નવી દિલ્હી: શનિવારે રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રમતમાં નોંધપાત્ર યોગદાન આપનારા ખેલાડીઓની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, સરકાર રમતગમતને લોકપ્રિય બનાવવા અને રમતગમતની પ્રતિભાને જરૂરી સમર્થન આપવા માટે અથાક કાર્ય કરી રહી છે. તેમણે ટ્વિટ કરીને ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા. દિગ્ગજ ભારતીય હોકી ખેલાડી મેજર ધ્યાનચંદને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'રાષ્ટ્રીય રમતગમત દિવસ બધા ખેલાડીઓની નોંધપાત્ર સિદ્ધિઓને ઉજવવાનો એક ખાસ દિવસ છે, જેમણે વિવિધ રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને આપણા રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. આ બધા ખેલાડીઓના તપ અને દ્રઢ સંકલ્પ નિશ્ચિતપણે ઉત્કૃષ્ટ છે.'
મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે, 'તેમની હોકી સ્ટીકના જાદુને ક્યારેય કોઈ ભૂલી નહીં શકે. નોંધનીય છે કે, ધ્યાનચંદને હોકીના શ્રેષ્ઠ ખેલાડી માનવામાં આવે છે. તેમની પાસે ગોલ કરવાની અદભૂત ક્ષમતા હતી. તેમની રમત દરમિયાન ભારતે ઓલ્મિપકમાં હોકી (1928, 1932 અને 1936)માં 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ તે સમય હતો, જેને ભારતમાં હોકીનો સુવર્ણ સમય કહેવામાં આવે છે.
આ પ્રસંગે વડાપ્રધાને પ્રતિભાશાળી રમતવીરોની સફળતામાં તેમના પરિવારો, કોચ અને સપોર્ટ સ્ટાફ દ્વારા આપવામાં આવેલા નોંધપાત્ર સમર્થનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'ભારત સરકાર વિવિધ રમતોને લોકપ્રિય બનાવવા તેમજ ભારતમાં રમતગમતની પ્રતિભાને જરૂરી સહાય પૂરી પાડવા માટે અથાક પ્રયાસો કરી રહી છે'.