માટે? એટલા માટે કે સરકારે કોઈ જ આયોજન વિના લૉકડાઉન કર્યું હતું. સરકાર તદ્દન નિષ્ફળ ગઈ છે.
આવી રીતે આડેધડ લૉકડાઉનને કારણે દુનિયામાં ભારતની છાપ ખરડાઈ છે. સહરાના રણના કિનારે વસેલા દેશોમાં પણ લોકોએ આ રીતે અસહાય થઈને હિજરત કરવી પડતી નથી. દુનિયાના 200 દેશોમાં કોવીડ-19ને કારણે લૉકડાઉન થયું હતું, પણ ક્યાંય આવી હિજરત જેવી સ્થિતિ નહોતી સર્જાઈ. કેટલાક કમભાગીઓ ટ્રેનની નીચે કચડાઈને મરી ગયા. કેટલાક ટ્રક નીચે દબાઈ ગયા. આપણે જે જોઈ રહ્યા હતા તે મોતના કાફલો હતો. શું દેશ આવું સહન કરી શકે? વિભાજન વખતનો સમય ફરી જાણે જોવા મળી રહ્યો હતો. દુખની વાત છે કે આજેય દેશ ઇન્ડિયા અને ભારત વચ્ચે વહેંચાયેલો છે.