પિથૌરાગઢ: ગુફાઓનું નામ સાંભળતા જ આપણને તેના અવનવા રહસ્યો વિશે જાણવાની ઇચ્છા થાય છે. કેટલીય ઐતિહાસિક ગુફાઓની અંદર અનેક પૌરાણિક રહસ્યો ધરબાયેલા હોય છે. આવી જ એક ગુફા ઉત્તરાખંડના પિથૌરાગઢમાં આવેલા ગંગોલી હાટમાં છે, જ્યાં એવી માન્યતા છે કે ભગવાન શિવના પ્રકોપને લીધે ધડથી અલગ થયેલું ભગવાન ગણેશનું મસ્તક અહીં જ પડ્યું હતું. સમુદ્રથી 1350 મીટરની ઉંચાઇએ આવેલી પાતાળ ભુવનેશ્વર ગુફા પ્રવેશદ્વારથી 160 મીટર લાંબી અને 90 ફૂટ ઉંડી છે, જેમાં કેદારનાથ, બદરીનાથ, અને અમરનાથના પણ દર્શન થાય છે. ગુફાનો સદીઓ જૂનો પૌરાણિક ઇતિહાસ છે, જેનો ગુફાનો સ્કંદપુરાણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ગુફાની અંદર ભગવાન ગણેશનું મસ્તક છે, જેના ઉપર 108 પાંખડીઓ વાળા બ્રહ્મકમળનો આકાર ધરાવતી શિલા આવેલી છે. આ બ્રહ્મકમળમાંથી ભગવાન ગણેશના મસ્તક પર દિવ્ય બૂંદો ટપકે છે, જેની મુખ્ય બૂંદનો આદિગણેશના મુખ પર આપોઆપ જ અભિષેક થાય છે. પુરાણોમાં લખ્યુ છે કે, આ ગુફામાં ભગવાન શિવ પોતે બિરાજમાન છે. જેમની ઉપાસના કરવા અહીં દેવતાઓ આવે છે. દ્વાપર યુગમાં પાંડવોએ અહીં જ ચોપાટ રમી હતી. ઉપરાંત ત્રેતાયુગમાં અયોધ્યા નરેશ ઋતુપર્ણ હરણનો પીછો કરતા કરતા આ ગુફામાં પહોંચ્યા હતાં. જ્યાં તેમણે ભોળાનાથ સહિત અનેક દેવોના દર્શન કર્યા હતા. કળિયુગમાં જગતગુરૂ શંકરાચાર્યનો ઇસ 722માં જ્યારે આ ગુફાનો સાક્ષાત્કાર થયો ત્યારે તેમણે મંદિરની અંદર રહેલા શિવલિંગને તાંબાથી બંધ કરી દીધું હતું, કારણકે આ શિવલિંગનું તેજ એટલું તીવ્ર હતું કે, કોઇપણ વ્યક્તિ તેને નરીઆંખે ન જોઇ શકે, ત્યારબાદ અનેક રાજાઓએ તેને શોધખોળ કરી હતી.