નવી દિલ્હીઃ તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદના કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. વરસાદના કારણે બંને રાજ્યોમાં પૂરની સ્થિતિ ઉદ્ભવી છે. આ મામલાની ગંભીરતા જોતા બુધવારે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, ગૃહ મંત્રાલય ભારે વરસાદને ધ્યાનમાં લઈને તેલંગાણા અને આંધ્ર પ્રદેશની સ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે. મોદી સરકાર આવા સમયે બંને રાજ્યોના લોકોને તમામ પ્રકારની સહાયતા ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. મારા વિચાર અને પ્રાર્થના અસરગ્રસ્તો સાથે છે.
છેલ્લા ત્રણ દિવસથી આવતા ભારે વરસાદે તેલંગાણા અને આંધ્રપ્રદેશના જનજીવન ઠપ્પ કરી દીધું છે અને અહીં પૂરની સ્થિતિ સર્જાઈ ચૂકી છે. બંને રાજ્યોના કેટલાક જિલ્લાઓ પાણીમાં ભરાઈ ગયા છે. આથી અત્યાર સુધી બંને રાજ્યોમાં 35 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. જ્યારે વરસાદના કારણે હૈદરાબાદ બેટમાં ફેરવાઈ ગયું છે. અત્ર તત્ર સર્વત્ર એટલે કે ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. એનડીઆરએફ અને ભારતીય સેનાની ટીમ અહીં રેસ્ક્યૂ માટે પહોંચી છે.