નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ફેબ્રુઆરી 2019માં CRPFના કાફલા પર આત્મઘાતી હુમલા થયો હતો. જેમાં 40 જવાન શહીદ થયાં હતાં. આ કેસમાં NIAએ મંગળવારે જમ્મુની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં પાકિસ્તાનની ધરતી પરથી કાશ્મીરમાં આતંકવાદ ફેલાવી રહેલા આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના મૌલાના મસૂદ અઝહર અને તેના પરિવાર પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. આ તપાસમાં NIAએ મોટો ખુલાસો કરતા કહ્યું કે, પુલવામા એટેક પહેલા મસૂદના ભત્રીજા ફારુકના ખાતામાં 10 લાખ જમા થયાં હતાં.
પુલવામા આતંકી હુમલો કરવા માટે જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભત્રીજા મોહમ્મદ ઓમર ફારૂકના પાકિસ્તાનના બેંક ખાતામાં 10 લાખ રૂપિયા મોકલવામાં આવ્યા હતા. આ અંગે NIAની ચાર્જશીટમાં માહિતી આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખુલાસો થયો છે કે, ફારુકના પાકિસ્તાનમાં એલાઈડ બેંક અને મેજાન બેંકના ત્રણ ખાતામાં આતંકી હુમલાના થોડા દિવસો પહેલા રૂપિયા જમા થયા હતાં. ફારુક આત્મઘાતી હુમલાખોર હતો. જે બાદમાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.
અધિકારીએ કહ્યું કે, જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનના મોટા માથાઓએ જાન્યુઆરીથી ફેબ્રુઆરી, 2019 વચ્ચે આ નાણાં જમા કરાવ્યા હતા. મંગળવારે જમ્મુની વિશેષ અદાલતમાં રજૂ કરેલી ચાર્જશીટમાં NIAએ જણાવ્યું હતું કે, આતંકી દ્વારા વિસ્ફોટમાં વપરાયેલી મારૂતિ ઇકો કાર ખરીદવામાં લગભગ છ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જે બાદ શ્રીનગરમાં એમોનિયમ નાઇટ્રેટ અને આઈઈડીથી ભરેલી કાર સહિત 200 કિલો વિસ્ફોટક 14 ફેબ્રુઆરી, 2019ના રોજ CRPFના કાફલા પર હુમલો કર્યો હતો.
મહત્વનું છે કે, મસૂદ અઝહરના ભત્રીજા મોહમ્મદ ઉમર ફારુકે કાશ્મીરમાં આતંકી હુમલાને અંજામ આપ્યો હતો. 2018માં ઘૂસણખોરી કરીને ભારતમાં પ્રવેશતા પહેલાં 2016-17માં અફઘાનિસ્તાનમાં તાલીમ લીધી હતી. જેથી પુલવામામાં આતંકી હુમલાની યોજનાને અંજામ આપવા માટે જૈશ-એ-મોહમ્મદના ઘણાં સમયથી તૈયારીઓ કરી રહ્યું હતું. પુલવામા આતંકી હુમલા બાદ જૈશ કાશ્મીરમાં બીજો આતંકી હુમલો કરવાની યોજના બનાવી રહ્યું હતું, પરંતુ પુલવામા એટેક બાદ બાલાકોટમાં ભારતીય એરફોર્સની સર્જિકલ સ્ટ્રાઇકને પગલે જૈશ આંતરરાષ્ટ્રીય દબાણ આવ્યું હતું. જેને ધ્યાનમાં લેતાં મસૂદ અઝહરે ફારુકને બીજા હુમલાને અંજામ ન આપવા સંદેશો આપ્યો હતો.
જો કે, બીજો હુમલા કરવા માટે જે તે સ્થળની રેકી થઈ રહી હતી, પરંતુ ઉમર ફારુકને હુમલો ન કરવાની સૂચના મળી હતી. NIAએ એમ પણ કહ્યું કે, પુલવામા હુમલા માટે બે સ્થાનિક કાશ્મીરી આત્મઘાતી બોંબર પણ તૈયાર કરાયા હતા. ઉમર ફારુક દ્વારા બે સ્થાનિક કાશ્મીરીને આત્મઘાતી બોંબર તરીકે તૈયાર કરાયા હતાં. જેમાં આતંકી હુમલામાં જ આદિલ માર્યો ગયો હતો, જ્યારે બીજા ફિદાઇન હુમલાખોરને સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. આમ, મસૂદનો ભત્રીજો ઉમર ફારુક પુલવામા આતંકી હુમલાને માટે મોટો જવાદાર હતો. જો કે, પુલવામા એટેક બાદ માર્ચ 2019માં ઉમર ફારુક સુરક્ષાદળો સાથેની અથડામણમાં માર્યો ગયો હતો.