નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ પોતાના એક સંબંધીના નિધન પર લોકોને એકઠા ન થવા અપીલ કરી હતી અને ઘરે જ રહીને મૃત વ્યક્તિની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેમની આ પહેલને નરેન્દ્ર મોદીએ વખાણી છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી શોકાકુલ પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ઓમર અબ્દુલ્લાજી તમારા અને તમારા પરિવાર પ્રતિ મારી સંવેદના છે. તેમના આત્માને શાંતિ મળે. આ દુ:ખની ઘડીમાં શોકસભામાં એકઠા ન થવાનું આહ્વાન સરાહનીય છે. આ કોવિડ 19 વિરુદ્ધ ભારતની લડાઇને વધુ મજબુત કરશે.
અબ્દુલ્લાએ રવિવારે ટ્ટીટમાં જણાવ્યું હતું કે, તેમના કાકા મોહમ્મદ અલી મટ્ટુનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. તેમણે પોતાના અધિકારીક ટ્વીટર હેન્ડલ પર કહ્યું કે, આ ખૂબ જ કઠીન સમય છે, જેમાં પરિવારના તમામ લોકોને અપીલ કરતા તેમના નિવાસસ્થાન અથવા કબ્રસ્તાન પર એકઠા ન થવાના નિર્દેશોનું સમ્માન કરો. તમે તમારા ઘરમાં રહીને તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરો.
મહત્વનું છે કે, 5 ઓગસ્ટ, 2019ના સંસદ દ્વારા કલમ 370ને રદ કરવામાં આવી હતી અને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો પરત લેવામાં આવ્યો હતો. જે બાદ ઓમર અબ્દુલ્લાને સરકારે કેદ કર્યા હતા અને તેમને 23 માર્ચે છોડવામાં આવ્યા હતા, જ્યારે 23 માર્ચ મધરાત્રિથી જ દેશવ્યાપી લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.