નૈના દેવી મંદિર નૈનીતાલ જિલ્લામાં સ્થિત નૈની તળાવની ઉત્તરી કાંઠે આવેલ છે. આ મંદિર 1880માં ભૂસ્ખલન દ્વારા નાશ પામ્યું હતું. તે પછીથી ફરીથી બનાવવામાં આવ્યું હતું. અહીં સતી દેવીના શક્તિ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મંદિરમાં બે નેત્ર છે, જે નૈના દેવીનું પ્રતીક માનવામાં આવે છે. નૈની તળાવ વિશે એવું માનવામાં આવે છે કે શિવજી જ્યારે સતીના મૃતદેહની સાથે આકાશના માર્ગે કૈલાસ પર્વત પર જઈ રહ્યા હતાં. તે સમયે, દેવી સતીના નયન પૃથ્વી પર પડ્યા હતાં, ત્યારથી આ સ્થાનને નૈના દેવી મંદિર કહેવામાં આવે છે.
રાજ્યના જ નહીં પરંતુ, વિશ્વભરના લોકો દર વર્ષે નૈના દેવી મંદિર દર્શન કરવા માટે આવે છે. એવું માનવામાં આવે છે કે નૈના દેવીએ મંદિરમાં હૃદયથી કરેલી પ્રાર્થનાને જરૂર પૂર્ણ કરે છે. તેમ જ આ સ્થળ પર્યટક સ્થળ તરીકે પણ ઓળખાય છે.
પૌરાણિક કથા
આપણે બધા જાણીએ છીએ કે હિમાલયના રાજા દક્ષ પ્રજાપતિની પુત્રી સતીના લગ્ન શિવ સાથે થયા હતાં. જોકે, શિવને દક્ષ પ્રજાપતિ પસંદ નહોતા કરતા પરંતુ, તે દેવતાઓની વિનંતીને ટાળી શક્યા નહીં. તેથી તેની પુત્રી સતીના લગ્ન શિવ સાથે કરાવ્યા હતાં.
એકવાર દક્ષા પ્રજાપતિએ હિમાલયમાં એક પવિત્ર સ્થળ (આજે તેને હરિદ્વાર તરીકે પણ ઓળખવામાં આવે છે) મહાયજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં બધા દેવતાઓને બોલાવવામાં આવ્યા હતાં. પરંતુ, શિવ અને સતીને આમંત્રણ અપાયું ન હતું. જો કે, પિતાની પ્રિય સતીને લાગ્યું કે પિતા તેને બોલાવવાનું ભૂલી ગયા છે. જીદ કરી સતી પિતા દક્ષના ભવ્ય યજ્ઞમાં પહોંચ્યા.
જ્યારે સતી યજ્ઞ સ્થળ પર પહોંચી, ત્યારે તેને સમજાયું કે તેમના પતિ શિવ અને તેના માટે કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી, ત્યારે તેમને સમજાયું કે પિતાજી તેમની અને શિવની યજ્ઞમાં હાજરી માંગતા નથી. જ્યારે દક્ષા પ્રજાપતિની નજર સતી પર પડી ત્યારે તેણે સતીનો તિરસ્કાર કર્યો હતો. ગુસ્સે થઈને સતીએ યજ્ઞમાં પોતાને જ હોમી અને ભસ્મ કરવાનો નિર્ણય કર્યો અને બલિના સ્થળે અગ્નિમાં સમાધી લીધી અને પોતાનો જીવ બલિદાન આપ્યો હતો.
સતીના મૃત્યુથી યજ્ઞ સ્થળ પર ભય ફેલાયો હતો. જ્યારે શિવને સતીના મૃત્યુની ખબર પડી, તે ખૂબ ગુસ્સે થયા અને તેણે દક્ષ પ્રજાપતિને મારી નાખવા તેમના ગણને આદેશ આપ્યો. શિવગણોએ યજ્ઞના સ્થળે દક્ષ પ્રજાપતિની સેનાનો નાશ કર્યો. દેવી-દેવતાઓની પ્રાર્થનાઓ પર મહાદેવે દક્ષને જીવન દાન આપ્યું હતું.
સતીના સળગી ગયેલા શરીરને જોઈને વૈરાગ્ય વધ્યો અને તેમણે સતીના દાઝેલા શરીરને ખભા પર મૂકી આકાશની પરીક્રમાં કરવાનું શરુ કર્યું. એવું કહેવામાં આવે છે કે શિવની આ સ્થિતિ જોઈને ભગવાન વિષ્ણુએ સતિના શરીરને તેના સુદર્શન ચક્રથી કાપી નાખ્યું હતું. આવી પરીસ્થિતિમાં સતીના અંગ પૃથ્વી પર જ્યાં-જ્યાં પડ્યા ત્યાં તેમને શક્તિપીઠ કહેવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે સતીનો નયન નૈનીતાલમાં પડ્યા હતાં. નયનના આંશુએ એક તળાવનું રૂપ લીધું, ત્યારથી શિવ પત્ની સતી અહીં નૈનાદેવી તરીકે પૂજાય છે.