ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમની અંગત ગણાતી હનીપ્રીતને CJM કોર્ટે બુધવારે પંચકૂલા હિંસા મામલે જામીન આપી દીધા છે. કોર્ટે 2 નવેમ્બરે આ કેસમાં હનીપ્રીત સહિત 15 આરોપીઓ પરથી રાજદ્રોહની કલમ હટાવી દીધી હતી. ત્યારબાદ હનીપ્રીતે જામીન અરજી કરી હતી. કેસની આગામી સુનાવણી 20મી નવેમ્બરે કરાશે. અંબાલા જેલમાં બંધ હનીપ્રીતને બુધવારે સાંજે જામીન પર મુક્ત કરવામાં આવી હતી.
હનીપ્રીત જેલમાંથી છૂટીને સીધી સિરસામાં આવેલા ડેરાના વડા મથકે પહોંચી હતી. એની એક ઝલક મેળવવા તેના સમર્થકો બંને બાજુ કતારબંધ ઉભા હતા. હનીપ્રીત ત્યાં પહોંચતા જ હર્ષનાદો અને ફટાકડા ફોડીને તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હનીપ્રીત સીધી ડેરા મુખ્યાલય તરફ આગળ વધી ગઇ હતી.