ગુજરાત

gujarat

સગાવાદ, બોલીવૂડ અને રાજકારણમાં...

By

Published : Aug 5, 2020, 3:10 PM IST

કૈંક શંકાસ્પદ સંજોગોમાં અચાનક સુશાંતસિંહ રાજપૂતના અવસાનના કારણે બોલિવૂડમાં વ્યાપેલી ગેરરીતિ વિશે ભારે વિવાદ જાગ્યો છે. ખાસ કરીને ફિલ્મ દુનિયામાં સગાવાદ, જૂથબંધી અને ટોળકીમાં સામેલના હોય તેવા 'પરાયા' કલાકારો સાથે થતો દુર્વ્યવહાર ચર્ચાનું કારણ બન્યો છે.

NEPOTISM, BOLLYWOOD & POLITICS
સગાવાદ, બોલીવૂડ અને રાજકારણમાં

ન્યૂઝ ડેસ્કઃ કૈંક શંકાસ્પદ સંજોગોમાં અચાનક સુશાંતસિંહ રાજપૂતના અવસાનના કારણે બોલીવૂડમાં વ્યાપેલી ગેરરીતિ વિશે ભારે વિવાદ જાગ્યો છે. ખાસ કરીને ફિલ્મદુનિયામાં સગાવાદ, જૂથબંધી અને ટોળકીમાં સામેલના હોય તેવા 'પરાયા' કલાકારો સાથે થતો દુર્વ્યવહાર ચર્ચાનું કારણ બન્યો છે.

સુશાંતના મોતનું કારણ હજી પણ મુંબઈ પોલીસ શોધી રહી છે, પણ ફિલ્મદુનિયાની બીજી એક આઉટસાઇડર ગણાતી અને પોતાનો પગ જમાવવામાં ભારે સંઘર્ષનો સામનો કરનારીઅભિનેત્રી કંગલા રનૌતે ફિલ્મદુનિયાના મૂવી માફિયા સામે આક્રોશ વ્યક્ત કરીને વિવાદને વધારે છંછેડ્યો છે. એક ખાનગી ટીવી ચેનલને કંગનાએ આપેલા ઇન્ટરવ્યૂમાં ઘણા બધો કાદળ ઉલેચ્યો અને તેના કારણે ફિલ્મોમાં સગાવાદ અને પક્ષપાતનો મુદ્દો ફરી ચગ્યો.

સુશાંતના મોત પછી બોલીવૂડ માફિયા ટોળકી સામે એવો આક્ષેપ થઈ રહ્યો છે કે બહારથી આવેલા પ્રતિભાવાન કલાકારોને ટકવા દેવામાં આવતા નથી. તેની સાથે સ્ટારના નબળા સંતાનોને પ્રમોટ કરવામાં આવે છે. જોકે હિન્દી ફિલ્મ જગતના પરિવારોના બધા સંતાનો નબળા છે એવું પણ નથી. તેમાંથી ઘણા બહુ સારા કલાકારો સાબિત થયા છે. પરંતુ એ વાત નકારી શકાય નહિ કે તેમના માટે માર્ગ બહુ સરળ હોય છે.

મુંબઈના સીનેજગતમાં જે વાત સાચી છે, જે વાત દિલ્હીના લૂટયન્સ જગતમાં અને દેશમાં ઘણા ક્ષેત્રોમાં પણ એટલી જ સાચી છે. સગાવાદ, ભાઈભતીજાવાદ એટલો વ્યાપેલો છે કે તે સમાજજીવનનો હિસ્સો બની ગયો છે. સગાવાદ મૂળિયા નાખી ગયો છે અને બહુ મોડું થઈ ગયું છે, તેમ છતાં સૌને સમાનતા આપતા સ્વતંત્ર દેશમાં મુક્તિના ધર્મ તરીકે આવી ગેરરીતિ સામે અવાજ ઉઠાવવો જોઈએ.

નિર્માતા - નિર્દેશક કરણ જોહર પર કંગના રાણાવતે આક્ષેપો મૂક્યા છે, તેણે હકીકતમાં ફિલ્મદુનિયામાં સગાવાદ કામ નથી કરતો એવું કહ્યું પણ નથી. તેણે જાહેરમાં કહ્યું છે કે કોઈ નિર્માતા સ્ટારના પુત્રને લૉન્ચ કરે ત્યારે નિર્માતા પણ પોતાના નાણાંની સલામતી વિચારતો હોય છે, કેમ કે આખરે આ એક વેપારધંધો છે. “મોટા સ્ટારના પુત્રને તરત ઓળખ મળી જાય છે ... તમે કોઈ જોખમ લેવા માગતા નથી હોતા ... મામલો પૈસાનો હોય છે”. બીજા શબ્દોમાં કહીએ તો સગાવાદના પ્રવાહમાં નિર્માતા કામ કરે ત્યારે તેની મૂડીની સલામતી મળી જતી હોય છે.

શું રાજકારણમાં પણ આવું ચાલતું હોય છે? લોકસભાની ચૂંટણી માટે ટિકિટ રાજકીય પક્ષો કેવી રીતે આપે છે તે જરા જુઓ. તમને ખ્યાલ આવી જશે ઓળખાણ હોવાની વાત અગત્યની સાબિત થાય છે. આઝાદીના સાત દાયકા પછી રાજકારણમાં સગાવાદ જ ચાલતો રહ્યો છે.

હકીકતમાં રાજકારણમાં સગાવાદ એટલો બધો વ્યાપક છે કે ઘણા દાયકાઓ સુધી પુત્ર અને પૌત્રો સત્તામાં પગદંડો જમાવીને બેસી રહ્યા હતા. દાદાએ જે મતવિસ્તારમાં ચૂંટણી જીતી હોય તેના પર જાણે પોતાનો અધિકાર હોય તે રીતે વારસદારો વર્તતા હોય છે. આવા સાંસદો જીતીને લૂટયન્સ દિલ્હીમાં દાદાના એ જ આલિશાન બંગલાઓમાં નિવાસ કરતા રહે છે. તે લોકોને સરકારી બંગલાનો એટલો મોહ થઈ જાય છે કે તેઓ ભૂલી જાય છે કે આ સરકારી સંપત્તિ છે. આ બંગલામાં વારસદારો નિવાસ ના કરતા હોય ત્યારે બીજી કે ત્રીજી પેઢીના રાજકારણીઓ માગણી કરતા હોય છે કે તેને પોતાના વડવાઓના સ્મૃત્તિસ્થાનમાં ફેરવી નાખવામાં આવે.

રાષ્ટ્રીય રાજકારણમાં અને લૂટયન્સ દિલ્હીમાં સગાવાદનો આવો પ્રવાહ શરૂ કરનારા અસલી સગાવાદી છે નહેરુ-ગાંધીઓ. પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના સમયગાળામાં જ તેની શરૂઆત થઈ ગઈ હતી. તેમણે પોતાની દિકરી ઇન્દિરા ગાંધીની 1959માં કોંગ્રેસનાઅધ્યક્ષા તરીકે નિમણૂક થાય તેમાં રસ લીધો હતો. તે પછી શું થયું તે ઇતિહાસ જાણીતો છે. જવાહરલાલના પરિવારના એક પછી એક સભ્યો દેશના વડા પ્રધાન બનતા ગયા. પરિવાર માટે આપણા પ્રજાસત્તાક બંધારણનું મૂલ્ય ઓછું ને ઓછું થતું ગયું. તે તો એવી જ કલ્પનામાં રાચતો રહ્યો કે ભારત જાણે એક રાજાશાહી હોય.

આ પરિવારે મજબૂત કબજો જમાવ્યો તે સાથે જ સગાઓ અને મિત્રોને આગળ કરવાનું શરૂ કર્યું. તે સાથે જ એક નહેરુવાદી જૂથ તૈયાર થયું. મહત્ત્વાકાંક્ષી અમલદાર, શિક્ષણશાસ્ત્રીઓ, વિચારકો, કલાકારો, પત્રકારો અને વેપારીઓ તે જૂથનો હિસ્સો બનવા લાગ્યા. આ બધા લેભાગુઓને ખ્યાલ આવી ગયો કે આ કાફલામાં જોડાયેલા રહેવાથી ફાયદો થાય છે. સરકારી હોદ્દાઓમાં બઢતી મળે છે અને શિક્ષણજગત તથા મીડિયામાં મોટા મોટા સ્થાન મળે છે. કેટલાક અપવાદોને બાદ કરતાં બધા જ રાજ્યપાલો, વાઇસ ચાન્સલરો, અખબારના તંત્રીઓ,
ટીવી ઍન્કરો, પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ નહેરુવાદી જૂથના જ ચેલાઓ રહેતા હતા.

બાહુલ્ય માટે સન્માન કે બીજાના મંતવ્ય માટે કોઈ જગ્યા જ રહેતી નહોતી. રાજકારણમાં આવેલા અને કોંગ્રેસના જમાનામાં લોકસભા કે રાજ્યસભામાં જીતી ગયેલા નેતાઓ માટે આ વિચારસરણીનો હિસ્સો બની રહેવો, આ બિરાદરીના સભ્યો બની રહેવું જરૂરી બની ગયું હતું.

તેના કારણે આ પરિવારની મૂનસફી અને સગાવાદ સૌ કોઈ માટે નિયમ અને પરંપરા બની ગઈ. એક જ કુટુંબના પરિવારવાદને અહોભાગ્ય ગણવાનો અને વાજબી ગણવાનો સીલસીલો શરૂ થઈ ગયો, કેમ કે તેમના દ્વારા વફાદારો અને ચમચાઓના સંતાનો અને પૌત્રોને આગળ વધવાની તક આપવામાં આવતી રહી.

2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યાં સુધી આ બધું જ અબાધ રીતે ચાલતું રહ્યું. તેઓ આગુ સે ચલી આતી હૈની સ્થિતિને તોડી નાખનારા અને લૂટયન્સ દિલ્હીમાં સૌ માટે સમાન તકની સ્થિતિ ઊભી કરનારા સાબિત થયા છે. કંગના પણ બોલીવૂડમાં એ જ કરી રહી છે. બેશરમ થઈને ફિલ્મદુનિયામાં સગાવાદ ચલાવનારી માફિયા ટોળકીને તે ખુલ્લી પાડી રહી છે. પોતાની પ્રતિભાના જોરે બોલીવૂડમાં સ્થાન મેળવનારા પારકા લોકોને પરેશાન કરનારાને તે ખુલ્લા પાડી રહી છે.

દાખલા તરીકે ટીવીના શૉમાં કે જાહેર કાર્યક્રમોમાં નવાંગતુકોની મજાક કરવામાં આવતી હતી. જેમ કે શાહરુખ ખાન અને શાહિદ કપૂરે આઈફા અવૉર્ડ વખતે સુશાંતની મજાક ઉડાવી હતી. કંગના બોલીવૂડની આનાથી પણ વરવી સ્થિતિ વિશે વાત કરી રહી છે. જેમ કે તેના જણાવ્યા અનુસાર બોલીવૂડના એક જાણીતા ડિરેક્ટરે સુશાંતસિંહને કહેલું કે તું ફિલ્મદુનિયામાં પાછો નથી પડી રહ્યો, ડૂબી રહ્યો છે.

સુશાંત બિહારના પૂર્નિયા જિલ્લાના માલ્દિહા ગામનો હતો. તે ફિઝિક્સમાં નેશનલ ઑલિમ્પિયાડ જીતનારો સફળ વિદ્યાર્થી હતો. એન્જિનિયરિંગ કૉલેજમાં પ્રવેશ માટેની પરીક્ષામાં તેને ટોચની રેન્ક મળી હતી. તેને ગણિત અને ખગોળશાસ્ત્રમાં રસ પડતો હતો અને નૃત્ય, સંગીત અને સિનેમામાં પણ રસ પડતો હતો. શું બોલીવૂડની દુનિયામાં તે વધારે પડતો વિદ્વાન હતો? સ્ટારના સંતાનો મોટા ભાગે ભણ્યા હોતા નથી અને વળી તે વાતનું પાછું ગૌરવ લેતા હોય છે. કરણ જોહર કબૂલે છે કે તેને નાની ઉંમરે જ કહી દેવાયું હતું કે તારે હિન્દી ફિલ્મો બનાવવી હોય તો, “તારે બહુ વિદ્વાન બનવાની જરૂર નથી… મારા ક્ષેત્રના લોકો માટે આ કંઈ બહુ સારી વાત નથી”.

આ લેખક કંઈ ફિલ્મોના ચાહક નથી, પણ સુશાંતની કેટલીક ફિલ્મો જોવા મળી હતી. છિછોરેમાં તેની ભૂમિકા અને ખાસ તો એમ.એસ. ધોનીની બાયોપિકમાં તેને જોયો હતો. બંને ફિલ્મોમાં તેણે પાત્રને બહુ સારી રીતે ભજવ્યું હતું તે જોનારાને તરત ખ્યાલ આવી જાય. તો પછી આવા પ્રતિભાવાન અભિનેતાને આવકારી લેવાના બદલે શા માટે તેને એક કોરાણે ધકેલી દેવાયો? જો ફિલ્મદુનિયામાં માફિયા હોય કે પછી પરિવારવાદ ચલાવનારાની નાનકડી ક્લબ હોય તો તેને ઓળખી લેવી જોઈએ અને તેને જવાબદાર ઠેરવવી જોઈએ. કંગનાએ ઊબા કરેલા મુદ્દા પછી ગંભીર ચર્ચા થવી જોઈએ અને આ દૂષણ દૂર થવું જોઈએ.

બીજું કે સુશાંતનું મોત એળે ના જાય તે માટે બોલિવૂડમાં મોકળાશનું વાતાવરણ આવે અને સૌને સમાન તક મળે તે બહુ જરૂરી છે. તે ત્યારે જ શક્ય બને કે જ્યારે સુશાંત સાથે થયેલા વ્યવહાર સાથે દેશભરમાંથી આ ટોળકી સામે રોષ જાગે. એટલું જ નહિ મૂવીમાફિયા સામેના રોષને એવી ઝુંબેશમાં વાળવો જોઈએ કે પ્રતિભાવાન બહારના નવા કલાકારોને વધુ ને વધુ તક મળે અને તેમને બોક્સ ઓફિસમાં સફળતા મળે.

-એ. સૂર્ય પ્રકાશ, પ્રસાર ભારતના અધ્યક્ષ

ABOUT THE AUTHOR

...view details