નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વતંત્ર ભારતના રાજકારણના ઇતિહાસમાં સૌથી લાંબો સમય પદ સંભાળનારા ચોથા વડાપ્રધાન બન્યા છે. જો કોંગ્રેસને બાદ કરવામાં આવે તો મોદી સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા પહેલા વડા પ્રધાન છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીના કુલ 2268 દિવસના કાર્યકાળને પાછળ રાખીને આ ગૌરવ પ્રાપ્ત કર્યું છે. જોકે, પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી ત્રણ વાર વડા પ્રધાન બન્યા અને કુલ 2268 દિવસ સુધી તેઓએ વડા પ્રધાનનું પદ સંભાળ્યું હતું. વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો આ બીજો કાર્યકાળ છે અને તેમણે વાજપેયીજીના 2268 દિવસના કાર્યકાળને પાછળ છોડી દીધો છે.
નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી આ પદ સંભાળનારા પહેલા બિન-કોંગ્રેસી વડાપ્રધાન બન્યા
સ્વતંત્ર ભારતના રાજકારણના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાનનું પદ સંભાળનારા નરેન્દ્ર મોદી ચોથા વડાપ્રધાન બન્યા છે.
નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને ત્યારથી તેઓ આ પદ પર રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળી NDAને 2019ની લોકસભાની ચૂંટણીમાં બહુમતી પ્રાપ્ત થતા તેમણે મે 2019માં બીજી વખત વડા પ્રધાન તરીકે કાર્યકાળની શરૂઆત કરી હતી. પીએમ મોદી સતત બીજી વખત બહુમતી મેળવનારા પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યકાળને પાછળ મૂકીને નવો રેકોર્ડ બનાવ્યો છે.
કોંગ્રેસ સિવાયના વડા પ્રધાનોના કાર્યકાળમાં, મોરારજી દેસાઈનું નામ નરેન્દ્ર મોદી અને અટલ બિહારી વાજપેયી પછી આવે છે. 1977માં કોંગ્રેસના પરાજય પછી કેન્દ્રમાં મોરારજી દેસાઇના નેતૃત્વમાં જનતા પાર્ટીની સરકારની રચના થઈ. જનતા પાર્ટીના ભાગલા પડ્યા અને તેમની સરકાર પડી ગઇ હતી. નરેન્દ્ર મોદી, અટલ બિહારી વાજપેયી અને મોરારજી દેસાઈને બાદ કરતા, કોંગ્રેસ સિવાયના કોઈ પણ વડા પ્રધાન, વિશ્વનાથ પ્રતાપ સિંહ, ચંદ્રશેખર, એચડી દેવે ગૌડા અથવા ઇંદકુમાર ગુજરાલ પણ એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શકયા નહતા.