ન્યૂઝ ડેસ્ક: વિશ્વભરમાં દર વર્ષે જૂન મહિનાની એન્ટિ-મેલેરિયા મહિના તરીકે ઊજવણી કરવામાં આવે છે. આ ઊજવણી ચોમાસાના આગમન અગાઉ અને મેલેરિયાના વ્યાપની મોસમ પહેલાં કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ જાગૃતિ વધારવાનો તથા પરસ્પરના સંવાદ અને માસ મીડીયા અભિયાનો થકી સમુદાયની સહભાગીતાને વેગ આપવાનો છે.
મેલેરિયા માનવ સમુદાય પર મોટું સામાજિક-આર્થિક ભારણ ઊભું કરે છે અને અન્ય 6 બિમારીઓ (ઝાડા, એચઆઇવી/એઇડ્સ, ટીબી, શીતળા, હિપેટાઇટીસ બી અને ન્યુમોનિયા) સાથે વિશ્વમાં સંક્રમિત બિમારીના ભારણમાં તેમનું પ્રમાણ 85 ટકા થાય છે. મેલેરિયાનો ઉપદ્રવ ઉષ્ણ કટિબંધ તથા ઉપોષ્ણ કટિબંધીય ભાગના 90 જેટલા દેશોમાં છે અને તે પૈકીના અડધો-અડધ પ્રાંતો આફ્રિકા, સહારાના દક્ષિણ ભાગમાં આવેલા છે. વિશ્વની આશરે 36 ટકા (અર્થાત, 2020 મિલિયન) વસ્તી મેલેરિયાના સંપર્કમાં આવવાનું જોખમ ધરાવે છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના અંદાજ અનુસાર દર વર્ષે મેલેરિયાના 300-500 મિલિયન કેસો હોય છે. જેમાંથી 90 ટકા કેસો આફ્રિકામાંથી આવે છે. વધુમાં, મેલેરિયાને કારણે દર વર્ષે વિશ્વના 7,00,000થી 2.7 મિલિયન લોકો મોતને ભેટે છે અને તેમાંથી 75 ટકા લોકો આફ્રિકન બાળકો અને ગર્ભવતી માતાઓ હોય છે.
ભારતમાં મેલેરિયાનો રોગચાળો અને મૃત્યુ દર એ જાહેર આરોગ્ય માટે ચિંતાનો વિષય છે. આ બિમારી સામાજિક અને આર્થિક પરિસ્થિતિથી ભારે પ્રભાવિત છે અને તેને ગરીબોનો રોગ અને ગરીબીનું કારણ ગણવામાં આવે છે. સીમાંત સમુદાયો, ખાસ કરીને નિમ્ન સામાજિક-આર્થિક દરજ્જો ધરાવતા, ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ, પ્રત્યાયન તેમજ અન્ય મૂળભૂત સુવિધાઓની મર્યાદિત પહોંચ ધરાવતા ગ્રામીણ તથા આદિવાસી સમુદાયોએ સૌથી વધુ કપરી સ્થિતિનો સામનો કરવો પડે છે.
WHOના દક્ષિણ-પૂર્વીય એશિયન પ્રાંતના 11 દેશોમાં (જમીન વિસ્તાર 8,466,600 કિમી, અર્થાત વૈશ્વિક વિસ્તારના 6 ટકા) વસનારા 1.4 અબજ જેટલા લોકોમાંથી 1.2 અબજ લોકો મેલેરિયાનો ભોગ બનવાની શક્યતા ધરાવે છે અને તે પૈકીના મોટાભાગના લોકો ભારતમાં વસે છે. જો કે, મેલેરિયાના વૈશ્વિ ભારણમાં દક્ષિણ-પૂર્વ એશિયાનું પ્રમાણ ફક્ત 2.5 મિલિયન કેસો જેટલું છે. તેના કુલ કેસોમાં 76 ટકા કેસો એકલા ભારતના હોય છે. વળી, વિશ્વમાં પી.વિવેક્સ મેલેરિયાના 71થી 80 મિલિયન કેસો હોય છે, જે પૈકીના 42 મિલિયન કેસો દક્ષિણ-પૂર્વ અને પશ્ચિમી પેસિફિક દેશોના હોય છે.
કોવિડ-19 મહામારી દરમિયાન મેલેરિયા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કોવિડ-19ના સમયગાળા દરમિયાન મેલેરિયા નાબૂદીના કાર્યક્રમોની ઉપેક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તે જ સમયે, તેમે તમામ દેશોને ચેતવ્યા હતા કે, જો મેલેરિયાને અટકાવવામાં નહીં આવે, તો કોરોનાના સંક્રમણ તેમજ મેલેરિયાના કારણે વધુ લોકોનાં મોત નીપજશે. આ માટેનું એક કારણ એ છે કે, ઘણા દેશોમાં મેલેરિયાની સારવાર માટેની દવાઓ કોરોનાના દર્દીઓને પણ આપવામાં આવે છે, પરંતુ મેલેરિયાને અટકાવવા માટેનાં અસરકારક પગલાં ભરવામાં આવતાં નથી. જો આ પરિસ્થિતિમાં મેલેરિયા ફેલાશે, તો કોરોનાનું જોખમ પણ વધી શકે છે.
હાઇડ્રોક્સિક્લોરોક્વિન હજી પણ ઘણાં દેશોમાં કોરોનાની સારવાર માટે અસરકારક દવા ગણાય છે. બંને બિમારીઓના દર્દીઓની સંખ્યામાં એકસાથે થતો વધારો આવી દવાઓની ગંભીર અછત સર્જી શકે છે. તેના કારણે મૃત્યુ આંક વધી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને WHOએ મેલેરિયાથી સૌથી વધુ પ્રભાવિત થતા આફ્રિકન દેશો સહિત વિશ્વના અન્ય દેશોને પણ આ બિમારીને અટકાવવાની, તેની ચકાસણી કરવાની અને સારવારની કામગીરી ઝડપથી હાથ ધરવાની સૂચના આપી છે.
મેલેરિયાના દર્દીઓ પર ડબલ એટેક થઇ શકે છે
રામ મનોહર લોહિયા ઇન્સ્ટિટ્યૂટના એમડી ડૉ.વિક્રમ સિંગે જણાવ્યું હતું કે, જો કોઇ વ્યક્તિને મેલેરિયા હોય અને આ સમય દરમિયાન તેને કોરોના પણ થાય, તો તેના માટે આ ડબલ એટેક જેવી સ્થિતિ ઊભી થાય છે. ત્યાર પછી તેને સાજા થવામાં વધુ સમય લાગશે. કારણ કે, આ બંને બિમારીઓ શરીરમાંથી હિમોગ્લોબિન ઓછું કરી દે છે. આવા સંજોગોમાં ઘટી ગયેલી રોગપ્રતિકારક શક્તિ એન્ટિબોડીની રચનાને ધીમી પાડી શકે છે.
ભારતમાં આરોગ્ય સંભાળ અને મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ
ભારતમાં 29 રાજ્યો અને સાત કેન્દ્રશાસિત પ્રદેશો આવેલાં છે. દેશમાં સંખ્યાબંધ સુઆયોજિત નેશનલ ડિસીઝ કન્ટ્રોલ (રાષ્ટ્રીય બિમારી નિયંત્રણ)/નાબૂદી કાર્યક્રમો અસ્તિત્વ ધરાવે છે અને રાજ્ય સરકારો રાષ્ટ્રીય નીતિઓને અનુસરીને તેમનો અમલ કરે છે. સમગ્ર ભારતમાં સરકારની સહાયતા ધરાવતી ત્રણ સ્તરની આરોગ્ય સંભાળ વ્યવસ્થા આવેલી છે (પ્રાથમિક આરોગ્ય સંભાળ વ્યવસ્થા ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટાકેન્દ્રોનું નેટવર્ક ધરાવે છે, મ્યુનિસિપલ કાઉન્સિલ અને કોર્પોરેશન હેઠળ કાર્યરત નગરોમાં અર્બન હેલ્થ પોસ્ટ્સ અથવા તો ડિસ્પેન્સરી, ગૌણ સંભાળ માટે જિલ્લા હોસ્પિટલો અને તૃતિય સંભાળ માટે મેડિકલ કૉલેજો અને હોસ્પિટલોનું નેટવર્ક ધરાવે છે). ખાનગી હેલ્થ કેર પ્રોવાઇડર્સમાં જનરલ પ્રેક્ટિશનર્સ તથા વૈદ્ય ઉપરાંત હોસ્પિટલો તથા ચિકિત્સાલયો આવેલાં હોય છે, જેનું વ્યાવસાયિક ધોરણે સંચાલન કરવામાં આવે છે. તૃતીય શ્રેણીની (ટર્ટિયરી) સંભાળ લેતી હોસ્પિટલો વિશાળ જાહેર ક્ષેત્રનાં ઔદ્યોગિક એકમો તથા વિશાળ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ દ્વારા પણ સંચાલિત હોય છે.
સંગઠિત નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કન્ટ્રોલ પ્રોગ્રામ (NVBDCP) રાજ્ય સરકારોને તકનીકી તથા કામગીરીને લગતી માર્ગદર્શિકા પૂરી પાડે છે અને સાથે જ ભારતમાં મેલેરિયા, ફિલેરિયાસિસ, જાપાનિઝ ઇન્સેફેલાઇટિસ અને ડેંગ્યુ હેમોરેજિક ફિવર કન્ટ્રોલનો અડધો ખર્ચ ઊઠાવે છે. NVBDCPનો અમલ સ્થાનિક સ્તરે બહુ-હેતુકીય કાર્યકરોની સહાયથી પ્રાથમિક આરોગ્ય સંભાળ વ્યવસ્થા થકી કરવામાં આવે છે. પહોંચી ન શકાય, તેવા વિસ્તારોમાં સમુદાય સ્તરે દવા વિતરણ કેન્દ્રો (ડીડીસી) અને તાવ સારવાર ડેપો (FTDs) પૂરાં પાડવામાં આવે છે. વહેલું નિદાન અને સંપૂર્ણ સારવાર, પસંદગીયુક્ત વેક્ટર નિયંત્રણ તથા વ્યવહારમાં પરિવર્તન સાથેનું પ્રત્યાયન એ NVBDCPની વર્તમાન મેલેરિયા નિયંત્રણ રણનીતિનાં ચાવીરૂપ ઘટકો છે.
ભારતમાં મેલેરિયાની સ્થિતિ