ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાકિસ્તાનના પૂર્ણ દરજ્જાનું રાજ્ય બનાવવાના વિચારે ક્ષેત્રની બહાર ખળભળાટ મચાવી દીધો છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનના વિદેશમાં રહેતા લોકો આ પગલાને ભારતીય કલમ 370 અને 35-એ દૂર કરી તે નિર્ણયના જવાબમાં લેવાયેલું પગલું જુએ છે. કલમ 370 અને 35-એ બંધારણની અંદર જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી હતી.
કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન (જીબી) બાબતોના પ્રધાન અલી અમીન ગંદાપુર (ગાંડાપુર/ગંડાપુર)એ સંવાદદાતાઓ સમક્ષ પાકિસ્તાનના આશયો જણાવતાં જાહેર કર્યું કે ગિલગિટ-બાલ્ટિસ્તાનને તેનો ચોથો પ્રાંત જાહેર કરીને પાકિસ્તાન કાશ્મીર પર તેનું રાજકીય વલણ બદલી રહ્યું છે. પાકિસ્તાન આધિપત્યવાળા કાશ્મીરના અન્ય ભાગોની વિરુદ્ધ, ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાકિસ્તાનનો પ્રાંત બનાવાયા પછી તેનું રાષ્ટ્રીય સંસદમાં પ્રતિનિધિત્વ હશે. ગિલગિટ-બાલ્ટિસ્તાનને પ્રાંતના સ્તર સુધી બઢતી આપવા પાછળ દેખીતી રીતે આ ક્ષેત્રના જૂના અસંતુષ્ટ નેતાઓનો અવાજ દબાવવાનો આશય છે. આ નેતાઓ ક્યારેય ઈચ્છતા નહોતા કે ગિલગિટ બાલ્ટિસ્તાનને જમ્મુ-કાશ્મીરનો ભાગ ગણવામાં આવે. તેમની દલીલ એ હતી કે આ ક્ષેત્રનો પોતાનો રાજકીય ઈતિહાસ છે જે બાકીના જમ્મુ-કાશ્મીરના ઇતિહાસ કરતાં અલગ છે. વાસ્તવમાં, ગિલગિટ બાલ્ટિસ્તાન ગુલાબસિંહે બ્રિટિશરો સાથે કરેલી અમૃતસર સંધિનો ક્યારેય ભાગ નહોતું. તે બાદમાં જમ્મુ-કાશ્મીરનો ભાગ બની ગયું.
તે વખતે ગિલગિટ એજન્સી, ઉત્તરીય વિસ્તારોનું પ્રશાસન બ્રિટિશર દ્વારા રાજકીય એજન્ટ દ્વારા કરાતું હતું જેથી તેની સરહદને પાર સંચારનો પ્રભાવ રોકી શકાય. જીબીનું નેતૃત્વ માને છે કે આ ક્ષેત્રને કાશ્મીર સાથે ભેળવીને તેની પદાવનતિ કરાઈ છે. આ ક્ષેત્ર જમ્મુ-કાશ્મીરનો ભાગ કાગળ પર છે પરંતુ તે બાકીના પાકિસ્તાન આધિપત્યવાળા કાશ્મીર જેટલી સ્વાયત્તતા ભોગવતું નહોતું.
પાકિસ્તાન આધિપત્યવાળા કાશ્મીરને અલગ પ્રમુખ, વડા પ્રધાન અને વિધાનસભા છે જેવું ગિલગિટ બાલ્ટિસ્તાનને નથી. તેનું પ્રશાસન પાકિસ્તાન ધારાસભા દ્વારા કરે છે. આ ધારાસભા પાકિસ્તાને ૨૦૧૮માં આદેશો જાહેર કર્યા તે પછી અસ્તિત્વમાં આવી હતી.
પાકિસ્તાનના આધિપત્યવાળા કાશ્મીરને તેનું પોતાનું સર્વોચ્ચ ન્યાયાલય છે જેનું અધિકારક્ષેત્ર જીબી પર નથી. પરંતુ પાકિસ્તાનના સર્વોચ્ચ ન્યાયાલયના એક ચુકાદા મુજબ અને પાકિસ્તાન-ચીન સમજૂતી મુજબ, જમ્મુ-કાશ્મીરની અંતિમ સમજૂતી આપમેળે જ જીબીને પણ લાગુ થશે જ. પરંતુ જો આ ક્ષેત્રને પાકિસ્તાનનો અન્ય પ્રાંત બનાવી દેવાશે તો તેનાથી આ ક્ષેત્રનો એકંદર રાજકીય પ્રકાર બદલાઈ જશે.
એક યુરોપીય વિચાર મંચ, યુરોપીયન ફાઉન્ડેશન ફૉર સાઉથ એશિયન સ્ટડિઝ (ઇએફએસએએસ) કહે છે કે આ નિર્ણય “રાવલપિંડી”એ લીધો છે, “ઈસ્લામાબાદે નહીં”. રાવલપિંડી રૂપકની રીતે પાકિસ્તાનની સૈન્ય રાજધાની છે.
ઘણા દલીલ કરે છે કે ચીન જીબીના દરજ્જામાં બદલાવ માટે આગ્રહ રાખી રહ્યું છે કારણકે આ વિવાદિત ક્ષેત્રમાં તેનાં આર્થિક મૂડીરોકાણો છે. ચીનના મોટા વેપાર માર્ગ- ચીન પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડૉર જીબીમાંથી પસાર થાય છે અને આ વિસ્તાર અવિભાજિત જમ્મુ-કાશ્મીરના ભાગ તરીકે માન્ય કરાયેલો ભાગ છે. પંડિત જવાહરલાલ નહેરુએ કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રોમાં લઈ જતી વખતે ગિલગિટ એજન્સી, જે અત્યારે ગિલગિટ-બાલ્ટિસ્તાન તરીકે ઓળખાય છે, તેનો ઉલ્લેખ વિવાદ હેઠળના રાજ્યના ભાગ તરીકે કર્યો હતો.