નવી દિલ્હીઃ કોરોનાની ચિંતા ચિતા સમાન બનતી જાય છે. જો કે સરકાર દ્વારા આ વાઈરસ સામે લડવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ દરમયિાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લોકોને લોકડાઉનને ગંભીરતાથી લેવાની અપીલ કરી છે.
ગત રોજ એટલે કે, રવિવારે પીએમ મોદીની જનતા કરફ્યૂ અપીલને પ્રજાનું સંપુર્ણ સમર્થન મળ્યું હતું. દેશમાં કોરોનાનો પગપેસારો વધી રહ્યો છે. જેથા કેન્દ્ર સરકાર દ્વારા દેશના અનેક શહેરોમાં લોકડાઉન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હાલ દેશમાં ઘણાં શહેરોમાં લોકડાઉનની સ્થિતિ છે.
લોકડાઉન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી લોકોને થોડુ ગંભીર બનવા માટે જણાવ્યું છે. તેમણે ટ્વિટ કર્યુ છે કે, "લોકડાઉનને કોઈ ગંભીરતાથી નથી લઈ રહ્યું. કૃપા કરી પોતાની જાતને બચાવો, તમારા પરિવારને બચાવો અને નિર્દેશોનું ગંભીરતાથી પાલન કરો. રાજ્ય સરકારને મારી અપીલ છે કે તે નિયમો અને કાનુનોનું પાલન જનતાને કરાવે."
નોંધનીય છે કે, ભારતમાં કોરોના વાઈરસને લીધે અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. તેમજ કુલ પોઝિટિવ કેસનો આંકડો 400ને પાર પહોંચ્યો છે. સૌથી વધુ પોઝિટિવ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે.