નવી દિલ્હીઃ સંસદીય સમિતિ બુધવારે દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે ચર્ચા કરવા બેઠક કરશે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા પણ બેઠકમાં હાજર રહેશે.
આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ અને એઈમ્સના ડિરેક્ટર ડો રણદીપ ગુલેરિયા બેઠકમાં કોવિડ-19 મુદ્દે ચર્ચા કરશે. માહિતી પ્રમાણે આ સમિતિ 19 ઓગસ્ટે "COVID-19 રોગચાળા અને તેનાથી સંબંધિત મુદ્દાઓના સંચાલન" અંગે ચર્ચા કરવા બેઠક કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમિતિની અધ્યક્ષતા કોંગ્રેસ નેતા આનંદ શર્માના નેતૃત્વમાં થશે. રોગચાળાના સંચાલન માટે કેન્દ્ર સરકારે લીધેલી પહેલ અંગે ચર્ચા કરે તેવી સંભાવના છે. જુલાઈમાં મળેલી બેઠકમાં સમિતિના સભ્યોએ અધિકારીઓને કોરોના વાઈરસની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓનાં ઉંચા ભાવ વિશે પૂછ્યું હતું. સભ્યોએ દવાઓના બ્લેક માર્કેટિંગનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. સંસદના ચોમાસા સત્રની તૈયારી કરતી વખતે બંને ગૃહોએ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરતાં આ બેઠકનું મહત્ત્વ વધી જાય છે.
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, મંગળવારે કોરોનાના 55,078 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 876 લોકોનાં મોત સાથે, મૃત્યુઆંક વધીને 51,797 પર પહોંચી ગયો છે. દેશમાં કોવિડ-19ના કેસ વધીને 27,02,742 થયા છે, જેમાંથી 6,73,166 લોકો સારવાર લઈ રહ્યાં છે અને સારવાર બાદ 19,77,779 લોકો આ રોગમાંથી મુક્ત થયા છે. 7 ઓગસ્ટના રોજ કોવિડ-19ના કેસ 20 લાખને પાર કરી ગયાં હતા. ફક્ત છેલ્લા 11 દિવસમાં કોવિડ-19ના 7 લાખથી વધુ કેસ નોંધાયા છે.