નવી દિલ્હી: રેલવેએ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સારવાર માટે પાંચ હજાર કોચને અલગ અલગ વોર્ડમાં પરિવર્તિત કર્યા છે અને આરોગ્ય મંત્રાલયની સલાહ લીધા બાદ આ કોચ ગ્રામીણ વિસ્તારોમાં લઈ જવામાં આવશે. આ અંગે અધિકારીઓએ શનિવારે માહિતી આપી હતી.
આ અંગે મંત્રાલયે કહ્યું કે, કોરોના મહામારીથી બચવા રેલવેએ 20 હજાર કોચને અલગ-અલગ વોર્ડમાં રૂપાંતરિત કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું. જેમાંથી 80 હજાર બેડવાળા પાંચ હજાર કોચ તૈયાર કરાયા છે. આ અંગે એક અધિકારીએ કહ્યું કે, આ કોચને ફેરવવાનો વિચાર એ હતો કે ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં તબીબી સુવિધા નથી, ત્યાં કોરોના દર્દીઓની સંભાળ રાખી શકાશે.
અધિકારીએ વધુમાં કહ્યું કે, આરોગ્ય મંત્રાલયની સૂચનાઓ પ્રમાણે આ કોચને ટ્રેનથી ગ્રામીણ વિસ્તારોમાં લઈ જવાશે. રેલવે આવા કોચમાં ઉપયોગ માટે ચાદર પણ આપી શકે છે, પરંતુ તે ફક્ત એકવાર જ ઉપયોગી થઈ શકશે. જો કે, અમે હાલ એ વિચાર કરી રહ્યાં છે કે, ઉનાળામાં આ વાતાનુકૂલનશીલ ટ્રેનના કોચને ગરમીથી કેવી રીતે બચાવી શકાય.
અધિકારીએ જણાવ્યું હતું કે, રેલવેની અંદર ચર્ચા ચાલી રહી છે કે, શું લાઇફ લાઇન એક્સપ્રેસ જેવી ટ્રેનો ચલાવી શકાય, જ્યાં ડૉક્ટર્સ તમામ પ્રકારના દર્દીઓની સંભાળ રાખી શકાય અથવા અકસ્માત રાહત ટ્રેન જેવી સિસ્ટમ ઊભી કરી શકાય, જે ઓપરેશન થિયેટરથી સજ્જ હોય છે. જો કે, આ વિચાર હાલ પુરતો છોડી દેવાયો છે. કેમકે આવું કરવામાં વધુ સમય લાગશે.
દરેક ટ્રેનમાં દસ ડબ્બા હશે અને દરેક ડબ્બામાં 16 દર્દીઓની ક્ષમતા રહેશે. અધિકારીએ કહ્યું કે, આ ટ્રેનોમાં ડૉક્ટર્સ અને અન્ય તબીબી કર્મચારીઓ માટે એક AC કોચ પણ ઉમેરી શકે છે.