ન્યૂઝ ડેસ્ક: રોગચાળાના કારણે શ્રમ બજારને અભૂતપૂર્વ આઘાત લાગ્યો છે. ઘર-વાસથી લગભગ તમામ આર્થિક પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ છએ. પરંતુ આ પિરામીડના તળિયે સૌથી વધુ અસર ખાસ તો પ્રવાસી શ્રમજીવીઓને થઈ છે.
રોગચાળાના લીધે નોકરીઓ અને અનૌપચારિક ક્ષેત્રના કામદારોને વ્યાપક નુકસાની થઈ છે. માર્ચમાં બેરોજગારી 8.4 ટકા હતી તે એપ્રિલ અને મે 2020માં વધીને 27 ટકા થઈ છે. 12.2 કરોડ નોકરીઓનું નુકસાન છે. આ બધા પૈકી નાના વેપારીઓ અને છૂટક શ્રમજીવીઓ (દહાડિયા)ઓએ 9.1 કરોડ નોકરીઓ ગુમાવી છે.
દેશના અનેક ભાગમાં જૂનથી ઘર-વાસ (લૉક ડાઉન) હટાવાતાં, કેટલીક હદે અર્થતંત્ર અને આજીવિકા સુધર્યાં છે પરંતુ ભારતના અન્ય કેટલાક ભાગો હજુ પણ ઘર-વાસ હેઠળ છે. રોગચાળાની અવધિ અને પ્રસાર હજુ પણ અનિશ્ચિત છે. ગ્રામીણ અર્થતંત્રનું પ્રદર્શન અગત્યનું છે કારમકે કુલ વસતિના 70 ટકા અને કાર્યદળ ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. તેમની ખરીદ શક્તિમાં વધારો થાય તે સંપૂર્ણ અર્થતંત્રના માલ અને સેવાની માગણી ઊભી કરવા માટે મહત્ત્વનું છે.
ગ્રામીણ વિસ્તારોમાં કૉવિડ-૧૯ની વિપરીત અસર શહેરી વિસ્તારો કરતાં ઓછી છે. એવા અહેવાલો પણ છે કે ઘર-વાસ પછી ગ્રામીણ અર્થતંત્ર બેઠું થઈ રહ્યું છે. એ વાત સાચી છે કે ભારતીય અર્થતંત્ર માટે રક્ષણહાર હવે કૃષિ ક્ષેત્રનું પ્રદર્શન જ છે. નાણાકીય વર્ષ 21માં, કૃષિ જીડીપી 2.5થી 3 ટકાના દરે વધે તેવી અપેક્ષા છે. જોકે એકંદર અર્થતંત્ર માટે જીડીપી પાંચથી આઠ ટકા ઘટી શકે છે. સામાન્ય ચોમાસાના કારણે ભારતમાં ખરીફ અને રવી બંને ઋતુઓમાં મબલખ પાક થાય તેવી સંભાવના છે. જોકે, મબલખ પાકથી ખેતીનાં ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થઈ શકે છે. ખેડૂતો માટે વધુ ભાવ મેળવવા પૂરવઠા શ્રૃંખલાની સમસ્યાઓનો ઉકેલ લાવવો પડશે.
કૃષિ ક્ષેત્ર ગ્રામીણ વિસ્તારોમાં કથાનો એક હિસ્સો જ છે. બિનકૃષિ ક્ષેત્ર પણ સમય સાથે વધી રહ્યું છે. એફએમસીજી, ટ્રેક્ટર અને દ્વિચક્રીય વાહનોની માગણી ગ્રામીણ વિસ્તારોમાં વધી છે. જોકે આ ગ્રામીણ પુનર્જીવન એ વધુ પડતું ચગાવાઈ પણ રહ્યું છે કારણકે પૂર્ણ ઘર-વાસ પછી તેમાં માગ ઘટી છે. ઓછી રોકડ, ઓછી ગ્રામીણ મજૂરી અને આવકના કારણે આ માગણી સતત ટકી ન પણ શકે.
પાછા સ્થળાંતરના ભાગ તરીકે ચારથી પાંચ કરોડ શ્રમજીવીઓ ગ્રામીણ વિસ્તારોમાં પાછા ગયા છે. આ શ્રમજીવીઓ અને અન્ય ગ્રામીણ કામદારોને રોજગારી પૂરી પાડવી પડશે. જાહેર કામોનો કામદારો માટે સુરક્ષા જાળ તરીકે ઉપયોગ કરી શકાય છે. ભારતમાં, ઇસવી સન પૂર્વે ચોથી સદીથી, જ્યારે પ્રાચીન ભારતીય રાજકીય અર્થશાસ્ત્રી કૌટિલ્યએ તેમનું અર્થશાસ્ત્ર લખ્યું ત્યારે જાહેર રાહતનાં કામો પર ભાર મૂક્યો છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંયધરી યોજના (MGNREGA) કૉવિડ-૧૯ના સમયગાળા દરમિયાન આ કામદારો માટે રક્ષણહાર હોઈ શકે છે. નરેગાના બીજા લાભો, જેમ કે કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે અસ્ક્યામતોનું સર્જન, મહિલાઓની વધુ સહભાગિતા, હાંસિયામાં ગયેલા વર્ગોને મદદ, હતાશાના કારણે સ્થળાંતર રોકવું, પંચાયતોની સહભાગિતા, વગેરે પણ છે. ઈન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ રિસર્ચએ મહારાષ્ટ્રમાં સર્જાયેલી અસ્ક્યામતો પર કરેલા સંશોધનમાં જાણવા મળ્યું કે કામના 87 ટકા પ્રવર્તમાન છે અને કાર્ય કરે છે અને તેના 75 ટકા નરેગા હેઠળ કૃષિ સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલી છે. 90 ટકા જેટલા અધધ સહભાગીઓએ કામને ખૂબ જ ઉપયોગી અથવા કેટલેક અંશે ઉપયોગી ગણાવ્યું હતું.
ઘર-વાસ અને નોકરીમાં નુકસાનીના પગલે તાજેતરના મહિનાઓમાં મનરેગાની માગ વધી છે. 2020-20ના સમગ્ર વર્ષ દરમિયાન સર્જાયેલ 265 કરોડની સાપેક્ષે 2020ના એપ્રિલથી ઑગસ્ટના પહેલા સપ્તાહમાં 170 કરોડ વ્યક્તિ દિવસો સર્જાયા છે. બીજા શબ્દોમાં ગયા વર્ષ વ્યક્તિ દિવસના અંદાજે 64 ટકા આ વર્ષે માત્ર થોડા મહિનાઓમાં જ સર્જાયા જેનું કારણ માગ છે. છેલ્લા સાડા ત્રણ મહિનાઓમાં, તેલંગણા અને આંધ્ર પ્રદેશે અનુક્રમે 106 અને 96 ટકા વ્યક્તિ દિવસ ઊભા કર્યા જ્યારે વર્ષ 19-20માં 365 દિવસમાં કામ કરાયું હતું. નરેગાની પ્રગતિએ વારંવાર એ વાતની પુષ્ટિ કરી છે કે કામની તકોના અભાવના કારણે ગ્રામવાસીઓ આ યોજના માટે ધસારો કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કામના 100 દિવસ 4.8 લાખ પરિવારોએ પૂરા કરી પણ લીધા છે. મનરેગા હેઠળ કુલ ખર્ચ અત્યાર સુધીમાં રૂ. 48,000 કરોડ છે જે નાણાકીય વર્ષ 21 માટે ફાળવાયેલા કુલ રૂ. 1 લાખ કરોડના લગભગ અડધા જેટલો છે. પરંતુ, મનરેગા કામ સંદર્ભે સમસ્યા હોય તેમ જણાય છે.
શ્રમ પર સંસદીય પ્રવર સમિતિને માહિતી આપતાં, ગ્રામીણ વિકાસ ખાતાના એક અધિકારીએ કહ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષ માટે નરેગા હેઠળ અમારી પાસે ખૂબ ઓછાં નાણાં બચ્યાં છે. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના એક સર્વેક્ષણમાં જણાયું હતું કે દેશમાં મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતોએ નરેગા હેઠળ તેમને ફાળવાયેલ ભંડોળ વાપરી નાખ્યું છે. પંચાયતમાં પરિયોજનાઓની રકમ ઑગસ્ટ 2020 સુધીમાં વપરાય જાય તેવી સંભાવના છે.
ફાઉન્ડેશન સર્વેક્ષણ કહે છે કે મનરેગા હેઠળ કામ માટેની માગ ઓછામાં ઓછી નાણાકીય વર્ષ ૨૧ના અંત સુધીમાં તો ઊંચી રહેશે જ. જોકે ખરીફ ઋતુ દરમિયાન માગ થોડી ઓછી રહી શકે છે. તેણે ભલામણ કરી છે કે યોજના હેઠળ ફાળવણી બીજા રૂ. 1 લાખ કરોડ વધારી કુલ રૂ. 2 લાખ કરોડ કરાવી જોઈએ અને સૂચવ્યું હતું કે દિવસની સંખ્યા વધારીને પ્રતિ પરિવાર 200 દિવસ કરાવી જોઈએ.
કામદારોને આજીવિકા અને આવકનો ટેકો પૂરો પાડવા માટે, આરબીઆઈના પૂર્વ ગવર્નર સી. રંગરાજન અને આ લેખકના એક અભ્યાસમાં સૂચન કરાયું હતું કે મનરેગા હેઠળ રોજગારીના દિવસોની સંખ્યા વધારીને 150 કરી દેવી જોઈએ. આ અભ્યાસ શહેરી વિસ્તારોમાં રોજગારી બાંયધરી યોજના દાખલ કરવાનું પણ સૂચવે છે. તેની રૂપરેખા મનરેગાથી થોડી જુદી હોઈ શકે છે.