કોચિઃ એર ઇન્ડિયા એક્સપ્રેસની એક ઉડાન સોમવારે મોડી રાત્રે દુબઇમાં ફસાયેલા 178 ભારતીયોને લઇને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચી હતી. જેમાં પાંચ બાળકો અને એક શિશુનો સમાવેશ હતો.
એરપોર્ટના એક પ્રવક્તાએ જણાવ્યું કે, 'વંદે ભારત' મિશન હેઠળ કુઆલાલંપુરથી 179 ભારતીયોને લઇને વધુ એક ઉડાન કોચ્ચિ પહોંચી હતી. આ વિમાનમાં બે શિશુ પણ સવાર હતા.
ભારતે અલગ-અલગ દેશોમાં ફસાયેલા પોતાના નાગરિકોને સ્વદેશ લાવવાનું અભિયાન શરૂ કર્યું છે.
વંદે ભારત મિશન હેઠળ સાત દિવસો દરમિયાન 15 દેશોમાં ભારતના 16 એરપોર્ટ પર ભારતીય નાગરિકોને લઇને 64 ઉડાન પહોંચશે. આ ક્રમમાં એક સપ્તાહ દરમિયાન સંયુક્ત અરબ અમીરાત (UAE)થી 11, સાઉદી અરબથી 5, કુવૈતથી 5, બહરીનથી 2, કતારથી 2 અને ઓમાનથી 2 ઉડાન નક્કી કરવામાં આવી છે.
આ ઉપરાંત બાંગ્લાદેશથી સાત ઉડાન ભારત આવશે. આ સાથે જ 14 ફ્લાઇટ દક્ષિણ પુર્વ એશિયા અને 14 ફ્લાઇટ અમેરિકા તેમજ યૂકેથી લોકોને લઇને આવશે.