વડાપ્રધાન મોદીએ અહીં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર જે રીતે આગળ વધવા માગે છે, તેવો વિકાસ થઈ શક્યો નહોતો. મહારાષ્ટ્રમાં પાંચ વર્ષ દેવેન્દ્ર ફડણવીસ સરકારે રાજ્યની ઘણી સેવા કરી છે. વડાપ્રધાને ગુજરાતને મહારાષ્ટ્રનો નાનો ભાઈ કહ્યો છે. હું પણ ત્યાંથી જ આવું છું તેવું પણ કહ્યું હતું.
વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણની શરુઆત મરાઠી ભાષામાં કરી હતી. આ રેલીમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજના વંશજે મને આજે છત્ર પહેરાવ્યું છે. જે મારા માટે સૌથી મોટી વાત છે. લોકોસભા ચૂંટણી વખતે હું અહીં આવતો ત્યારે જે રીતે લોકોએ પ્રતિસાદ આપ્યો હતો, તેના લીધે એક લહેર દોડવા લાગી હતી.
વડાપ્રધાન મોદીએ આગળ જણાવ્યું હતું કે, દેશ જમ્મુ કાશ્મીરના સપનાને સાકાર કરવા આગળ વધી રહ્યો છે. કાશ્મીરમાં હવે દેશનું સંવિધાન લાગૂ છે. આ ફક્ત સરકારનો જ નિર્ણય નથી. દેશની ભાવના પણ છે. વડાપ્રધાને લોકોને અપિલ કરી હતી કે, કાલ સુધી લોકો કહેતા હતા કે, કાશ્મીર આપણું છે. હવે હિન્દુસ્તાની કહેશે કે, નવું કાશ્મીર બનાવવાનું છે, કાશ્મીરીઓને ગળે લગાવાના છે.
વડાપ્રધાને આગળ જણાવ્યું હતું કે, હવે ફરી એક વાર કાશ્મીરને સ્વર્ગ બનાવવાનું છે. કાશ્મીરને બનાવવા માટે સમગ્ર દેશને આગળ આવવાનું છે. અત્યાર સુધી કાશ્મીર દિલ્હીની ખોટી નીતિઓનો શિકાર બન્યું હતું, પણ હવે આપણે કાશ્મીરોના દુ:ખને સમજવાનું છે.