નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ સ્માર્ટ ઇન્ડિયા હેકથૉન 2020માં ભાગ લેનારા વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું કે, રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ની જાહેરાત હાલમાં જ આપણા દેશના 21મી સદીના યુવાઓની આકાંક્ષાઓને ધ્યાને રાખીને કરવામાં આવી છે.
મોદીએ શનિવારે કહ્યું કે, સરકાર દ્વારા જાહેર નવી શિક્ષા નીતિમાં ભાર રોજગાર માગતા લોકોને બદલે રોજગાર આપનારાને તૈયાર કરવાનો છે અને દેશમાં શિક્ષાના પ્રયોજન અને વિષય-વસ્તુમાં સુધારણાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સ્માર્ટ ઇન્ડિયા હેકાથૉનના ફિનાલેને સંબોધિત કરતા મોદીએ કહ્યું કે, આ અઠવાડિયાની શરૂઆતમાં જાહેર નવી શિક્ષા નીતિ 2020માં અંતર-વિષય અધ્યયન પર ભાર મુકવામાં આવ્યો છે, જે તે સુનિશ્ચિત કરશે કે, જે શીખવા ઇચ્છે છે તેનું સમગ્ર ધ્યાન તેના પર જ રહે.
તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે, ગરીબોને સારૂં જીવન આપવા માટે જીવનની સુગમતાના લક્ષ્યને હાંસિલ કરવામાં યુવા વર્ગની ભૂમિકા મહત્વની છે.
મહત્વનું છે કે, હેકાથૉન વિશે વડા પ્રધાને શુક્રવારે ટ્વીટ કર્યું હતું, સ્માર્ટ ઇન્ડિયા હેકાથૉન વિચાર કરવા અને કંઇક નવું કરવા માટે એક જીવંત મંચના રુપે ઉભરી આવ્યું છે. સ્વાભાવિક રીતે આ વિશે આપણા યુવા પોતાના નવા વિચારોમાં કોવિડ બાદની દુનિયા સાથે-સાથે આત્મનિર્ભર ભારત બનાવવાની રીતો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
સ્માર્ટ ઇન્ડિયા હેકાથૉનના 2017માં થયેલા પહેલા સંસ્કરણમાં 42,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સંખ્યા 2018માં વધીને એક લાખ અને 2019માં વધીને બે લાખ થઇ હતી. સ્માર્ટ ઇન્ડિયા હેકાથૉન 2020ના પહેલા ભાગમાં સાડા ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.