નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના વાઇરસના કેસ સતત અને ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. હવે દરરોજ 2 હજારથી વધુ પોઝિટિવ કેસ દિલ્હીમાં નોંધાઇ રહ્યા છે. આ ડેટા ચિંતાનો વિષય છે. જોકે, દિલ્હી સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ફરીથી લોકડાઉન લાગુ કરવાની હાલ કોઈ યોજના નથી. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પોતે આ વિશે જણાવ્યું હતું. સીએમ કેજરીવાલે કહ્યું, "દિલ્હીમાં ફરીથી લોકડાઉન કરવાની કોઈ યોજના નથી."
રવિવારે કોવિડ-19ના સૌથી વધુ 2,224 નવા કેસ નોંધાયા હતા, ત્યારબાદ રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણના કેસોની સંખ્યા 41,000 પાર થઇ ગઈ છે. રાજધાનીમાં કોવિડ-19થી મૃત્યુની સંખ્યા 1,327 પર પહોંચી ગઈ છે. એક દિવસમાં રાષ્ટ્રીય રાજધાનીમાં આ સૌથી વધુ કેસ નોંધાયા છે.
દરમિયાન સોમવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક યોજી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં વધી રહેલા ચેપને ધ્યાનમાં રાખીને આ બેઠક મળી છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, શાહે ચાર મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓને કોરોના વાઇરસ ચેપના ફેલાવને રોકવા માટે લેવામાં આવેલા પગલાઓ વિશે માહિતગાર કર્યા અને આ મામલે તેમની પાસે સૂચનો માંગ્યા હતા. બેઠકમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બસપાના નેતાઓ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં દિલ્હી કોંગ્રેસના વડા અનિલ કુમાર અને આમ આદમી પાર્ટીના નેતા સંજય કુમાર પણ અન્ય રાજકારણીઓ સાથે હાજર હતા. સર્વપક્ષીય બેઠક બાદ દિલ્હી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું કે, ગૃહ પ્રધાન અમિત શાહના જણાવ્યા અનુસાર 20 જૂન સુધી દિલ્હી સરકાર કોવિડ-19ના રોજ 18,000 ટેસ્ટ કરશે. ભાજપે માંગ કરી છે કે, પરીક્ષણ ખર્ચમાં 50 ટકા છૂટ આપવામાં આવે. આ માંગને કેન્દ્રીય ગૃહપ્રધાન દ્વારા સ્વીકારવામાં આવી છે.અમિત શાહે તમામ લોકોના ટેસ્ટ કરવાની ખાતરી આપી છે.