નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના 'સરેન્ડર મોદી' વાળા ટ્વીટ પર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પલટવાર કર્યો છે. ઉત્તર પ્રદેશ જનસંવાદ વર્ચ્યુઅલ રેલીને સંબોધિત કરતા જેપી નડ્ડાએ કહ્યું કે, નરેન્દ્ર મોદી જ 'Surender Modi' છે એટલે તે નરોના જ નેતા નહીં પરંતુ સુરો (દેવતાઓ)ના પણ નેતા છે. હવે તો ઇશ્વર પણ કોંગ્રેસની સાથે નથી. કોંગ્રેસે ભગવાનની ભાષા સમજવી જોઇએ.
બીજેપી અધ્યક્ષે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી સૈનિકોના મનોબળ તોડવા માટે દિવસ-રાત કામ કરી રહી છે. અમે તો કોંગ્રેસને નથી પૂછી રહ્યા કે, યૂપીએના સમયમાં ચીને આપણી કેટલી જમીન લીધી હતી. અમે એ પણ નથી પૂછી રહ્યા કે, તમારા શાસનમાં બોર્ડરમાં કેટલી કિલોમીટરના રસ્તાઓ બન્યા હતા.
તેમણે કહ્યું કે, 2014-19 સુધી બોર્ડર ક્ષેત્રમાં લગભગ 98 ટકા રસ્તાઓ બનીને તૈયાર થયા છે. હું દેશને આશ્વાસન આપતા સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગુ છું કે, પીએમ મોદીના નેતૃત્વમાં એક-એક ઇંચ દેશની ધરતી અને બોર્ડર સુરક્ષિત અને મજબૂત છે.