નવી દિલ્હીઃ 15 દિવસ કરતાં વધુ સમયમાં પેટ્રોલ ને ડીઝલના છૂટક ભાવો સતત વધારવાના ઓઇલ માર્કેટિંગ કંપનીઓના નિર્ણયે ભારે ટીકાનો સામનો કરવો પડ્યો છે, પરંતુ વાસ્તવમાં પેટ્રોલ અને ડીઝલના ઊંચા છૂટક ભાવોથી જો કોઇને સૌથી વધુ ફાયદો થયો હોય, તો તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો છે.
મુખ્યત્વે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવો અનુસાર પેટ્રોલ અને ડીઝલની છૂટક ભાવોમાં ફેરફાર કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ આ બે કોમોડિટીના કુલ છૂટક ભાવોમાંથી માત્ર એક તૃત્યાંશ હિસ્સો ઓઇલ કંપનીઓને મળે છે, જ્યારે બે તૃત્યાંશ ભાગ કેન્દ્રીય અને રાજ્યના કરવેરાના સ્વરૂપમાં સરકારી તિજોરીમાં જાય છે. છેલ્લા પાંચ વર્ષોમાં સરકારી તિજોરીમાં ઓઇલ સેક્ટરનું યોગદાન 66 ટકા જેટલું વધી ગયું છે અને નાણાંકીય વર્ષ 2019-20માં કેન્દ્ર અને રાજ્યોએ રૂ. 5.5 લાખ કરોડ કરતાં વધુ રકમ મેળવી હતી.
આવકમાં થયેલી આ વૃદ્ધિનો સૌથી મોટો લાભ કેન્દ્રને થયો છે, કારણ કે આ સમયગાળા દરમિયાન ઓઇલ સેક્ટરથી તેને થતી આવક લગભગ બમણી થઇ ગઇ છે, જ્યારે રાજ્યની મહેસૂલ ઉઘરાણીમાં 38 ટકાનો વધારો થયો છે.
તાજેતરના સત્તાવાર આંકડા અનુસાર, 2014-15 અને 2019-20 વચ્ચેના સમયગાળામાં પેટ્રોલિયમ સેક્ટર થકી કેન્દ્ર અને રાજ્યોને થતી કુલ આવક રૂ. 3.33 લાખ કરોડથી 66 ટકાના વધારા સાથે રૂ. 5.55 લાખ કરોડ થઇ ગઇ છે.
વડપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ ટર્મ દરમિયાન ક્રૂડ ઓઇલના નીચા ભાવોને કારણે કેન્દ્ર સરકારે પોતાની આવક વધારવા માટે પેટ્રોલિયમ પરની એક્સાઇઝ ડ્યૂટી વધારી દીધી હતી. 2014-15માં કેન્દ્ર સરકારને ઓઇલ સેક્ટરમાંથી રૂ. 1.72 લાખ કરોડની મહેસૂલ ઉઘરાણી તથા આવક થઇ હતી, જે 2019-20માં 94 ટકા વધીને રૂ. 3.34 લાખ કરોડ નોંધાઇ હતી.
2014-15માં કેન્દ્રએ પેટ્રોલિયમ સેક્ટરમાંથી રૂ. 1.72 લાખ કરોડ મેળવ્યા હતા. તેમાંથી રૂ. 1.26 લાખ કરોડ મહેસૂલપેટે અને રૂ. 46 હજાર કરોડ ઓઇલ કંપનીઓ પાસેથી ડિવિડન્ડ, કોર્પોરેટ ટેક્સ તથા ઓઇલ અને ગેસના એક્સપ્લોરેશનમાંથી અન્ય નફા સ્વરૂપે મેળવ્યા હતા.