નવી દિલ્હીઃ ભારતનો ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા હવે ટૂંક સમયમાં ભારત પહોંચી શકે છે. માલ્યાનો સમગ્ર મામલો મુંબઈ સાથે જોડાયેલો હાવાથી સૌપ્રથમ માલ્યાને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. સૌપ્રથમ મુંબઈમાં માલ્યા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સોમવારે રાત્રે વિજય માલ્યાને લઈને એક વિમાન મુંબઇ એરપોર્ટ પર ઉતરશે, ત્યાર બાદ સીબીઆઈ ઓફિસમાં રાખવામાં આવશે.
સૌપ્રથમ માલ્યાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મુંબઇ પહોંચતા જ મેડિકલ ટીમ માલ્યાના સ્વાસ્થ્યની ચકાસણી કરશે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના કેટલાક અધિકારીઓ વિમાનમાં માલ્યાની સાથે જ હશે. જો માલ્યા દિવસમાં ભારત આવે છે, તો તેને એરપોર્ટથી સીધા કોર્ટમાં લઈ જવામાં આવશે, જ્યાં સીબીઆઈ અને ઇડી કોર્ટમાં રિમાન્ડ અંગેની માંગ કરશે.
મહત્વનું છે કે, યુકેની અદાલતે ઓગસ્ટ, 2018માં માલ્યાની અરજી પર સુનવણી કરી હતી. આ વખતે ભારતીય તપાસ એજન્સીઓ પાસે માલ્યાને રાખવામાં આવનાર જેલ વિશે વિસ્તૃત માહિતી માગી હતી, ત્યારબાદ એજન્સીઓએ મુંબઈ સ્થિત આર્થર રોડ જેલના એક સેલનો વીડિયો યુકેની એક કોર્ટને આપ્યો હતો. જ્યાં માલ્યાને ભારતમાં લાવ્યા પછી રાખવાની યોજના છે.
નોંધનીય છે કે, બંધ પડેલી કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યા પર દેશની 17 બેન્કોનું 9,000 કરોડ રૂપિયાનું દેવું ચુકવવાનું બાકી છે. માલ્યા ભારત છોડીને 2 માર્ચ, 2016ના રોજ યુકે ભાગી ગયો હતો. ભારતીય એજન્સીઓએ માલ્યાના પ્રત્યાર્પણ માટે યુકેની કોર્ટમાં અપીલ કરી હતી અને લાંબી લડાઇ બાદ યુકે કોર્ટે 14 મેના રોજ માલ્યાની ભારત પ્રત્યાર્પણની અપીલ પર મહોર લગાવી દીધી હતી.
મહત્વનું છે કે, જ્યાં માલ્યાને રાખવામાં આવશે, તે આર્થર રોડ જેલમાં અંડરવર્લ્ડ સાથે જોડાયેલા કેટલાય કુખ્યાત ગુનેગારો અબુ સલેમ, છોટા રાજન, મુસ્તફા ડોસાને રાખવામાં આવ્યાં હતાં. 26/11ના મુંબઈ હુમલો કરનાર પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને પણ આ જ જેલમાં રાખવામાં આવ્યો હતો. શીના બોરા હત્યા કેસના આરોપી પીટર મુખર્જી અને પંજાબ નેશનલ બેન્કને 13,500 કરોડનો ચૂનો લગાવનાર વિપુલ અંબાણી પણ આ જેલની હવા ખાઈ ચૂક્યા છે. આર્થરરોડ જેલમાં ખૂંખાર કેદીઓને રાખવામાં આવી ચૂક્યા છે.