- આજથી સંસદનું બજેટ સત્ર શરૂ, 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે
- વિપક્ષી પાર્ટી કૃષિ કાયદા મુદ્દે ભાજપને ઘેરવા માટે તૈયાર
- વિપક્ષી પાર્ટીઓ રાષ્ટ્રપતિના સંબોધનનો પણ કરશે બહિષ્કાર
નવી દિલ્હીઃ બજેટ સત્રની શરૂઆતમાં શુક્રવારે સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે અને 1 ફેબ્રુઆરીએ બજેટ પ્રસ્તુત કરવામાં આવશે. કોંગ્રેસ સહિત દેશના 16 વિપક્ષી પર્ટીઓએ કૃષિ કાયદા સામે ખેડૂતોના આંદોલન મુદ્દે એકજૂટ થઈને રામનાથ કોવિંદના સંબોધનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યસભામાં નેતા, પ્રતિપક્ષ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે આ સમગ્ર માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, સંસદનું પહેલું બજેટ સત્ર 15 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. જ્યારે બીજું સત્ર 8 માર્ચથી શરૂ થઈને 8 એપ્રિલ સુધી ચાલશે.
કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, દ્રમુક, તૃણમૂલ કોંગ્રેસ સહિતની પાર્ટી રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કરશે
વિપક્ષી પાર્ટીઓના સંસદમાં રાષ્ટ્રપતિના સંબોધનના બહિષ્કારના નિર્ણયને કેન્દ્રિય પ્રધાન પ્રહલાદ જોશીએ દુર્ભાગ્યપૂર્ણ બતાવ્યું હતું. જોશીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ રાજનીતિથી ઉપર છે. વિપક્ષે આ મુદ્દે ફરી વિચાર કરવો જોઈએ. તેમ જ સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતા સંબોધનના ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષ ઘણા મુદ્દા ઉઠાવી શકે છે. વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, નેશનલ કોન્ફરન્સ, દ્રમુક, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના, સપા, રાજદ, માકપા, ભાકપા, આઈયુએમએલ, આરએસપી, પીડીપી, એમડીએમકે, કેરળ કોંગ્રેસ (એમ) અને એઆઈયૂડીએફે સંયુક્તરૂપે આ નિર્ણય લીધો છે. તેમજ 16 વિપક્ષી પાર્ટીઓએ દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર થયેલી હિંસાની તપાસ કરવાની માગ કરી છે.