નવી દિલ્હી: ગૃહપ્રધાન અમિત શાહે એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત દરમિયાન આપેલું નિવેદનએ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. કોરોનાને ધ્યાનમાં રાખી દિલ્હીની પરિસ્થિતિ અંગે કેન્દ્રની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં અમિત શાહે મનીષ સિસોદિયાના નિવેદનોનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે કહ્યું હતું કે, જુલાઈના અંત સુધીમાં કોરોનાના સાડા પાંચ લાખ કેસ થશે.
અમિત શાહે કહ્યું કે, નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના આ નિવેદનથી દિલ્હીની જનતા ડરી હતી, પરંતુ અમે તેમના માટે ચિંતિત હતા. ગૃહપ્રધાનના આ નિવેદન અંગે નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમારા મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કોરોના સામેની લડત લડવા તમામ એજન્સીઓ પાસે મદદ અને સહકાર માગ્યા હતા.
સિસોદિયાએ કહ્યું કે, કેન્દ્ર સરકાર, ધાર્મિક સંગઠનો, રાધા સ્વામી સત્સંગ, અક્ષરધામ મંદિર ટ્રસ્ટ, તિરૂપતિ, વિવિધ હોટલો, બેંકવેટ હોલ, ખાનગી હોસ્પિટલો અને ડોક્ટર વગેરે જેવા બિન સરકારી સંગઠનોથી ઘણું સમર્થન મળ્યું છે. તેમણે કહ્યું કે જૂનના પહેલા અઠવાડિયામાં કોરોના કેસમાં અચાનક વધારો થયો હતો. ત્યારબાદ ખબર પડી કે, બેડ અને તપાસની વ્યવસ્થા ન હતી. મુખ્યપ્રધાનએ તરત જ કોરોના દર્દીઓ માટેની કેટલીક મોટી હોસ્પિટલોમાં 40 ટકા બેડ સુરક્ષિત કરવાનાં પગલાં લીધાં અને જીટીબી જેવી મોટી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ જાહેર કરી હતી.