- અભિનેત્રી પાયલ ઘોષ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયામાં જોડાઈ
- મી ટૂ અભિયાન દરમિયાન ચર્ચામાં આવી હતી પાયલ ઘોષ
- પાયલે અનુરાગ કશ્યપ પર યૌન શોષણના લગાવ્યા હતા આક્ષેપ
- રામદાસ અઠાવલેએ પાયલ ઘોષનું કર્યું હતું સમર્થન
મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી પાયલ ઘોષ આજે એટલે કે મંગળવારે કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેની રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આરપીઆઈ)માં જોડાઈ છે. પાર્ટીમાં આવતાની સાથે જ પાયલને મહિલા મોરચાની ઉપાધ્યક્ષ બનાવવામાં આવી છે. પાયલે ફિલ્મ નિર્દેશક અને અભિનેતા અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. રામદાસ અઠાવલેએ આ અંગે કહ્યું કે, હું પાયલ ઘોષનું અમારી પાર્ટીમાં સ્વાગત કરું છું. આ સાથે જ તેમને પાર્ટીની મહિલા વિંગની ઉપાધ્યક્ષ પણ બનાવવામાં આવી છે.
અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવનાર પાયલ ઘોષ અઠાવલેની પાર્ટીમાં જોડાઈ પાયલ આરપીઆઈના ઝંડા સાથે દેખાઈ ત્યારથી સ્પષ્ટ થયું તે પાર્ટીમાં જોડાઈ
ઉલ્લેખનીય છે કે, ઘણા દિવસોથી એવી ચર્ચા હતી કે પાયલ અઠાવલેની પાર્ટીમાં જોડાઈ શકે છે. છેવટે આ અટકળો પર પૂર્ણ વિરામ લાગી ગયું છે, જ્યારે એક ખાસ કાર્યક્રમમાં પાયલે આરપીઆઈનો ઝંડો પકડી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, પાયલ મી ટૂ અભિયાન દરમિયાન ચર્ચામાં આવી હતી. પાયલે નિર્દેશક અનુરાગ કશ્યપ પર 'મી ટૂ'નો આરોપ લગાવ્યો હતો. આ સાથે અભિનેત્રીએ અનુરાગ સામે મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે, અનુરાગે પાયલ દ્વારા તેની પર કરવામાં આવેલા તમામ આરોપો નકારી કાઢ્યા હતા.
મી ટૂ દરમિયાન રામદાસ અઠાવલેએ પાયલનું કર્યું હતું સમર્થન
આ સમગ્ર ઘટના દરમિયાન કેન્દ્રીય સામાજિક ન્યાય પ્રધાન અને આરપીઆઈના પ્રમુખ રામદાસ અઠાવલેએ પાયલ ઘોષનું સમર્થન કર્યું હતું. તેમણે પાયલ સાથે મુલાકાત પણ કરી હતી. આટલું જ નહીં પાયલ ઘોષ સાથે રામદાસ અઠાવલેએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સાથે બેઠક પણ કરી હતી. અહીં પાયલે પોતાની સુરક્ષા અને ન્યાય માટે માગ કરી હતી.