નવી દિલ્હી: રામવિલાસ પાસવાનના નિધન બાદ કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલને કન્ઝુમર અફેર્સ અને ખાદ્ય તેમજ જાહેર વિતરણ મંત્રાલયનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનનું લાંબી બીમારી બાદ ગુરુવારે દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. આ માહિતી તેમના પુત્ર અને LJPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને ટ્વીટ કરીને આપી હતી.
રામ વિલાસ પાસવાનના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિત અન્ય કેન્દ્રીય પ્રધાનો અને રાજકીય પક્ષોના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.
રામવિલાસ પાસવાન કેન્દ્ર સરકારમાં કન્ઝુમર અફેર્સ અને ખાદ્ય તેમજ જાહેર વિતરણ વિભાગના પ્રધાન હતા. બિમારીને કારણે એક મહિનાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં થોડા દિવસો પહેલાં જ તેમની હાર્ટ સર્જરી કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, પાસવાનના નિધન બાદ તેમના ખેતાનો ચાર્જ પિયુષ ગોયલને સોંપવામાં આવ્યો છે. ગોયલ ભારતીય જનતા પાર્ટીના રાજકારણી છે અને ભારતની વર્તમાન સરકારમાં રેલવે પ્રધાન અને ભારત સરકારના કોલસા મંત્રાલયના પ્રધાન છે.