વધુ કેન્દ્રો, ક્લાસમાં ઓછા પરીક્ષાર્થીઓ, 13 સપ્ટેમ્બરથી NEETની પરીક્ષા માટેની NTAની તૈયારીઓ - નેશનલ એલિજીબિલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ JEE Main પરીક્ષાઓ પૂર્ણ કર્યા બાદ હવે મેડિકલમાં પ્રવેશ માટેની NEET પરીક્ષા લેવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. 13 સપ્ટેમ્બરથી શરૂ થનારી આ પ્રવેશ પરીક્ષા માટે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે.
એન્જિનિયરિંગ કૉલેજીસમાં પ્રવેશ માટેની પહેલી સપ્ટેમ્બરે શરૂ થયેલી જૉઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE Main) રવિવારે પૂર્ણ થઈ ગઈ છે.
કોવિડ-19ને ધ્યાનમાં રાખીને બે વાર મુલતવી રખાયા પછી હવે સપ્ટેમ્બરના મહિનામાં આ બંને અગત્યની પ્રવેશ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે.
NTAના અધિકારીઓના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાંથી 15.97 વિદ્યાર્થીઓએ નેશનલ એલિજીબિલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. JEE પરીક્ષા લેવાઈ તેનાથી જુદી રીતે આ પરીક્ષામાં પેપરો લખવાના રહેશે.
પરીક્ષાર્થીઓને એક બીજાથી દૂર દૂર બેસાડી શકાય તે માટે NTA તરફથી પરીક્ષા કેન્દ્રોની સંખ્યા 2,546થી વધારીને 3,843 કરી દેવામાં આવી છે. અગાઉ એક ક્લાસમાં 24 પરીક્ષાર્થીઓ બેસાડાતા હતા, તે અડધા કરીને ક્લાસ દીઠ માત્ર 12ને બેસાડાશે.
"પરીક્ષા કેન્દ્રની બહાર પણ સામાજિક અંતર જાળવી રાખવા માટે પરીક્ષાઓના આગમન અને નિર્ગમન માટે અલગ અલગ સમય રખાયો છે. કેન્દ્રમાં પ્રવેશ મેળવતા પહેલાં બહાર લાઈનમાં ઊભા રહેવું પડે ત્યાં પણ દૂર દૂર ઊભા રહી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે," એમ NTAના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું.
"ઉમેદવારોને પણ માર્ગદર્શિકા અપાઈ છે અને યોગ્ય અંતર જાળવા રાખવા માટે શું કરવું, શું ના કરવું તેની સૂચનાઓ અપાઈ છે. અમે રાજ્ય સરકારોને પણ લખ્યું છે કે વિદ્યાર્થીઓને આવનજાવનમાં સરળતા રહે અને સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાય તેવી વ્યવસ્થા કરવી," એમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ વખતે હાથ સ્વચ્છ કરવા માટે સેનેટાઇઝર્સ રખાશે અને અંદરની બાજુમાં પણ સેનેટાઇઝર્સ ઠેર ઠેર સતત રાખવામાં આવશે. પ્રવેશ પત્રોની ચકાસી હાથથી કરવાના બદલે બાર કોડથી કરાશે, પરીક્ષાના કેન્દ્રોની સંખ્યા પણ વધારવામાં આવી છે અનેવચ્ચે એક એક બેન્ચ છોડીને પરીક્ષાર્થીઓને બેસાડવામાં આવશે, અને વારાફરતી પ્રવેશ અને બહાર જવાની વ્યવસ્થા સહિતના પગલાં લેવાયાં છે.
"બધા ઉમેદવારોને માસ્ક અને સેનેટાઇઝર્સ સાથે કેન્દ્રો પર આવવા જણાવાયું છે, પરંતુ અંદર પહોંચ્યા પછી કેન્દ્ર તરફથી આપવામાં આવેલા નવા માસ્ક વાપરવાના રહેશે. દરેકને થ્રી-પ્લાય માસ્ક અપાશે, જે તેમણે પેપર લખતી વખતે પહેરી રાખવાના રહેશે," એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઓડિશા, મધ્ય પ્રદેશ અને છત્તિસગઢમાં રાજ્ય સરકારોએ વિદ્યાર્થીઓ માટે વાહનોની વ્યવસ્થા કરવાની જાહેરાત કરી છે. બીજી બાજુ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી (IIT) એલ્યુમનાઇ અને વિદ્યાર્થી જૂથોએ એક પોર્ટલ પણ શરૂ કર્યું છે, જેથી જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને કેન્દ્ર સુધી જવા વાહન મળી રહે.
કોલકાતા મેટ્રો રેલવે 13 સપ્ટેમ્બરના રોજ NEET પરીક્ષાર્થીઓ માટે વિશેષ ટ્રેનો દોડાવવા માટેનું આયોજન કરી રહી છે.
"પરીક્ષાર્થી અને તેમના વાલીને એડમિટ કાર્ડ બતાવીને ટ્રેનમાં પ્રવાસ કરવા માટેની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવી રહ્યું છે," એમ મેટ્રો રેલવેના જનરલ મેનેજર મનોજ જોષીએ જણાવ્યું હતું.
કોવિડ-19નો ચેપ હજીય ફેલાઈ રહ્યો છે ત્યારે આ પરીક્ષાઓ રદ કરવા માટેની માગણી થઈ રહી હતી.
આ બંને પરીક્ષાઓ મુલતવી રાખવા માટે સર્વોચ્ચ અદાલતમાં પણ અરજી થઈ હતી, પણ તે નકારી દેવામાં આવી છે. અદાલતે જણાવ્યું કે વિદ્યાર્થીઓને એક "કિમતી વર્ષ" બગાડી ના શકાય અને સંકટ વચ્ચે પણ જીવનને ચાલતું રાખવું પડે.
કોંગ્રેસના રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી, ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક, ડીએમકેના પ્રમુખ એમ. કે. સ્ટાલિન અને દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાએ પરીક્ષાઓને મુલતવી રાખવા માટેની માગણી કરી હતી.
તેમની સાથે રાજસ્થાન અને પંજાબના કોંગ્રેસના નેતાઓ, ઝારખંડ મુક્તિ મોરચાના તથા મહારાષ્ટ્રમાંથી એનસીપી અને શિવસેનાના નેતાઓ તરફથી પણ ભારે વિરોધ થયો હતો.
આ નેતાઓ તરફથી પણ JEE અને NEET UG 2020 પરીક્ષાઓ અટકાવવા માટે સર્વોચ્ચ અદાલતમાં રિવ્યૂ પિટિશન કરવામાં આવી હતી. જોકે તેમની અરજીને સુપ્રીમ કોર્ટે કાઢી નાખી હતી.