ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઈ કોઇની માલિકીનું નથી: અભિનેત્રી કંગના રનૌત

શિવ સેનાએ અભિનેત્રી કંગના રનૌતને ધમકાવવાની કોશિશ કરી અને તેની ઓફિસના ગેરકાયદેસર ગણાવાયેલા બાંધકામને તોડી પડાયું, તેની લોકશાહી પ્રણાલીમાં વિશ્વાસ રાખનારા સૌએ ટીકા કરી છે. શિવસેનાએ કહેવાનો પણ સમય છે કે તે કંઈ મુંબઈની માલિક નથી અને એન્ટ્રી માટે કંઈ વીઝા લેવાની વાત કોઈ ભારતીય ચલાવી નહિ લે, મુંબઈ ભારતનું છે.

કંગના રનૌતમુંબઈ ભારતનું છે
MUMBAI મુંબઈ ભારતનું છેBELONGS TO INDIA

By

Published : Sep 22, 2020, 1:40 PM IST

Updated : Sep 22, 2020, 2:31 PM IST

હૈદરાબાદ :શિવ સેનાએ અભિનેત્રી કંગના રનૌતને ધમકાવવાની કોશિશ કરી અને તેની ઓફિસના ગેરકાયદેસર ગણાવાયેલા બાંધકામને તોડી પડાયું, તેની લોકશાહી પ્રણાલીમાં વિશ્વાસ રાખનારા સૌએ ટીકા કરી છે. શિવસેનાએ કહેવાનો પણ સમય છે કે તે કંઈ મુંબઈની માલિક નથી અને એન્ટ્રી માટે કંઈ વીઝા લેવાની વાત કોઈ ભારતીય ચલાવી નહિ લે, મુંબઈ ભારતનું છે.

ગેરકાયદેસર બાંધકામ થયું છે તેના માટેની નોટીસ આપીને ફક્ત 24 કલાકમાં જ કંગનાની પાલી હીલમાં આવેલી ઓફિસનું બાંધકામ તોડી પડાયું હતું. તે પહેલાં પક્ષના નેતાઓ અને ગુંડાઓએ તેમને ધમકીઓ પણ આપી હતી અને વતન હિમાચલ પ્રદેશથી મુંબઈ આવશો તો જોવા જેવી થશે તેવી ચેતવણી પણ આપી હતી. આવી ધમકીની ભાષામાં વાત કરવામાં રાજ્યના ગૃહપ્રધાન પણ હતા. તે સિવાય પક્ષના નેતાઓએ તેના વિશે ખરાબ ભાષામાં નિવેદનો આપ્યા હતા. જો ભારત આવું ચલાવા લેવા માગતો હોય તો લોકશાહીને અલવિદા કરવી પડશે અને ગુંડા રાજને સ્વીકારવું પડશે.

હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરે યોગ્ય રીતે જ કંગનાનો પક્ષ લીધો હતો અને કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારનું વલણ નિંદાને પાત્ર છે. હિમાચલની બેટીનું આવું અપમાન ચલાવી નહિ લેવાય એમ તેમણે કહ્યું હતું.
શિવ સેનાને તંત્રની તાકાત કામે લગાવી અને પક્ષના ગુંડાઓએ ધમકીઓ આપી તે પછી હિમાચલ પ્રદેશ સરકારે કેન્દ્રને વિનંતી કરી હતી કે તે મુંબઈ પરત ફરે ત્યારે તેને “Y Plus” કેટેગરીની સુવિધા આપવી.

આના પરથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને સાવચેત થઈ જવું જોઈએ કે આગળ શું થઈ શકે છે. બીજા રાજ્યોના નાગરિકો પ્રત્યે શિન સૈનિકોનું આવું વર્તન કોઈ હવે સ્વીકારી લેશે નહિ.

મુંબઈ હાઈ કોર્ટે યોગ્ય રીતે જ બીએમસીને ઠપકો આપ્યો અને બાંધકામ તોડી પડાયું તેને ટીકાપાત્ર ગણ્યું હતું. અદાલતે કહ્યું કે કોર્પોરેશનની કાર્યવાહીમાં બદઈરાદો દેખાઈ આવે છે. કોર્ટે કહ્યું કે જેને ગેરકાયદે બાંધકામ કહેવાયું તે કંઈ રાતોરાત ઊભું થયું નહોતું. અચાનક તંત્ર નિંદ્રામાંથી જાગ્યું અને નોટીસ આપી દીધી અને માત્ર 24 કલાકનો જ સમય આપ્યો.

આ દર્શાવે છે કે કોર્પોરેશનનો બદઈરાદો હતો એમ જણાવીને કોર્ટે ઉમેર્યું કે તેના વકીલ પણ સમયસર હાજર થયા નહોતા અને મ્યુનિસિપલ કમિશનરનો ફોન સતત બંધ આવતો હતો. આ દરમિયાન બાંધકામ દૂર કરવાની કામગીરી ચાલતી રહી હતી. શું બીજા આવા જ ગેરકાયદે બાંધકામો સામે મહાપાલિકા આટલી ત્વરા સાથે કામ કરશે એવો કટાક્ષ પણ કોર્ટે કર્યો હતો.

કોર્ટે તેના 9 સપ્ટેમ્બરના આદેશમાં કોર્પોરેશનના પ્રયાસોની નોંધ લીધી છે અને જણાવ્યું કે આમાં તંત્રનો અહંકાર અને કોર્ટ તરફની અવમાનના દેખાય છે.

શિવ સેનાને એ જણાવવું જરૂરી છે કે મુંબઈ તેની માલિકીની નથી. તેઓ બહુ વર્ષોથી ભ્રમમાં છે. હકીકતમાં મરાઠી ભાષી રાજ્યની રચના માટેનું આંદોલન શરૂ થયું હતું ત્યારથી જ નગરને કેન્દ્ર શાસિત બનાવવા માટેની માગણી થઈ હતી. મરાઠીઓ જેટલો જ અધિકાર મુંબઈ પર ધરાવતા ગુજરાતીઓ અને અન્યોએ ત્યારે બોમ્બે કહેવાતા શહેરને કેન્દ્ર શાસિત પ્રદેશ રાખવાની માગણી કરી હતી. ત્યારથી જ મુંબઈની વસતિ પચરંગી રહી છે અને શિવ સેના દ્વારા ગમે તેવા સંકુચિત પ્રયાસો છતાં મુંબઈનો આંતરરાષ્ટ્રીય મિજાજ આગવો જ રહ્યો છે.

શહેર કોસ્મોપોલિટન છે તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર શાસિત પ્રદેશ માટેની માગણી થઈ હતી. ગુજરાત રિસર્ચ સોસાયટીના પ્રમુખે 1948માં ભાષાવાર પ્રાંત રચના માટેના પંચ સમક્ષ એક આવેદનપત્ર રજૂ કર્યું હતું. તેમાં “મહા ગુજરાતની ભાષાકીય સરહદો”ની વાત કરીને તેમણે માગણી કરી હતી કે મરાઠી ભાષાની રચના થાય ત્યારે મુંબઈનો વહિવટ કેન્દ્ર સરકારના હાથમાં હોવો જોઈએ.

આવેદનપત્રમાં જણાવાયું હતું કે “મુંબઈ શહેર, તેનું બંદર અને પરા અલગ પ્રાંત બનાવીને તેને કેન્દ્ર સરકાર હેઠળ રાખવા જોઈએ. મુંબઈ સમગ્ર ભારતનું મહાનગર રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય અભિગમ ધરાવે છે અને તેનું બિનપ્રાંતીય આગવું કલ્ચર છે. તેમાં ભારતના બધા જ પ્રાંતના લોકો આવીને વસ્યા છે અને તેમાં વિદેશીઓની પણ ભૂમિકા છે.તેથી મુંબઈ જેવા બંદરને મહારાષ્ટ્ર પ્રાંતમાં જોડવું જોઈએ નહિ, કે જેની રચના ભાષાકીય ધોરણે થઈ રહી છે."

આજે પણ આ લાગણી સુસંગત છે. મુંબઈ સંકુચિત અને જડ પ્રકારના શિવ સેના જેવા રાજકીય પક્ષોના નેતાઓનું નથી.

શિવ સેના કંગનાને મુંબઈ, મહારાષ્ટ્ર અને મરાઠી લોકો પ્રત્યે ધિક્કાર કરનારી તરીકે ચીતરી રહ્યા છે. આ પાયા વિનાની વાત છે. કંગનાએ માત્ર શિવ સેનાની ટીકા કરી હતી. ભારતના સૌથી ઉદાર શહેરને શિવ સેના ધિક્કારના સંકુચિત શહેરમાં ફેરવી રહી છે તે બદલ ટીકા કરી હતી.

ભારતના લોકો ક્યારેય મુંબઈની કૂંચી શિવ સેનાને નહિ આપે. માત્ર સેના જ કંઈ છત્રપતિ શિવાજીનો વારસો ધરાવનારો પક્ષ નથી. દુનિયાભરના ભારતીયો શિવાજીને ભારતીય રાષ્ટ્રવાદના નાયક તરીકે જુએ છે. તેમની વીરતા બદલ ભારતીયોને ગૌરવ છે. શિવ સેના તેમના વારસાને સુવાંગ કરી લેવા પ્રયાસો કરે છે તેનો વિરોધ થવો જોઈએ.

શિવ સેનાના નેતાઓ કહે છે કે મુંબઈએ ફિલ્મજગતના સીતારાઓને લોકપ્રિયતા આપી છે. આ નેતાઓ એ ભૂલી જાય છે કે આ લોકોએ મુંબઈને શું આપ્યું છે. વેપાર, ઉદ્યોગ, મનોરંજન સહિતના ક્ષેત્રોને કારણે મુંબઈ કેન્દ્ર બન્યું છે અને લોકોએ તેને પોતાનું ઘર બનાવ્યું છે. રોકાણકારોએ અહીં અબજોનું રોકાણ કર્યું છે અને લાખોને રોજગારી આપી છે.

ભારતભરમાંથી લોકો મુંબઈ પોતાનું સપનું પૂરું કરવા આવે છે. તેના કારણે જ આજનું મુંબઈ બન્યું છે. ગુજરાતીઓને બાકાત કરો તો મુંબઈના વેપાર ઉદ્યોગમાં શું બચે? અથવા તો પંજાબીઓ વિના બોલીવૂડ કેવું હોય? શિવ સેનાએ પોતાના વલણ વિશે વિચારવું પડશે, નહિ તો સમગ્ર દેશમાં તેનો વિરોધ થશે.

બાલાસાહેબ ઠાકરેના જમાનામાં ભારતીય રાષ્ટ્રવાદની નીતિ ધરાવતી શિવ સેનાની આજની સ્થિતિ જોઈને તેની આબરૂ ખરાબ થઈ છે અને પોતાને માત્ર 'સોનિયા સેના' બનાવીને રાખી દીધી છે. સેના સંયમ રાખતા નહિ શીખે તો વધુ રાજ્યો અને મુખ્ય પ્રધાનો તેની ટીકા કરતા થશે. ભારત માતા ક્યારેય પોતાના મુકુટના રાજમણી મુંબઈને ખોટા લોકોના હાથમાં પડવા દેશે નહિ.

- એ. સૂર્ય પ્રકાશ

Last Updated : Sep 22, 2020, 2:31 PM IST

ABOUT THE AUTHOR

...view details