ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બજેટ 2020: ચાલુ વર્ષે વેરા ઉઘરાણીમાં મોટી ઘટ પર નિર્મલા સીતારમણની નજર - પૂર્ણ કાલીન મહિલા નાણા પ્રધાન નિર્મલા સીતારમણ

જેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બીજી અવધિમાં દેશના અર્થતંત્રને બેઠું કરવાની જવાબદારી આપી છે, તેવાં દેશનાં પહેલાં પૂર્ણ કાલીન મહિલા નાણા પ્રધાન નિર્મલા સીતારમણ માટે તે મુશ્કેલ ક્ષણ હશે. આ ક્ષણે સરકાર માટે સૌથી મોટો પડકાર આવકને એકઠી કરવાનો હશે.

બજેટ ૨૦૨૦: આ વર્ષે વેરા ઉઘરાણીમાં મોટી ઘટ પર નિર્મલા સીતારમણની નજર
બજેટ ૨૦૨૦: આ વર્ષે વેરા ઉઘરાણીમાં મોટી ઘટ પર નિર્મલા સીતારમણની નજર

By

Published : Jan 30, 2020, 8:26 AM IST

નવી દિલ્હી: જ્યારે નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આ શનિવારે તેમની દ્વિતીય કેન્દ્રીય ખાતાવહી રજૂ કરવા ઊભાં થશે ત્યારે ગયા વર્ષે જુલાઈમાં તેમની પ્રથમ ખાતાવહી રજૂ કરતી વખતે તેમણે જે આંકડો મહેસૂલ એકત્રીકરણનો આપ્યો હતો તેમાં કદાચ ઉમેરો નહીં થઈ શકે. તાજેતરના સત્તાવાર આંકડાઓ મુજબ, કેન્દ્ર સરકારની ચોખ્ખી કર એકત્રીકરણ આ નાણાકીય વર્ષ (એપ્રિલથી નવેમ્બરમાં) પ્રથમ આઠ મહિનામાં રૂ. ૭.૫ લાખ કરોડ હતી જે પૂર્ણ નાણાકીય વર્ષના ખાતાવહીના લક્ષ્યાંક રૂ.૧૬.૫ લાખ કરોડના માત્ર ૪૫.૫ ટકા જ છે.

દેશનાં પહેલાં પૂર્ણ કાલીન મહિલા નાણા પ્રધાન નિર્મલા સીતારમણ જેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બીજી અવધિમાં દેશના અર્થતંત્રને બેઠું કરવાની જવાબદારી આપી છે, તેમના માટે તે મુશ્કેલ ક્ષણ હશે. આ ક્ષણે સરકાર માટે સૌથી મોટો પડકાર આવકને એકઠી કરવાનો હશે. વડા પ્રધાન મોદીએ તેમના સૌથી વિશ્વસનીય- પક્ષના સાથી- અરુણ જેટલીને જીવલેણ રોગમાં ગુમાવી દેતાં તેમણે સૌથી પડકારજનક કાર્ય માટે નિર્મલા સીતારમણને પસંદ કર્યાં છે.

જોકે નિર્મલા સીતારમણ મોદી ૨.૦ સરકારની શરૂઆતથી બેવડી મુસીબતનો સામનો કરી રહ્યાં છે કારણકે વડા પ્રધાન મોદીએ ગયા વર્ષે મે માસમાં ફરી સરકાર રચી ત્યારથી, પહેલેથી સુસ્ત ચાલી રહેલા અર્થતંત્રએ, તરત જ ખરાબ વળાંક લીધો હતો.

૨૦૧૮-૧૯ના છેલ્લા ત્રિમાસમાં જ ઘટીને ૫.૮ ટકાએ પહોંચી ગયેલો જીડીપી વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ત્રિમાસ (એપ્રિલ-જુલાઈ)માં વધુ ઘટીને માત્ર ૫ ટકાએ પહોંચી ગયો અને બીજા ત્રિમાસ (જુલાઈ-સપ્ટેમ્બર)માં વધુ ઘટીને માત્ર ૪.૫ ટકાએ પહોંચી ગયો, જે વર્ષ ૨૦૧૨-૧૩ના છેલ્લા ત્રિમાસ (જાન્યુઆરી-માર્ચ)થી સૌથી નીચો છે. જુલાઈ ૨૦૧૯માં તેની પ્રથમ ખાતાવહીમાં નિર્મલા સીતારમણે જે આવકનો અંદાજ રજૂ કર્યો હતો તે પણ ઘટીને નીચે આવી ગઈ.

“આ ક્ષણે સરકાર માટે સૌથી મોટો પડકાર આવકને એકઠી કરવાનો છે. વૃદ્ધિ ઘટી રહી છે ત્યારે મહેસૂલ આવક પણ ઘટી છે,” તેમ મૂલ્યાંકન સંસ્થા ફિચ કંપની ઇન્ડિયા રૅટિંગ્સમાં મુખ્ય અર્થશાસ્ત્રી સુનીલ સિંહાએ કહ્યું હતું.
કન્ટ્રૉલર જનરલ ઑફ એકાઉન્ટ્સ (સીજીએ)એ પ્રાપ્ય કરાવેલા તાજેતરના આંકડાઓ અનુસાર, આ નાણાકીય વર્ષે કેન્દ્ર સરકાર માટે આવકના એક સૌથી મોટા સ્રોત કૉર્પૉરેશન વેરાની આવકમાં ગત નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં થયેલી આવકની સરખામણીએ રૂ. ૨,૬૫૨ કરોડનો ઘટાડો થયો છે. કેન્દ્રને એપ્રિલથી નવેમ્બર ૨૦૧૯ દરમિયાન રૂ. ૨,૯૧,૨૫૪ કરોડ મળ્યા હતા જ્યારે કે આ વર્ષે તેને માત્ર રૂ. ૨,૮૮,૬૦૨ કરોડ મળ્યા છે.

જોકે સંપૂર્ણ રીતે જોઈએ તો આ ઘટાડો આંશિક છે, પરંતુ નાણા પ્રધાને આપેલા ખાતાવહી અંદાજની સરખામણીએ તે ખૂબ જ મોટો ઘટાડો છે કારણકે નિર્મલા સીતારમણે અંદાજ આપ્યો હતો કે આ નાણાકીય વર્ષમાં કૉર્પોરેટ વેરાની આવકમાં વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૬.૭૧ લાખ કરોડથી ૧૪.૧૫ ટકા વધારો થશે અને વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૭.૬૬ લાખ કરોડની આવક થશે.

પરિસ્થિતિ વધુ વણસવા અપેક્ષા છે કારણકે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નિર્મલા સીતારમણે કૉર્પોરેટ વેરાના દરમાં જે ઘટાડો જાહેર કર્યો હતો તેની પ્રારંભિક અસર આ વર્ષની ખાતાવહીમાં જાણવા મળશે અને જ્યારે ફેબ્રુઆરી ૨૦૨૧માં આવતા વર્ષની ખાતાવહીમાં ખરેખર આવકનો આંકડો આપવામાં આવશે ત્યારે જ સાચી અસર જાણવા મળશે.
પરંતુ તે પછીના બે મહિના- ઑક્ટોબર અને નવેમ્બર ૨૦૧૯- તાજેતરનો સમયગાળો જેના માટે જાહેર ક્ષેત્રમાં આંકડા પ્રાપ્ય છે- તેમાં કૉર્પોરેટ વેરાની આવકના આંકડામાં નકારાત્મક અસર દૃશ્યમાન છે જ. ઑક્ટોબર ૨૦૧૯માં, કૉર્પોરેટ વેરાની આવક જે એક વર્ષ પહેલાં આ જ મહિનામાં રૂ. ૨૬,૬૪૮ કરોડની આવક હતી તેની સામે ઘટીને તે રૂ. ૨૩,૪૨૯ કરોડ થઈ હતી.

તે પછીના મહિનામાં ઘટાડો વધુ તીવ્ર હતો જ્યારે આવક ઘટીને માત્ર રૂ. ૧૫,૮૪૬ કરોડ થઈ જ્યારે કે નવેમ્બર ૨૦૧૮માં રૂ. ૨૦,૮૬૪ કરોડની આવક હતી.

કેન્દ્ર સરકારની કુલ ચોખ્ખી વેરા આવક (પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને વેરાઓ) આ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં ઘટીને ખાતાવહીના અંદાજના માત્ર ૪૫.૫ ટકા થઈ જ્યારે કે ગત નાણાકીય વર્ષ (૨૦૧૮-૧૯)માં આ જ સમયગાળામાં તે ૪૯.૪ ટકા હતી.

અર્થશાસ્ત્રીઓ માને છે કે જીએસટી અને વ્યક્તિગત આવક વેરા, જે કેન્દ્ર સરકારની આવકના બીજા અને ત્રીજા સૌથી મોટા સ્રોત છે અને તે ખાતાવહીના અંદાજ મુજબ અનુક્રમે રૂ. ૬.૬૩ લાખ કરોડ અને રૂ. ૫.૬૯ લાખ કરોડ છે, તેની આવકમાં આંશિક સુધારા છતાં પરિસ્થિતિ અહીંથી ખરાબ થવા જઈ રહી છે.

“ગયા વર્ષે કૉર્પોરેટ વેરાના દરમાં કાપની ઘોષણા પછી, અમે ગણતરી કરી છે કે કેન્દ્ર સરકારની વેરા આવક રૂ. ૧.૭-૧.૮ લાખ કરોડ તેના ખાતાવહીના અંદાજ કરતાં ઓછી રહેશે. અમારી ગણતરી સૂચવે છે કે કૉર્પોરેટ વેરાની ચોખ્ખી આવક માત્ર રૂ. ૭૦-૮૦,૦૦૦ કરોડ જેટલી જ રહેશે અને નહીં કે સરકારે આપેલા અંદાજ મુજબ રૂ. ૧.૪૫ લાખ કરોડ, પરંતુ પ્રત્યક્ષ અને પરોક્ષ વેરાની આવક રૂ. ૧.૭-૧.૮ લાખ કરોડ આસપાસ રહેશે,” તેમ સુનીલ સિંહાએ ઇટીવી ભારતને જણાવ્યું હતું.
ગયા સપ્તાહે પ્રકાશિત રૉઇટર્સના અહેવાલ મુજબ, આ નાણાકીય વર્ષમાં પ્રત્યક્ષ વેરાની આવક ગયા વર્ષની આવક કરતાં નીચી રહેવા સંભાવના છે, આ એક ભાગ્યે જ જોવા મળતી ઘટના છે જે લગભગ બે દાયકામાં આવો પહેલો કિસ્સો હશે.

ગયા વર્ષના જુલાઈમાં રજૂ કરેલા તેમના ખાતાવહી અંદાજમાં, નિર્મલા સીતારમણે અંદાજ આપ્યો હતો કે પ્રત્યક્ષ વેરા આવક વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૧૨ લાખ કરોડથી ૧૧.૨૫ ટકાના તંદુરસ્ત દરે વધી વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૧૩.૩૫ લાખ કરોડ થશે. ગયાં બે નાણાકીય વર્ષ- ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ વચ્ચે કૉર્પોરેટ વેરા અને વ્યક્તિગત આવક વેરા એમ બંનેમાં રૂ. ૧ લાખ કરોડનો વધારો થયો હોવાથી તેમની પાસે આ અંદાજના વિશ્વાસનાં મજબૂત કારણો હતાં.

વર્ષ ૨૦૧૮-૧૯માં, કેન્દ્રની કૉર્પોરેટ વેરા આવક રૂ. ૬.૭૧ લાખ કરોડ (આરઇ-પુનઃવિચારિત અંદાજ) હતી જ્યારે કે લક્ષ્યાંક રૂ. ૬.૨૧ લાખ કરોડ (બીઇ-ખાતાવહીનો અંદાજ) હતો. આ રીતે વર્ષ ૨૦૧૭-૧૮માં થયેલી રૂ. ૫.૭૧ લાખ કરોડની આવક સામે રૂ. ૧ લાખ કરોડનો (ખરેખર) વધારો હતો.

આ જ રીતે વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ દરમિયાન વ્યક્તિગત આવક વેરાની આવકમાં પણ રૂ. ૪.૩૧ લાખ કરોડ (ખરેખર)થી લગભગ રૂ. ૧ લાખ કરોડનો વધારો થઈને વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૫.૨૯ લાખ કરોડ (આરઇ-પુનઃવિચારિત) થઈ હતી.

જોકે, જીડીપી વૃદ્ધિ માત્ર નવ મહિનામાં ૫.૮ ટકાથી ઘટીને ૪.૫ ટકા થઈ જતાં સમગ્ર વૃદ્ધિની વાત એક વર્ષમાં જ ઉલટી થઈ ગઈ.

સુનીલ સિંહાએ કહ્યું કે કેન્દ્ર તેનો વેરા આવક લક્ષ્યાંક રૂ. ૧.૭ લાખ કરોડથી ચૂકી જશે તેવી ઇન્ડિયા રેટિંગની અગાઉની આગાહી આ વર્ષે સાચી જીડીપી વૃદ્ધિ ૫.૫ ટકાથી ૫.૬ ટકા વચ્ચે રહેશે તેવા અનુમાન પર આધારિત હતી. તેઓ કહે છે કે હવે અનેક સંસ્થાઓએ અંદાજિત જીડીપી વૃદ્ધિ દરને વધુ નીચે ૫ ટકા કરી દીધો છે.

આ મહિને, ઇન્ટરનેશનલ મૉનેટરી ફંડ (આઈએમએફ)એ પણ વર્ષ ૨૦૧૯-૨૦ માટે દેશની જીડીપી વૃદ્ધિને માત્ર ૪.૮ ટકાએ નીચી રહેવા આગાહી કરી છે.
જોકે નાણા પ્રધાનની સમસ્યાઓ અહીંથી પૂરી થાય તેવું લાગતું નથી.

સુનીલ સિંહાએ કહ્યું કે સૌથી મોટી મુશ્કેલી એ છે કે આપણે હજુ પણ ૫.૫-૫.૬ ટકાની જીડીપી વૃદ્ધિના અનુમાન પર મહેસૂલ આવકની ગણતરી માંડી રહ્યા છીએ પરંતુ તે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર છે. જોકે વેરાનો પ્રતિસાદ વાસ્તવિક જીડીપી વૃદ્ધિને નથી, પરંતુ વેરા પ્રતિસાદ અવાસ્તવિક (નૉમિનલ) જીડીપી વૃદ્ધિને છે.

“બીજા ત્રિમાસ (જુલાઈ-સપ્ટેમ્બર) માટે અવાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર ૮ ટકા આસપાસ આવ્યો છે, જ્યારે કે ખાતાવહીમાં સરકારે અનુમાન કર્યું હતું કે અવાસ્તવિક જીડીપી વૃદ્ધિ ૧૧-૧૨ ટકાએ રહેશે,” તેમ તેમણે અવલોકન કર્યું હતું.

આપેલા સમયગાળામાં દેશના સકળ ઘરેલુ ઉત્પાદનની કિંમત નક્કી કરતી વખતે, વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર અવાસ્તવિક જીડીપી વૃદ્ધિમાંથી જથ્થાબંધ વેચાણ કિંમત દર (ડબ્લ્યુપીઆઈ)ને બાદ કરીને ગણવામાં આવે છે જેમાં મોંઘવારીનો પણ સમાવેશ થાય છે.

ઇન્ડિયા રૅટિંગ્સ માટે સ્થૂળ આર્થિક સંકેતકો પર જેમણે નજીકથી નજર રાખી છે તેવા સુનીલ સિંહાએ કહ્યું કે વેરા આવકનું સરકારનુ અનુમાન ખોટું પડવાનું છે અને તે ગમે તે કરે, પરંતુ તે તેના વેરા આવકના લક્ષ્યાંકથી ઘણું દૂર હશે.

લેખક: કૃષ્ણાનંદ ત્રિપાઠી, વરિષ્ઠ પત્રકાર

ABOUT THE AUTHOR

...view details