નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલે ગુનેગાર મુકેશ કુમાર સિંહે હવે પોતાના જૂના વકીલ પર જ આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે, તેને નથી જણાવવામાં આવ્યું કે, ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવા માટે ત્રણ વર્ષ સુધીનો સમય હોય છે. આવામાં તમામ કાર્યવાહી રદ્દ કરવામાં આવે અને તેને ક્યૂરેટિવ પિટિશન અને કાયદાકીય ઉપચારના ઉપયોગની પરવાનગી આપવામાં આવે. હવે મુકેશે પોતાના વકીલ એમ.એલ શર્મા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
મુકેશના વકીલ એમએલ શર્મા તરફથી અરજી દાખલ કરીને ભારત સરકાર, દિલ્હી સરકાર અને એમિકસ ક્યૂરીને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તેને ષડયંત્રનો શિકાર બનાવવામાં આવ્યો છે. તેને નથી જણાવવામાં આવ્યું કે, લિમિટેશન એક્ટ અંતર્ગત ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવા માટે ત્રણ વર્ષનો સમય હોય છે. આ રીતે જોવામાં આવે તો તેના મૌલિક અધિકારથી તેને વંચિત રાખવામાં આવ્યો છે. આ કારણે રિટ દાખલ કરવામાં આવી છે.