ગુજરાતભરમાં રક્ષાબંધનના અને સ્વતંત્ર પર્વના કારણે ઉત્સાહનો માહોલ છવાયો હતો. રક્ષાબંધનમાં બહેનો માટે ભાઇના ઘેર આજે મનગમતી રસોઇ અને જમણનું પણ ખાસ આયોજન થયુ છે. કેટલાક ભાઇઓ તેમની બહેન અને પરિવાર સાથે હોટલ-રેસ્ટોરન્ટમાં મિજબાની માણવાના પણ આયોજન કર્યા છે. સવારથી જ શુભમૂર્હુતમાં બહેનોએ ભાઈના કાંડા ઉપર પ્રેમ, લાગણી અને આર્શીવાદ સાથે રાખડી એટલે કે રક્ષાપોટલી બાંધી તેના રક્ષણની મંગલકામના કરી છે.
રક્ષાબંધનની રાજ્યભરમાં ઉલ્લાસપૂર્ણ ઉજવણી - તહેવાર
ન્યુઝ ડેસ્કઃ ભાઈ-બહેનના અમર અને પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની રાજયભરમાં ભારે હર્ષોલ્લાસ અને ખુશીઓ સાથે ઉજવણી કરાઈ રહી છે. બહેનોએ પોતાના વ્હાલસોયા અને લાડકા ભાઇઓને રાખડી બાંધી તે હંમેશા સુખી રહે તેવી પ્રાર્થના કરે છે. ભાઇઓએ પણ પોતાની બહેન પર કયારેય દુઃખનો ઓછાયો ન પડે તેવી ઇશ્વરને પ્રાર્થના કરી તેને યથાશકિત ભેટ-સોગાદ અર્પણ કરી છે.

રક્ષાબંધનમાં ભાઇ તરફથી બહેનને અપાતી રોકડ રકમ, ભેટ-સોગાદ તો ગૌણ બાબત છે, પરંતુ આ પવિત્ર પર્વમાં ભાઇ-બહેન વચ્ચેના પવિત્ર સ્નેહ અને સંબંધની છે, જે ભાઇ-બહેનના લાગણીભર્યા અને અતૂટ પ્રેમનું અંત્યત મહત્વ છે.
દેશભરમાં ઉજવવાની અલગ રીત અને જુદા નામ સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં કંજરી-પૂર્ણિમાના નામથી ઉજવાય છે. પશ્ચિમમાં આને નારિયેળ પૂર્ણિમાના નામથી ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના તહેવાર નિમિતે આજે બ્રાહ્મણોએ પણ શાસ્ત્રોક્ત વિધિ સાથે યજ્ઞોપવિત કરી શુભમૂર્હુતમાં જનોઇ બદલી નવી જનોઇ ધારણ કરવાના પ્રસંગો પણ ઠેર-ઠેર ગોઠવાયા છે.