ન્યૂઝ ડેસ્કઃ એશિયાના બે મોટા દેશો ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખમાં લશ્કરી ઘર્ષણ જામ્યું છે, તેની પાછળનું કારણ માત્ર વિસ્તાર, ઐતિહાસિક વારસો, ભૂભૌગોલિક સ્થિતિ નહિ હોય. પૂર્વ લદ્દાખ સહિતના આ વિસ્તારમાં વિશાળ હાઇડ્રોકાર્બન રિઝર્વ હોવાની શક્યતા પણ છે. ઑઈલ અને ગેસના જથ્થા ઉપરાંત અહીં જીઓ-થર્મલ ઉર્જા માટેની શક્યતા પણ મનાય છે.
ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુનું પૂર્વ લદ્દાખના અક્સાઇ ચીન વિશેનું વાક્ય જાણીતું બન્યું છે કે અહીં 'ઘાસનું તણખલું પણ ઉગતું નથી'. પરંતુ હવે હાઇડ્રોકાર્બનના જથ્થાના અભ્યાસ પછી આ વાક્ય બંધબેસતું આવે તેવું રહ્યું નથી.
ઉર્જાની વિશાળ જરૂરિયાત ધરાવતા ભારત અને ચીને દુનિયાભરમાંથી ખનીજ તેલ આયાત કરવી પડે છે. તેના કારણે અહીં વિશાળ જથ્થો મળવાની શક્યતાને કારણે ઉર્જાની જરૂરિયાત પૂરી થઈ શકવાની શક્યતા દેખાવા લાગી છે.
ભારત પોતાની જરૂરિયાતનું 82 ટકા ઑઈલ આયાત કરે છે, જેને ઘટાડીને 2022 સુધીમાં 67 ટકા કરવાનું લક્ષ્યાંક રખાયેલું છે. પ્રાદેશિક અન્વેષણ અને ઇથેનોલનો ઉપયોગ કરીને આયાત ઘટાડવાની ગણતરી છે. બીજી બાજુ ચીન પોતાની જરૂરિયાતના કુલ ઑઈલમાંથી 77 ટકાની આયાત કરે છે.
આ વિષયના જાણકાર ઓએનજીસીના એક સિનિયર અધિકારીએ ઈટીવી ભારતને જણાવ્યું કે પોતે સત્તાવાર રીતે આ વિશે જણાવી શકે નહિ. તેમણે નામ ના આપવાની શરતે જણાવ્યું કે: “લાંબા સમયથી લદ્દાખમાં હાઇડ્રોકાર્બનનો વિશાળ જથ્થો હોવાનું આપણે જાણીએ છીએ. આ પ્રદેશનો વિશાળ વિસ્તાર એક વખતે ટેથીસ સમુદ્રનું તળિયું હતો. લાખો વર્ષો પહેલાં બે ભૂખંડ અથડાયા તેમાંથી હિમાલયની પર્વતમાળાનું સર્જન થયું છે. તેથી આ પ્રદેશમાં હાઇડ્રોકાર્બનનો જથ્થો સચવાયો હોવાનું સહજ રીતે માની શકાય છે.”
ટેથ્યન હિમાલય ઝોનનો 70 કિમી પહોળો પટ્ટો લદ્દાખની ઝંસ્કાર પર્વતમાળામાં આવેલો છે. ભવિષ્યમાં તેમાંથી શેલ ગેસ / શેલ ઑઈલ મળવાની શક્યતા જોવામાં આવી રહી છે. પૂર્વમાં દક્ષિણ તિબેટની પઠારથી શરૂ કરીને પશ્ચિમમાં ઝંસ્કાર પર્વતમાળા સુધીનો આ વિસ્તાર છે. પશ્ચિમ હિમાલયમાં ટેથ્યન હિમાલયના અવશેષો કાશ્મીર, ઝંસ્કાર, ચંબાર અને સ્પિતિમાં સ્પષ્ટ દેખાઈ આવે છે.
ઓએનજીસી, જીઓલૉજિકલ સર્વ ઑફ ઇન્ડિયા, યુનિવર્સિટી ઑફ જમ્મુ, ઇટાલીની ઈએનઆઈ અપસ્ટ્રીમ એન્ડ ટેક્નિકલ સર્વિસીઝ, પાકિસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ અને લંડનની યુનિવર્સિટી કૉલેજની ટીમે સપ્ટેમ્બર 2018માં એક બૃહદ અહેવાલ આપ્યો તેમાં આ વિસ્તારમાં હાઇડ્રોકાર્બનના જથ્થાની શક્યતા દર્શાવાઈ હતી.
77 પાનાંના સંશોધન અભ્યાસલેખનું નામ છે ‘પેટ્રોલિયમ સિસ્ટમ્સ એન્ડ હાઇડ્રોકાર્બન પોટેન્શિયલ ઑફ ધ નોર્થ વેસ્ટ હિમાલય ઑફ ઇન્ડિયા અને પાકિસ્તાન’. અહેવાલમાં જણાવાયું છે કે: “નોર્થ વેસ્ટ હિમાલયને હાઇડ્રોકાર્બન માટેના સંભવિત શોધખોળ માટેની યોગ્ય જગ્યા માનવામાં આવે છે, કેમ કે અહીં પેટ્રોલિયમ સિસ્ટમ ઉપલબ્ધ હોવાના એકથી વધુ સ્ટ્રેટિગ્રાફિક લેવલ ટેક્ટોનો-સેડિમેન્ટરી એન્વાયરમેન્ટમાં મળી આવ્યા છે. ગેસની હાજરી પણ વર્તાઈ છે અને કર્મશિયલ ઑઈલ અને ગેસની હાજરી પણ મળી આવી છે.”
“પ્રાદેશિક થ્રસ્ટની એક્ટિવિટીને કારણે ટ્રેપનું સર્જન થયું હોય તેમાં ઓઈલ અને ગેસનો જથ્થો હોવાની શક્યતા છે. તેથી વધુ એક્સપ્લોરેશનની જરૂર છે,” એમ અહેવાલમાં જણાવાયું હતું.
“નોર્થ વેસ્ટ હિમાલયનો ભારતમાં પડતો હિસ્સો હાઇડ્રોકાર્બન માટે વધારે સાનુકૂળ મનાયો છે, કેમ કે તેમાં સાનુકૂળ ટેક્ટોનો-સેડિમેન્ટરી એન્વીરનમેન્ટ છે. તેમાં સપાટી પણ ગેસની હાજરી દેખાઈ છે (જેમ કે જ્વાલામુખી નામના અગ્નિ મંદિર ખાતે). તેમજ સબસરફેસમાં ઑઈલ અને ગેસની હાજરી મળી છે… ” એમ અહેવાલમાં જણાવાયેલું છે.
વાયવ્ય હિમાયલ પ્રદેશમાં હાઇડ્રોકાર્બનની શક્યતા તપાસવા માટેનો આ અહેવાલ આ પ્રકારનો પ્રથમ ગંભીર પ્રયાસ હતો.
જોકે ઘણા કારણોસર આ બાબતમાં વધુ અબ્યાસ થઈ શક્યો નથી. બહુ અંતરિયાળ વિસ્તાર, ઊંચા શીખરો, ભારે ઠંડી અને વિશાળ સ્ટ્રક્ચરલ કૉમ્પ્લેક્સિટીને કારણે અભ્યાસ મુશ્કેલ છે. તેના કારણે ભૂગર્ભમાં રહેલી સ્થિતિની ઇમેજ મેળવવામાં પણ મુશ્કેલી નડે છે”.
ઓએનજીસીના અધિકારીએ વધુમાં જણાવ્યું કે “વિસ્ફોટ સહિતના ઘણા પ્રયાસો વધારે એક્સપ્લોરેશન માટે કરવા પડે તેમ છે. પરંતુ બહુ ઊંચાઈ પર તે શક્ય નથી. હિમાલયના સેસ્મિકલી સેન્સિટિવ અને બરફ ધસી પડે તેવા ઝોનને કારણે કાર્ય મુશ્કેલ છે.”
માત્ર વિસ્તાર માટે નહીં લદ્દાખના ઑઈલ અને ગેસ માટેની પણ લડત છે - indian army
એશિયાના બે મોટા દેશો ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખમાં લશ્કરી ઘર્ષણ જામ્યું છે, તેની પાછળનું કારણ માત્ર વિસ્તાર, ઐતિહાસિક વારસો, ભૂભૌગોલિક સ્થિતિ નહિ હોય. પૂર્વ લદ્દાખ સહિતના આ વિસ્તારમાં વિશાળ હાઇડ્રોકાર્બન રિઝર્વ હોવાની શક્યતા પણ છે. ઑઈલ અને ગેસના જથ્થા ઉપરાંત અહીં જીઓ-થર્મલ ઉર્જા માટેની શક્યતા પણ મનાય છે.
માત્ર વિસ્તાર માટે નહિ લદ્દાખના ઑઈલ અને ગેસ માટેની પણ લડત છે
- સંજીબ કુમાર બરુઆ