રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. દરમિયાન પવારે મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે ઉત્પન્ન થયેલ કૃષિ સમસ્યાને ધ્યાનમાં રાખી ખેડૂતોને રાહત અપાવવા માટે હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. આ બેઠકમાં નાણા પ્રધાન નિર્મલા સિતારમણ પણ સામેલ થયા હતા.
વડાપ્રધાન મોદી અને પવારની આ મુલાકાત મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે બનેલી અનિશ્ચિતતા વચ્ચે થઇ છે. સરકાર બનાવવા માટે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ અને શિવસેના વચ્ચે ગત થોડા દિવસોથી ચર્ચા ચાલી રહીં છે, જો કે, હજૂ સુધી કોઈ પરિણામ આવ્યું નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત દરમિયાન તેમને રાજ્યની સમસ્યાઓ અંગે વાકેફ કરાયા. પવારે કહ્યું કે, નાસિક જિલ્લામાં સોયાબીન, કઠોળ, મકાઈ, બાજરો, ટમેટા, ડુંગળી જેવી શાકભાજીનો પાક તૈયાર થવાની તૈયારી હતી, પરંતુ કમોસમી વરસાદના કારણે તે તમામ બર્બાદ થઇ ગયું. તેમણે કહ્યું કે, ગત 10 મહિનામાં નાસિકના 44 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.