મુંબઈ: મહારાષ્ટ્રના નાંદેડમાં એક આશ્રમમાં સાધુની હત્યા કર્યાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જોકે, હજુ સુધી હત્યાના કોઈ કારણો બહાર આવ્યા નથી.
મહારાષ્ટ્રના નાંદેડમાં આશ્રમમાં સાધુની કરાઈ હત્યા મળતી માહિતી મુજબ નાંદેડના નાંગથણા મઠ ખાતે બાળ સંન્યાસી રૂદ્ર પશુપતિનાથની હત્યા કરવામાં આવી હતી. મઠમાં રહેતા અન્ય એક વ્યક્તિની પણ હત્યા કરવામાં આવી હોવાના અહેવાલ છે.
આ બનાવ સંદર્ભે નાંદેડના પોલીસ અધિક્ષક વિજયકુમાર મગરએ જણાવ્યું છે કે, મૃતક સાધુ અને હત્યાના આરોપી બંને એક જ સમુદાયના છે. હત્યા કેસમાં કોઈ સાંપ્રદાયિક પાસું સામે આવ્યું નથી.
આ પહેલા 16 એપ્રિલના રોજ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ગામલોકોના એક જૂથે ચોર હોવાની શંકાના આધારે ત્રણ લોકોને કારમાંથી ખેંચી લાવ્યા હતા અને તેમની હત્યા કરી હતી. ત્રણેય વ્યક્તિ એક વ્યક્તિની અંતિમ વિધિમાં ભાગ લેવા માટે મુંબઇથી ગુજરાતની સુરત જઈ રહ્યા હતા.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે, ઘટનાની માહિતી મળતાં વહેલી તકે પહોંચેલા પોલીસકર્મીઓ પીડિતોને બચાવી શક્યા નહીં કારણ કે, હુમલાખોરોની સંખ્યા ઘણી વધારે છે. અને ટોળાએ પોલીસના વાહનમાં પણ પીડિતોને માર માર્યો હતો.
કાસા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આનંદરાવ કાળેએ જણાવ્યું હતું કે, આ ભયાનક ઘટના ગુરુવારે (16 એપ્રિલ) સવારે 9.30 થી રાત્રે 10 વાગ્યાની વચ્ચે બની હતી.
પાલઘરમાં તેમની કાર પર હુમલો થયો હતો અને આ હુમલામાં 70 વર્ષીય ચિકાણે મહારાજ કલ્પવૃક્ષ, 35 વર્ષીય ગિરિ સુશીલ ગિરી મહારાજ અને 30 વર્ષીય કારના ચાલક નિલેશ તેલગડેને હિંસક ટોળાએ માર માર્યો હતો.