પહેલી ઑગસ્ટ, 2019ના રોજ ટ્રિપલ તલાકને ગેરકાયદેસર ગણાવતો કાયદો અમલમાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી સરકારે 18મી મે, 2017ના રોજ સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાને અસરકારક બનાવવા આ કાયદો અમલી બનાવ્યો.
આ કાયદા વિશે સંક્ષિપ્તમાં લખાણ.
આ કાયદાએ ટ્રિપલ તલાક, એટલે કે તલાક - એ - બિદ્દતના સ્વરૂપે અથવા તલાકના અન્ય કોઈ પણ સ્વરૂપને ગેરકાયદેસર જાહેર કર્યા. કોઈપણ મુસ્લિમ પતિ આ રીતે તલાક બોલીને પોતાની પત્નીને તલાક આપે તો તેણે ત્રણ વર્ષની જેલની સજા ભોગવવી પડશે અને તે દંડને પાત્ર પણ ઠરશે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ દેશની કુલ વસ્તીમાં આશરે આઠ ટકા મુસ્લિમ મહિલાઓ છે.
ત્રિપલ તલાકને ગેરકાયદે ગણાવતા મુસ્લિમ મહિલા (લગ્ન પરના અધિકારનું રક્ષણ) બિલ, પસાર થવાનો સંક્ષિપ્ત ઘટનાક્રમ
16મી ઑક્ટોબર, 2015ઃ મુસ્લિમ મહિલાઓ હિંદુ ઉત્તરાધિકારના સમયે છૂટાછેડાના કેસમાં લિંગ ભેદભાવનો સામનો કરી રહી છે કે નહીં તેની તપાસ કરવા સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે ભારતના સર્વોચ્ચ ન્યાયમૂર્તિ (સીજેઆઈ)ને યોગ્ય બેન્ચની રચના કરવા જણાવ્યું.
ફેબ્રુઆરી, 2016
ફેબ્રુઆરી, 2016માં ફાઈલ થયેલી શાયરા બાનોની પિટિશનમાં તેમણે જણાવ્યું હતું કે તે પોતાની તબીબી સારવાર માટે ઉત્તર ભારતમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં પોતાના માતા-પિતાને ઘેર ગઈ હતી, ત્યારે તેને તલાકનામા તરીકે ઓળખાતો પત્ર મળ્યો હતો - આ પત્રમાં તેના પતિએ તેને જણાવ્યું હતું કે તે તેમને તલાક - છૂટાછેડા આપે છે. શાયરા બાનોનાં લગ્ન 15 વર્ષ પૂર્વે થયા હતા અને તેમનાં પતિ અલાહાબાદમાં રહેતા હતા. તેમનું લગ્નજીવન અસફળ હતું. શાયરાબાનોને પોતાનાં બાળકોને મળવાનો પણ ઈનકાર કરાયો હતો.
શાયરા બાનોએ પોતાની પિટિશનમાં આ રીતે છૂટાછેડાની પદ્ધતિ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરીને મુસ્લિમ પુરુષોને પોતાની પત્ની સાથે માલમત્તાની જેમ વર્તતા અટકાવવાની માગણી કરાઈ હતી.
ફેબ્રુઆરી 5, 2016ઃ તે પછી સર્વોચ્ચ અદાલતે એટર્ની જનરલ મુકુલ રોહતગીને ટ્રિપલ તલાક, નિકાહ હલાલા અને બહુપત્નીત્ત્વ પ્રથાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ ઉપર મદદરૂપ થવા જણાવ્યું.
માર્ચ 28, 2016ઃ સર્વોચ્ચ અદાલતે 'મહિલાઓ અને કાયદોઃ લગ્ન, છૂટાછેડા, કબજો, વારસો અને વારસા હક્ક સંબંધિત કાયદાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને પારિવારિક કાયદાના મૂલ્યાંકન' માટે ઉચ્ચ સ્તરીય પેનલનો અહેવાલ રજૂ કરવા કેન્દ્ર સરકારને આદેશ આપ્યો.
સર્વોચ્ચ અદાલતે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (એઆઈએમપીએલબી) સહિત વિવિધ સંસ્થાઓને સુઓ મોટો કેસમાં પક્ષકાર બનવા વિનંતી કરી.
જૂન 29, 2016ઃ સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે મુસ્લિમોના ટ્રિપલ તલાકને બંધારણીય માળખાના માપદંડે મૂલવવામાં આવશે.
ઑક્ટોબર 7, 2016ઃ ભારતીય બંધારણના ઈતિહાસમાં પહેલવહેલીવાર કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં આ પદ્ધતિનો વિરોધ કરીને લિંગ સમાનતા અને ધર્મનિરપેક્ષતા જેવા આધારો ઉપર ફેરતપાસની હિમાયત કરી.
ફેબ્રુઆરી 14, 2017ઃ સર્વોચ્ચ અદાલતે વિવિધ આંતરસંબંધી અરજીઓને મુખ્ય મુદ્દા સાથે જોડવાની મંજૂરી આપી.
ફેબ્રુઆરી 16, 2017ઃ સર્વોચ્ચ અદાલતે ટ્રિપલ તલાક અને નિકાહ હલાલા સંબંધિત કેસોની ચર્ચા માટે પાંચ ન્યાયમૂર્તિઓની બંધારણીય ખંડપીઠની રચના કરી.
માર્ચ, 2017ઃ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (એઆઈએમપીએલબી)એ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે ટ્રિપલ તલાક ન્યાયતંત્રના અધિકારક્ષેત્રની બહાર આવે છે.
મે 18, 2017ઃ સર્વોચ્ચ અદાલતે તત્કાળ ટ્રિપલ તલાક (ત્રણવાર તલાક બોલતાં તરત જ છૂટાછેડા મળી જાય તે પદ્ધતિ)ની બંધારણીય માન્યતા અંગેના સવાલો ઉપર ચુકાદો અનામત રાખ્યો.
ઑગસ્ટ 22, 2017ઃ સર્વોચ્ચ અદાલતે ટ્રિપલ તલાકને ગેરકાયદેસર હોવાનું જાહેર કરીને તે અંગેનો કાયદો ઘડવા કેન્દ્ર સરકારને આદેશ કર્યો.