બાદમાં નવી દિલ્હી પહોંચશે અને ત્યાં અગત્યનો એવો વેપાર કરાર અને સંરક્ષણ ક્ષેત્રે શસ્ત્રોની ખરીદી માટેના કેટલાક કરારો પણ થશે. બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં ઘણા બધા દ્વિપક્ષી મુદ્દાઓ, તથા બંને દેશોને સ્પર્શતા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. નોંધપાત્ર બાબત એ છે કે ભારત અને અમેરિકા વચ્ચે ઉચ્ચ કક્ષાની 60 પ્રકારની વાટાઘાટો ચાલી રહી છે. તેમાં (વિદેશ અને સંરક્ષણ પ્રધાનો વચ્ચેની) “2+2 પ્રધાન કક્ષાની વાટાઘાટ”નો પણ સમાવેશ થાય છે. ડિસેમ્બર 2019માં આ વાટાઘાટનો દ્વિતિય તબક્કો વૉશિંગ્ટનમાં યોજાયો હતો.
જૂન 2016માં ભારત અને અમેરિકાએ "વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી" માટે સમજૂતિ કરી હતી. અમેરિકાએ ભારતને “મહત્ત્વના સંરક્ષણ સાથીદાર”નો દરજ્જો પણ આપ્યો હતો. અમેરિકાના બીજા નીકટના સાથીઓની લગભગ સમક્ષક આ દરજ્જો છે. 2005 સુધીના 40 વર્ષોમાં ક્યારેય ભારતે અમેરિકામાંથી કોઈ શસ્ત્રો ખરીદ્યા નહોતા. તે પછીના આ 15 વર્ષોમાં અમેરિકા ભારતનું બીજા નંબરનું સૌથી મોટું સંરક્ષણ સાથીદાર બન્યું છે. ભારતને અત્યાર સુધીમાં 18 અબજ ડૉલરથી વધુ મૂલ્યના જુદા જુદા ઉપકરણો અને પ્લેટફોર્મ્સ અમેરિકાએ વેચ્યા છે. આવા વધુ શસ્ત્રો સોદા થવાની તૈયારીમાં છે.
તેથી એવું માનવાનું અઘરું લાગે છે કે 1971માં પ્રેસિડેન્ટ નિક્સને અમેરિકાના નૌકા દળના સાતમાં કાફલાને ભારત તરફ મોકલ્યો હતો. વિમાનવાહક જહાજ યુએસએસ એન્ટપ્રાઇઝની આગેવાની હેઠળનો આ કાફલો બંગાળના અખાત તરફ રવાના કરાયો હતો, જેથી ભારતને ડારી શકાય અને પાકિસ્તાની સેના સામે લડી રહેલા બાંગ્લાદેશી મુક્તિવાહિનીના લડવૈયાઓને સહાય ના કરે. એટલું જ નહિ, તે વખતે અમેરિકાએ નવા નવા મિત્ર બનેલા ચીનને પણ ભારત સામે મોરચો ખોલવા માટે ઉશ્કેરવાની કોશિશ કરી હતી.
મે 1998માં ભારતે અણુ પરિક્ષણ કર્યું તે પછી ભારત સામે પ્રતિબંધો મૂકવાની બાબતમાં અમેરિકાએ જ આગેવાની લીધી હતી. જોકે ભારતના તે વખતના વિદેશ પ્રધાન જશવંત સિંહ અને અમેરિકાના નાયબ મુખ્ય પ્રધાન સ્ટ્રોબ ટેલ્બોટ વચ્ચે 1998થી 2000 સુધીમાં સાત દેશોમાં 14 વાર મુલાકાતો યોજાઈ હતી. તે મુલાકાતોને કારણે ઉલટાની પરિસ્થિતિ બદલાઈ અને સંબંધો સુધારવા માટેની એક નવી તક ઊભી થઈ. માર્ચ 2002માં પ્રમુખ બિલ ક્લિન્ટને પાંચ દિવસ માટેની ભારત મુલાકાત લીધી. 22 વર્ષના ગાળા પછી અમેરિકન પ્રમુખે ભારતની મુલાકાત લીધી હતી અને તેના કારણે ભારત તથા અમેરિકાના સંબંધોમાં નવો વળાંક આવ્યો હતો. ત્યાર પછી બંને દેશોએ પાછું વાળીને જોયું નથી.