મુંબઇ: મુંબઇ, થાણે અને પાલધરમાં બુધવારે ભારે વરસાદથી ટ્રેન અને બસ સેવાઓ પ્રભાવિત થઈ હતી. ખરાબ હવામાનને કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું હતું. આ સાથે હવામાન વિભાગે ગુરુવાર સવાર સુધી મુશળધાર વરસાદની આગાહી કરી હતી.
મુંબઇમાં અતિ ભારે વરસાદ, PM મોદીએ CM ઠાકરે સાથે કરી વાતચીત
મુંબઇ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદ થવાથી રેલ્વે ટ્રેક અને રસ્તાઓ પર પાણી ફળી વળ્યાં છે. જેના કારણે લોકલ ટ્રેન અને બસ સેવાઓ ખોરવાઈ ગઇ છે.
મુંબઇના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના સમાચાર મળ્યા હતાં. મુંબઇને અડીને આવેલા કાશીમીરા બ્રિજ પાસે હજી પાણી ભરાયા હોવાના કારણે વસઈ, નાલાસોપારાથી મુંબઇ જતા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઇ ગયા હતાં.
આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરીને તેમને પૂરેપૂરી મદદનું આશ્વાસન આપ્યું હતું. જ્યારે રાયગઢ, પાલઘર, થાણેમાં હજુ પણ ભારે વરસાદ થવાની સંભાવના છે, ત્યારે રત્નાગીરી, સિંધુદુર્ગ, પુણે, કોલ્હાપુર અને સાતારા જિલ્લામાં માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે.