નવી દિલ્હી: સરકારના એક ટોચના અધિકૃત્ત સ્રોતે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે “આ માટેની કાર્યવાહી શરૂ પણ થઈ ગઈ છે અને આ કાર્ય માટે મિલિટરી ટ્રેઇન એમ્બ્યુલન્સને તૈયાર કરી દેવામાં આવી છે.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે રાષ્ટ્રને સંબોધન કરીને દેશભરમાં સંચારબંધી લાગુ કરવા માટેની જાહેરાત કરી હતી. તે વખતથી જ બધી જ પેસેન્જર ટ્રેનોને અટકાવી દેવામાં આવી હતી. આ બધી ટ્રેનો દેશમાં જુદા જુદા સ્ટેશનોએ અત્યારે એમ જ પડેલી છે. તેને સારવારમાં ઉપયોગમાં લેવા માટે નક્કી કરાયું છે અને તેમાંથી AC 2 ટાયર ડબ્બાઓને પસંદ કરવામાં આવ્યા છે.
જાણકાર વર્તુળોના જણાવ્યા અનુસાર “આ માટે જરૂર હોય છે AC 2 ટાયર કોચની, જેમાં થોડા ફેરફારો કરી દેવામાં આવે અને અંદર આઇસીયુ તૈયાર કરવા માટે વેન્ટિલેટર્સ વગેરે ઉપકરણો લગાવી દેવામાં આવે. આવા ડબ્બા જોડીને તૈયાર થયેલી ટ્રેન હરતીફરતી હોસ્પિટલ અથવા તો આઇસોલેશન વૉર્ડ તરીકે કામ કરી શકે. ચેપ લાગ્યો હોય તેવા દર્દીઓ સાજા થાય ત્યાં સુધી આવા ટ્રેનમાં અલગથી રાખી શકાય.”
“આવી ટ્રેન હોસ્પિટલનો બીજો ફાયદો એ કે જે વિસ્તારમાં ચેપ લાગેલા દર્દીઓની સંખ્યા બહુ વધી ગઈ હોય ત્યાં પણ મોકલી શકાય. ક્વૉરેન્ટાઇ કરવાની સગવડતા ના હોય ત્યાં મોકલી શકાય. ભારતીય ટ્રેનનું નેટવર્ક લગભગ આખા દેશમાં ફેલાયેલું છે, તેથી તે પણ ફાયદામાં છે,” એમ જાણકાર અધિકારીએ ઉમેર્યું હતું.
બધી જ ટ્રેનો ભારતીય રેલવે અને ભારતીય સરકારની માલિકીની જ છે. મિલિટરી એમ્બ્યુલન્સ તરીકે વપરાતા કોચ સિવાય, ભારતીય રેલવે અત્યારે 13,452 જેટલી પેસેન્જર ટ્રેનો ચલાવે છે. દેશભરમાં 7,350 રેલવે સ્ટેશનો વચ્ચે ફેલાયેલું રેલ નેટવર્ક 1,23,200 કિલોમિટર સુધી ફેલાયેલું છે. એક જ ટ્રેનમાં મોટી સંખ્યામાં દર્દીઓને રાખી શકાય.